સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં બંદીવાનોએ ઉજવી રક્ષાબંધન, બહેનો ભાઈને રૂબરૂ રાખડી બાંધી શકે તેવી જેલમાં કરાયું આયોજન

સુરતમાં આજે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી ઠેર ઠેર જોવા મળી હતી. ત્યારે આ વખતે સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં (Surat Lajpor Jail Rakshabandhan)  પણ ભાઈ બેનના પવિત્ર તહેવારની વિશેષ ઉજવણીનું આયોજન કરાયું હતું. જેલમાં બંધ બંદીવાન ભાઈઓને બેન રૂબરૂમાં રાખડી બાંધી શકે તે પ્રકારનું આયોજન આ વખતે કરાયું હતું.ત્યારે જેલની અંદર યોજાયેલી રક્ષાબંધનના પર્વની ઉજવણી દરમિયાન ખૂબ જ લાગણી સભર અને હૃદય સ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન ભાઈ અને બહેન ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

જેલમાં રક્ષાબંધનની ઉજવણી

ભાઈ બેનનો આ પવિત્ર રક્ષાબંધનના આ તહેવારની ઉજવણી સમગ્ર દેશમાં ઠેકાણે ઉત્સાહભેર ઉજવાઈ રહી છે. બહેન ભાઈના દીર્ઘાયુની કામના સાથે કલાઈ પર રક્ષા કવચ બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા નું વચન જ્યારે આપે છે ત્યારે ભાઈ બેન નો પવિત્ર સંબંધ ગાઢ બને છે. ત્યારે ભાઈ બેનના આ સંબંધ ની આ વખતે સુરતની લાજપોર જેલમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. કોઈને કોઈ કારણોસર અને ગુનાના સજાના રૂપે જેલમાં બંધ બંદીવાન ભાઈને તેની બહેન રૂબરૂમાં મળીને રાખડી બાંધી શકે તે પ્રકારનું વિશેષ આયોજન જેલ પ્રશાસન (Surat Lajpor Jail Rakshabandhan) દ્વારા આ વખતે કરવામાં આવ્યું હતું.

જેલમાં છલકાયા લાગણીશભર દ્રશ્યો

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ દ્વારા સરકાર પાસેથી વિશેષ પરવાનગી મેળવી પ્રથમ વખત જેલમાં બંધ કેદીઓને રૂબરૂમાં મળી રક્ષાબંધનની પર્વની ઉજવણી ભાઈ બહેન કરી શકે તે પ્રકારનું આયોજન ગોઠવ્યું હતું. જેમાં કાચા પાકા કામના અનેક જેલમાં બંધ બંદીવાનો ની બહેન દ્વારા આજે જેલની અંદર વિશેષ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.પોતાના બંદીવાન ભાઈને મળીને તેની કલાઈ પર બહેન જેલની અંદર રાખડી બાંધી મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવી પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. આ દરમિયાન જેલની અંદર ભાઈ બહેનના પ્રેમના ખૂબ જ લાગણી સભર અને હર્દય દ્રાવક દ્રશ્યો છલકાયા હતા.

ભાઈ બહેન ચોધાર આંસુએ રડી પડ્યા

લાંબા સમયથી જેલમાં બંધ પોતાના ભાઈને મળવાની બહેનની ઈચ્છા અને તેની સાથે તહેવાર ઉજવવાની ઈચ્છા આજે જેલ પ્રશાસન દ્વારા પૂરી કરી હતી. જેલમાં બંધ પોતાના ભાઈને સુરક્ષિત જોઈ બહેન ખૂબ જ ભાવુક થતી જોવા મળી હતી. તો સામે તરફ ભાઈ જેલમાં રહી પોતાની બહેન ને રાખડી બાંધવી પડતી હોવાથી અને વળતા તેને કોઈ સોગાત પણ આપી શકતા ન હોવાથી ભાઈ પણ ખૂબ જ ભાવુક થયા હતા. ગંભીર ગુનાઓ કરીને જેલમાં બંધ તમામ ભાઈઓ પરિવાર સામે આજે પોતાને કરેલા કૃત્યો પર પસ્તાવો અનુભવતા હતા.અને જેલમાં બંધ તમામ બંદીવાન ભાઈઓ અને બહેનો રક્ષાબંધનની આ ઉજવણી દરમિયાન એકબીજાને ભેટીને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ભાઈ બહેનના આ દ્રશ્ય જોઈને જેલ પ્રશાસન પણ દ્રવી ઉઠ્યું હતું.

જેલમાં બંધ 3000 બંદીવાનોએ રક્ષાબંધનની ઉજવણી કરી

લાજપોર જેલના ડીવાયએસપી ડી પી ભટ્ટએ જણાવ્યું હતું કે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈ બંદીવાન ભાઈઓને તેમની બહેન રૂબરૂ મળીને રક્ષા સુત્ર બાંધી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલના કેદી ભાઈઓને અગાઉથી જ પોતાની બહેનો જેલમાં આ વખતે આવીને રક્ષાબંધનની ઉજવણી કરવા આવી શકે છે તેવી સૂચના આપી દેવાઈ હતી. જેને લઇ આજે બંદીવાન ભાઈઓને રક્ષા સૂત્ર બાંધવા આવેલી તમામ બહેનો માટે જેલ પ્રશાસન દ્વારા અલાયદી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. જેમાં તમામ બહેનો પોતાના ભાઈઓને રક્ષા પુત્ર બાંધી આશીર્વાદ આપી શકે તે પ્રકારનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં અંદાજે જેલમાં બંધ 3000 જેટલા બંદીવાનોએ પોતાની બહેન પાસે રાખડી બંધાવી પવિત્ર તહેવારની ઉજવણી કરી આશીર્વાદ મેળવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *