સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટ માં લાગેલી આગ માં કુલ ૨૩ મૃત્યુ આંક બહાર આવ્યો છે. આ ઘટનાના પડઘા માત્ર ગુજરાત જ નહીં પરંતુ છેક દિલ્હી દરબાર સુધી પડ્યા હતા. જેને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને રાષ્ટ્રપતિએ પણ આ દુઃખદ ઘટના અંગે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણી તાબડતોબ ગાંધીનગર થી સુરત જવા રવાના થયા હતા.
સુરતમાં બનેલી આ ઘટના પાછળ સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનર સીધા જવાબદાર છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને સ્થાનિક સત્તાધીશોને તમામ પ્રકારની સહાય આપવા આદેશ આપી દીધા છે. જેના સંદર્ભમાં સુરતના મેયરે ટ્વીટ કર્યું હતું કે, હું ઘટનાસ્થળે હાજર છું અને અમે તમામ પ્રકારની મદદ પૂરી પાડીશું. પરંતુ સ્થાનિક લોકોએ આ વાતને નકારી કાઢી હતી. જોકે ઘટનાસ્થળે માત્ર ડેપ્યુટી કમિશનર જ હાજર હતા. અને ટ્વીટ બાદ તેઓ ત્યાં પહોંચ્યા હતા.
આ ઉપરાંત દુર્ઘટનાનાં લાઈવ ટેલીકાસ્ટ વખતે જ વાયરલ વિડીયો જોઇ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર થી મોર્નિંગ ન્યુઝ ફોક્સના તંત્રી દ્રારા મેયર ને ઘટના અંગે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કબૂલ્યું હતુ કે ઘટના સ્થળે માત્ર ડે.કમિશ્નર જ હાજર હતા. એટલું જ નહિ પરંતુ વાયરલ વિડીયો માં બાળકો ઉપરથી જે છલાંગ લગાવી રહ્યા હતા. તેને લઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ અંગે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ મેયર ને વાયરલ વિડીયો મોકલવામાં આવ્યો હતો અને પછી તેમણે સ્વીકાર્યું હતું કે આ વીડિયોમાં જે લોકો કૂદકા મારી રહ્યા છે એ રેસ્ક્યુ થઈ રહ્યું નથી. પરંતુ ભયભીત થઈને એ બાળકો કૂદી રહ્યા છે.
આમ સુરતની આ કરૂણ ઘટનાને લઇને પણ મેયર ખોટું બોલતા પકડાઈ ગયા છે.ઘટના સમયે તેઓ હાજર હતા જ નહીં તો પણ તેમણે પ્રધાનમંત્રી ને ટ્વીટ દ્વારા એવું જણાવ્યું કે હું ત્યાં હાજર છું. જોકે આ ઘટના પાછળ રાજનીતિ કરવા કરતા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તકેદારી લેવી એ વધારે યોગ્ય છે. ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સુરતમાં આવ્યા, ઘટનાની માહિતી મેળવી છતાં પણ તેઓ સત્ય સ્વીકાર કરી શક્યા નહીં અને દોષનો ટોપલો માથે થી ખભે નાખી દીધો હતો. જે સ્પષ્ટ દર્શાવે છે કે સરકાર સંવેદનાહીન હોય એમ લાગી રહ્યું છે.