હાલમાં આત્મહત્યાના વધતા કેસોમાં ફરી એક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં સુરત શહેરના અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં એક યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ખાનગી ફાયનાન્સ કંપનીઓની પઠાણી ઉઘરાણી અને જેલમાં નખાવી દેવાની ધમકીથી ડરીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આત્મહત્યા પહેલાં 25 વર્ષના વિજય લખારા 3 વર્ષની દીકરી અને પત્નીને લઈ સાસરીમાં મદદ માંગવા ગયો હતો. જ્યાંથી કોઈ સહાય ન મળતા પરિવારને છોડી ઘરે આવી ગયો હતો. ખાનગી ફાયનાન્સ કંપનીઓના ત્રાસથી આત્મહત્યા કરનાર ભાઈને ન્યાય મળે એ માટે ભાઈ નિખિલે પોલીસ અને સામાજિક સંસ્થાઓની મદદ માટે પુકાર લગાવી છે.
નિખિલ લખારાએ જણાવ્યું હતું કે, વિજય રામજી લખારા પહેલા કિરણ જવેલર્સમાં નોકરી કરતો હતો. લોકડાઉનમાં નોકરી છૂટી ગયા બાદ આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ હતી. 3 વર્ષની દીકરી અને પત્ની સાથે માતાના ભરણ-પોષણની જવાબદારી પણ વિજય પર હતી.
વધુમાં જણાવ્યું હતું કે, પિતાના કેન્સરની સારવાર માટે વિજયે ત્રણ ખાનગી ફાયનાન્સ કંપનીઓ પાસે પર્સનલ લોન લીધી હતી. જેના હપ્તા રેગ્યુલર ભરતો હતો પણ નોકરી છૂટી ગયા બાદ એ હપ્તાને લઈ ત્રણેય કંપનીઓ દ્વારા નોટિસ આપવામાં આવતી, ફોન પર ધમકી અપાતી ઉપરાંત જેલમાં પુરાવી દેવાની ધમકી પણ આપવામાં આવતી હતી. આ તમામ ફોનનું ઓડિયો રેકોર્ડીંગ વિજયના ફોનમાંથી મળી આવ્યું છે. ભાઈ વિજય ફાયનાન્સરોના ફોનથી ગભરાય ગયો હતો.
દરેક મિત્રો પાસે મદદ માંગી ચૂક્યો હતો. ક્યાંય પણ મદદ મળી ન હતી. આખરે સાસરીવાળા પાસે મદદ માંગવા ગયો હતો. ગુરુવારના રોજ વિજય પત્ની અને 3 વર્ષની દીકરીને લઈ તેના સાસરીએ ગયો હતો અને ત્યાં આર્થિક મદદ કરવા જણાવ્યું હતું. પરંતુ ત્યાં પણ નિરાશા મળી હતી અને વિજય પરિવારને સાસરીમાં છોડી ઘરે પરત આવ્યા બાદ ગળેફાંસો ખાય આત્મહત્યા કરવા મજબૂર થયો હતો.
વધુમાં જાણવા મળ્યું હતું કે, પત્નીનો ફોન ન ઉપાડતા ભાભીએ મને ફોન કરી તપાસ કરવા જાણ કરી હતી. હું વિજયના ઘરે પહોંચ્યો તો તેણે દરવાજો ન ખોલ્યો જેથી મેં દરવાજો તોડી નાખ્યો અને જોયું તો એ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલ આ અંગે અડાજણ પોલીસને તમામ સત્ય હકીકત જણાવી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.