રાંદેરની પરિણીતા સાથે વારંવાર ઝઘડો કરી પોતાની ઇચ્છાથી પુત્ર સાથે પિયરમાં મુકીને આવ્યા બાદ ફોન પર કયા હુઆ ઘર નહિ આયેગી એમ કહી ફોન પર જ તલ્લાક તલ્લાક તલ્લાક કહી પત્નીને છુટાછેડા આપનાર પતિ વિરૃધ્ધ રાંદેર પોલીસ મથકમાં શારિરીક-માનસિક ત્રાસ અને મુસ્લિમ વુમેન પ્રોટેકશન એકટ મુજબ ફરિયાદ નોંધાવી છે.
દેશભરના મુસ્લિમ સમાજ માટે ભારે ચર્ચાનો વિષય બનેલા અને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલ્લાકને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ ત્રિપલ તલ્લાકનો પહેલો ગુનો સુરતના રાંદેર પોલીસ મથકમાં નોંધાયો છે. રાંદેર વિસ્તારમાં રહેતી મુસ્લિમ યુવતીના લગ્ન વર્ષ 2027 ના ડિસેમ્બર મહિનામાં મોહમંદ ઉર્ફે વસીમ અશરફખાન પઠાણ (રહે. ઘર નંબર 10-47 રાંદેર ટાઉન મુન્શી સ્ટ્રીટ) સાથે થયા હતા.
લગ્નાના થોડા દિવસોમાં જ સાસુ સફીયાબાઇ અને પતિ દ્વારા મ્હેણાટોણાં મારવાનું શરૃ કરી દીધું હતું. દરમ્યાનમાં વર્ષ 2018 ના માર્ચ મહિનામાં ગર્ભવતી થઇ હતી ત્યારે પણ સાસુ અને પતિ મોહમંદ ઉર્ફે વસીમે તું પણ મરી જા અને તારૃ બચ્ચુ પણ મરી જાય તેવા કડવા શબ્દો બોલી માનસિક ત્રાસ આપતા હતા. ઉપરાંત પિયરમાંથી ભાઇ-ભાભી કે માતા-પિતાના ફોન આવે તો ચારિર્ત્ય અંગે શંકા વ્યકત કરી દરમ્યાનમાં તારી સાથે લગ્ન કરી મોટી ભુલ કરી છે એવું કહીને પણ ત્રાસ આપવામાં આવતો હતો.
દરમ્યાનમાં ગત તા. 23 જુનના રોજ પરિણીતાના માસી મોરેશીયસ જવાના હોવાથી તેમને મળવા રાંદેર ટાઉન પાલીયાવાડમાં જવાનું પતિ મોહમદને કહ્યું હતું. પરંતુ મોહમંદ મળવા નથી જવાનું એમ કહી ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ ગુસ્સામાં બપોરના બારેક વાગ્યાના અરસામાં પુત્ર સાથે પત્નીને આમલીપુરા ખાતે પિયરમાં મુકીને ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ રાત્રે સવા દસ વાગ્યાના અરસામાં પરિણીતાના પિતાના મોબાઇલ પર ફોન કરી કહ્યું હતું કે કયા હુઆ ઘર નહિ આયેગી એમ કહી પતિ મોહમંદ અને પરિણીતા વચ્ચે વાતચીત થઇ હતી.
જેમાં પરિણીતાએ નહિ આયેગી એમ કહેતા કયું નહિ આયેગી એમ કહી મોહમંદ તલ્લાક તલ્લાક તલ્લાક એમ ત્રણ વખત કહી છુટાછેડા આપી દીધા હતા. જેથી આ અંગે પરિણીતાએ પતિ મોહમદ વિરૃધ્ધ શારિરીક-માનસિક ત્રાસ અને ધ મુસ્લિમ વુમેન પ્રોટેકશન ઓફ રાઇટ ઓન મેરેજ એકટ 2019 ની કલમ 3 અને 4 હેઠળ ફરિયાદ નોંધાવી છે.