સુરત/ પ્રેમનો કરૂણ અંજામ: પ્રેમિકાની સગાઈ થતા ઘરે જઈ પ્રેમીએ ચપ્પુના ઘા માર્યા, યુવકે કર્યું અગ્નિસ્નાન- ઘટનાસ્થળે જ યુવકનું મોત

Surat News: સુરત શહેર(Surat News)ના પાસોદરા વિસ્તારમાં આજે એક પ્રેમ કહાનીનો કરૂણ અંજામ આવ્યો છે.જેમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની બે દિવસ અગાઉ સગાઇ થઇ જતા તેને ચપ્પુ મારી ઇજા પહોંચાડી બાદમાં પોતે પણ અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

સૌ પ્રથમ યુવતીને ચપ્પુ વડે રહેંસી નાખી બાદમાં પ્રેમીએ મોતને વ્હાલું કર્યું
સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપમાં આજે હચમચાવતી ઘટના સામે આવી છે. જ્યાં ઓમ ટાઉનશીપના બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય યુવતીને ઓમ ટાઉનશીપમાં જ 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતીભાઈ ભામણાએ ચપ્પુ મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં પોતાના શરીરને આગ ચાંપી દઈ મોતને વહાલું કર્યું હતું.

ઘરે યુવતી એકલી હતી તે દરમિયાન યુવક આવ્યો
આ ઘટના અંગે યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, અમે તો ઘરેથી કામઅર્થે નીકળી ગયા હતા. ઘરે બે દીકરી એકલી હતી. મને પાડિશીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા ઘરમાંથી ધુમાડા નીકળી રહ્યાં છે. જેથી ઘરે પહોંચ્યા તો દીકરીને ચપ્પાના ઘા વાગેલા હતા અને શરીરે દાઝેલી પણ હતી. યુવક સાથે પેટ્રોલ લઈને આવ્યો હતો અને દીકરીઓને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.તેમજ આ અંગે સરથાણા પોલીસે જણાવ્યું હતું કે,યુવતીની બે દિવસ અગાઉ જ સગાઇ થઇ હતી.તેમજ આ યુવક અને યુવતીનો 6 મહિના અગાઉ જ પ્રેમ સબંધ બંધાયો હતો,ત્યારે યુવતીની પરિવાર દ્વારા બીજે સગાઇ કરાવી દેતા આ ઘટના બનવા પામી છે.

બંને પરિવારો વચ્ચે પારિવારિક સબંધો હતા
પી. આઇ.એ વધુમાં જણાવ્યું હતું કે, યુવકને યુવતીના ઘરે અવરજવરના સંબંધ હતા. યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા. દરમિયાન છ મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ કેળવાયો હતો, પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી. યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરાવી દેતા યુવકે આ પ્રકારનું પગલું ભર્યું, હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઘટના અંગે ફાયર અધિકારી બીપીનભાઈએ જણાવ્યું હતું કે, અમે પહોંચ્યા તે પહેલા જ અંકિત જયંતીભાઈ ભામણા અગ્નિસ્નાનમાં બળીને સંપૂર્ણ રીતે દાઝી ગયો હતો અને મોતને ભેટિયો હતો. અમે તાત્કાલિક ત્યાં પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.