ગેરહાજર કર્મચારીઓની હાજરી પૂરવાનું કૌભાંડ- મહાનગરપાલિકામાં 500 રૂપિયાના બદલામાં ન આવ્યા હોય તેને હાજર બતાવે છે- જુઓ વિડીયો

Surat Municipal Corporation Scam: દેશની નંબર વન ક્લીન સિટીનું બિરુદ મેળવનાર સુરત શહેરની મહાનગરપાલિકા કૌભાંડોમાં(Surat Municipal Corporation Scam) પણ મોખરે છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા શહેરની પાલિકાના કર્મચારીઓ સામે અનેકોવાર ભ્રષ્ટ્રાચારના આક્ષેપો થતા રહે છે. ત્યારે આજે સવારથી હાજરી કૌભાંડ અંગેનો વાયરલ થઈ રહેલાં એક વીડિયોએ ચકચાર જગાવી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં પુરાવા જોવા મળ્યા
સવારથી એક વીડિયો શહેરમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં સુરત મનપાના સફાઈ કર્મચારી પાસેથી પાલિકાનો યુનિફોર્મ ભરેલો કેપ પહેરેલો, ચશ્મા પહેરેલો એક વ્યક્તિ રૂપિયા લઈ રહ્યો છે અને બે અડધી એક આખી એમ બોલી રહ્યો છે. કહેવાય છે કે આ કર્મચારીએ ગેરહાજર રહેલાં સફાઈ કર્મી પાસેથી હાજરી પુરવા બદલ રિશ્વત લીધી છે.જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યો છે.

‘નોકરી પર નહીં આવો તો પણ પાલિકામાં હાજરી પુરાઈ જશે’
આ સાથે જ સુરત મહાનગરપાલિકામાં ગેરહાજર કર્મચારીઓને ચોપડે હાજર દર્શાવી કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા ઉઠી છે. 500 રૂપિયાના બદલામાં હાજરી પુરી આપવામાં આવતી હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નોકરી પર નહીં આવો તો પણ પાલિકામાં હાજરી પુરાઈ જતી હોવાની ચર્ચા આ વીડિયો બાદ શરૂ થઈ છે.

ઉધના ઝોન બીનો કર્મી હોવાનું અનુમાન
વીડિયોમાં જે વ્યક્તિ રૂપિયા લઈ રહ્યો છે તે પાલિકાના ઉધના ઝોન બીનો કર્મચારી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ વ્યક્તિએ સ્ટાઈલિશ ચશ્મા અને કેપ પહેરી છે. તે બાઈક પર બેસીને બેલદાર પાસે 500 રૂપિયા લેતો વીડિયોમાં નજરે પડે થયો છે. આ કર્મચારી પાલિકામાં એસએસઆઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની હકિકત અંગે પાલિકા તપાસ કરે અને કસૂરવારો સામે પગલાં લેશે કે નહીં તે જોવું રહ્યું!