મોદી સરકારમાં પહેલા કાર્યકાળમાં વિદેશ મંત્રી રહેલા સુષ્મા સ્વરાજનું આજે મોડી સાંજે દિલ્હીમાં હાર્ટ એટેક આવ્યા બાદ aiims માં નિધન થયું છે. સાંજે તબિયત ખરાબ થયા બાદ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ડોક્ટરોની એક ટીમ એ તેમની નાદુરસ્ત તબિયત પર નજર બનાવેલી હતી, પરંતુ તેમને બચાવવામાં સફળતા મળી નહીં અને ૬૭ વર્ષની ઉંમરે તેમનું નિધન થઈ ગયું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એમ્સમાં પહોંચી ચૂક્યા છે અને સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર મળતાની સાથે દિગ્ગજ નેતાઓ નું આગમન એમ્સ ખાતે શરૂ થઇ ગયું છે.
ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજ છેલ્લા કેટલાક સમયથી બિમાર રહેતા હતા અને તેમની કિડની નું થોડા સમય અગાઉ જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ બીમારીના કારણે જ તેઓ 2019ની લોકસભા ચૂંટણી લડ્યા ન હતા. 2014માં મોદી સરકાર બન્યા બાદ તેમને અતિ મહત્વનું ખાતુ વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું.
ભાજપના શાસન દરમિયાન તેઓ દિલ્હીના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું સન્માન તેમને જ મળેલું છે. આમ છેલ્લા ૩૦ દિવસમાં દિલ્હીએ પોતાના બે પૂર્વ મુખ્યમંત્રી ઓ ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત નું નિધન થયું હતું.
સુષ્મા સ્વરાજ પોતાની રાજનીતિમાં મહદંશે નિર્વિવાદ નેતા રહ્યા છે અને તેઓ અટલબિહારી વાજપેયી ની વિચારધારા માં રહેલા નેતા ગણાય છે. સુષ્મા સ્વરાજ ના નિધનની સાથે વધુ એક અટલ વિચારધારા ધરાવનાર દિગ્ગજ અને પ્રામાણિક નેતા દેશએ ગુમાવ્યા છે.