આયુર્વેદમાં જણાવ્યું છે કે સાજા કેમ રહેવું એ વિશે એક વિભાગ “સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષા” અંગેનું જ્ઞાન આ વિભાગમાં આપેલ છે. આ વિભાગમાં એક શ્લોક મુજબ કહેવામાં આવ્યું છે. કે ” હંમેશા પથ્ય આહાર વિહારનું સેવન કરનાર ,જો વિચારી કામ કરનાર ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ ન રાખનાર ,દાન કરનાર ,સર્વ તરફ સમભાવ રાખનાર ,સત્યનિષ્ઠ અને આપ જનની સેવા કરનાર મનુષ્ય નીરોગી રહે છે.”
શાસ્ત્ર પ્રમાણે ગ્રીષ્મ ઋતુમાં કાળજી લઈને શાસ્ત્રનો ઉપદેશ હાથ રાખી વ્રત રાખવામાં આવે તો જરૂર ગ્રીષ્મની કારમી ગરમીમાં પણ તંદુરસ્ત રહી શકાય છે. સૌ પ્રથમ વિહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે સૂર્યનો તાપ તીક્ષ્ણ હોય ત્યારે બહાર નીકળવું નહીં અને નીકળવું પડે તો પાઘડી અથવા ટોપી જેવા સાધનોથી શરીરનું રક્ષણ કરવું. આ ઋતુ આનંદથી પસાર કરવા માટે ખોરાકમાં પ્રવાહીનું પ્રમાણ વિશેષ રાખવું. ખાટા , ખારા અને તીખા પદાર્થો પ્રમાણસર જ લેવા અથવા લેવાનું ટાળવું. મધુર પ્રદાર્થો, ફળો જેવા કે કેરી તરબૂચ ટેટી દ્રાક્ષ અને સંતરા વગેરે લઇ શકાય.
મહર્ષિ ઋષિએ ગ્રીષ્મ ઋતુમાં ભેંસનું દૂધ સાકર સાથે મેળવી સાંજના વાળુમાં વાપરવા લખ્યું છે. જોકે શાસ્ત્રમાં ગાયના દૂધને મહાન ગયું છે પરંતુ ગ્રીષ્મની ગરમીમાં ભેંસનું દૂધ વધારે સારું માનવામાં આવ્યું છે. આ ઉપરાંત ખસનું શરબત, સુગંધીવાળા યુક્ત જળ, ગુલાબનું શરબત, તકમરીયા નુ શરબત ઉનાળાની અકળામણમાં ઘણી રાહત આપે છે.
આ ઋતુના ઔષધોમાં ચંદનાદી ચૂરણ, ચંદનાદી વટી લઈ શકાય. શતાવરી ચૂર્ણ અને શંખપુષ્પી ચૂરણ સરખે ભાગે મેળવી સવાર અને સાંજ દૂધ સાથે લઈ શકાય. સાથે સાથે ગુલકંદ આમળાનો મુરબ્બો વગેરે પિત્ત વાતશામક અવલેહ લઈ શકાય. આયુર્વેદ શાસ્ત્રમાં ઋતુચર્યા,દિનચર્યા, રાત્રિચર્યા અને પ્રકૃતિ વિશે સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. કઈ પ્રવૃત્તિની વ્યક્તિએ કઇ ઋતુમાં કેમ વર્તવું એની વૈજ્ઞાનિક ચર્ચા કરી આહારવિહારની સુંદર ગોઠવણ કરી છે.
આપણે ત્યાં ઉનાળામાં થતાં સમારંભો અને કાર્યક્રમોમાં ઋતુને લક્ષમાં રાખીને મેનુ ગોઠવવામાં આવે તો રોગોમાં થતો વધારો રોકી શકાય. અને આ પ્રમાણે જો આહાર-વિહાર લેવામાં આવે તો આવનારા ઘણા રોગો પણ ટળી શકે છે અને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકાય છે.