સુરત(ગુજરાત): સામાન્ય માણસ કોરોના કાળમાં આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. ત્યારે પોલીસ વિવિધ કાયદા અને નિયમો અંતર્ગત માસ્કના નામે દંડની બીક બતાવી લોકોને પરેશાન કરતા હોવાનું સામે આવી રહ્યું છે. પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એકાંત જગ્યા પર લોકોને અટકાવીને પોલીસ ઉઘરાણી કરી રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીઆર વાન ઉભી રાખી વાહનચાલકોને આંતરી ટ્રાફિક નિયમ તોડવાના બહાને તોડ કરનાર પોલીસવાળાનો વીડિયો ફરતો થતા પુણા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જેના કારણે પોલીસની ઇમેજ ખરાબ થઇ રહી છે. હાલ તો આ અંગે પોલીસે તપાસ શરુ કરી છે.
ફરી એકવાર સુરત પોલીસનાં જવાનો વિવાદમાં આવ્યા છે. લોકો પાસેથી દંડ નામે પૈસા ઉઘરાણીનો વધુ એક બનાવ સામે આવતા સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. કોરોનાની મહામારીમાં સુરત પોલીસ દંડના નામે લોકોને હેરાન કરી રહી છે. અનેક મુદ્દાઓ પર ફરિયાદો પણ આવી રહી છે. મંગળવારે બપોરે 12 વાગ્યાના અરસામાં એક યુવક બાઈક લઈ પુણા કેનાલ બીઆરટીએસ રૂટથી આગળ ટીટી સેન્ટર પાસે અંદરના અવાવરૂ રસ્તા પાસેથી જતો હતો. ત્યારે ત્યાં પુણા પોલીસની પીસીઆર વાન-23 ઉભી હતી.
સુરતના પુણા પોલીસની 23 નંબરની પીસીઆર વાનનો કર્મચારી નીરલ કિરીટભાઇ અને કોન્સ્ટેબલ મુકેશ રમણભાઇ ડ્યુટી પર હતા. ત્યારે પીસીઆરને સુમસાન રોડ પર ઉભી રાખીને ત્યાંથી પસાર થતા ટુ વ્હીલર, ટેમ્પો ચાલકોને દંડના નામે પૈસા ઉઘરાવતા હતા. એટલું જ નહીં, તેમને રસીદો પણ આપતા ન હોવાની વિગતો જોવા મળી છે.
નિરલે એક હજાર રૂપિયા દંડ ભરી રસીદ લેવા કહેતા યુવકે તેના મિત્રને રૂપિયા લઈને બોલાવ્યો હતો. તેનો મિત્ર આવ્યો પરંતુ તેની પાસે પણ રૂપિયા ન હતા. ત્યારે યુવકના મિત્રએ ફોનમાં રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. જેની પીસીઆર વાનના કર્મચારી નિરલને ખબર ન પડી હતી. નિરલે છેલ્લે કહ્યું, વધુ રૂપિયા નથી તો 500-700 પણ ચાલશે. જોકે તેની રસીદ ન મળે.
આ અંગેનો એક જાગૃત નાગરિકે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હાલ સુરત પોલીસ માટે આ શરમજનક વાત છે. જો કે સામેવાળી વ્યક્તિ પોતાની પાસે પૈસા નહી હોવાનું કહેતા તેની પાસેથી 500 રૂપિયા લઇને કોઇ પણ જાતની રસીદ વગર જવા દેવામાં આવ્યા છે. આ કર્મચારી વિરુદ્ધ પોલીસ હવે કેવા પ્રકારનાં પગલા લે છે તે જોવું બાકી રહ્યું. અત્રે નોંધનીય છે કે, સુરત પોલીસ પહેલાથી જ બદનામ છે તેવામાં આવો વીડિયો ફરી એકવાર સુરત પોલીસની ઇજ્જત ઉતારી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.