હાલમાં ગુજરાતમાં શહેર શહેર, ગામે ગામ ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે ત્યારે, ડેન્ગ્યુ પ્રત્યે જાગૃત હોવું બહુ જરૂરી છે. કારણ કે, લોકોને મુશ્કેલીમાં મૂકતા આ રોગમાં જાણકારી જ તેનાથી બચવાનો ઉપાય છે. આ માટે તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. તો ચાલો આ રોગ સંબંધિત કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો જાણીએ.
લક્ષણો
- ડેન્ગ્યુ એડીઝ મચ્છરોના કરડવાથી થાય છે. આ રોગમાં તીવ્ર તાવ સાથે શરીર પર લાલ ચકામા પડી જાય છે.
- તેમાં 104 ડિગ્રી તાવ થઈ જાય છે અને માથામાં તીવ્ર દુખાવો રહે છે.
- શરીરની સાથે સાંધામાં પણ દુખાવો રહે છે. ખોરાક પાચનમાં સમસ્યા આવે છે.
- ઉલટી થવી, ભૂખ ઓછી લાગવી અને બ્લડ પ્રેશર ઓછું થઈ જવું એ પણ આ રોગનાં લક્ષણો છે.
- આ ઉપરાંત, ચક્કર આવવા, નબળાઈ અનુભવી અને શરીરમાં પ્લેટલેટ્સનો અભાવ એ પણ આ રોગનાં વિશેષ લક્ષણો છે.
- લિવર અને છાતીમાં પ્રવાહી જમા થઈ જાય છે.
ડેન્ગ્યુ થયો છે કે નહીં કેવી રીતે તપાસ કરવી?
જો ઉપર આપેલાં લક્ષણોમાંથી કોઈ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. ડેન્ગ્યુની તપાસ માટે NS1 ટેસ્ટ કરવામાં આવે છે. જેના આધારે ડોક્ટર નક્કી કરે છે કે ડેન્ગ્યુ છે કે નહીં.
ડેન્ગ્યુ સંબંધિત મહત્ત્વપૂર્ણ જાણકારી
- ડેન્ગ્યુના મચ્છર સામાન્ય રીતે દિવસમાં કરડે છે.
- ગરમી અને ચોમાસાની ઋતુમાં આ રોગ ઝડપથી ફેલાય છે. ડેન્ગ્યુના મચ્છર હંમેશાં ચોખ્ખા પાણીમાં પેદા થાય છે. છત પર પાણીની ટાંકી, માટલાં અને ડોલમાં જમા થયેલું પીવાનું પાણી, કૂલરનું પાણી અને કૂંડામાં ભરેલાં પાણીમાં ડેન્ગ્યુના મચ્છર વધુ જોવા મળે છે.
ડેન્ગ્યુથી બચવાના સરળ ઉપાયો
- સામાન્ય રીતે તબીબી પ્રક્રિયા સાથે ડોક્ટરો દ્વારા ડેન્ગ્યુની સારવાર કરવામાં આવે છે, પરંતુ સાવચેતી તરીકે તમે કેટલીક પદ્ધતિઓ અપનાવી શકો છો.
- દર્દીને વધુ પ્રવાહી પદાર્થો આપો, જેથી તેના શરીરમાં પાણીની ઊણપ ન રહે. ડેન્ગ્યુમાં ગીલોયના પાંદડા બહુ ઉપયોગી હોય છે.
- દર્દીને પપૈયાનાં પાંદડા પાણીમાં પીસીને આપવામાં આવે છે. આ શરીરમાં પ્લેટલેટ્સ વધારવા માટે કાર્ય કરે છે. પરંતુ આ પાંદડા આરોગતા રહેલાં એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
- દર્દીને ડિસ્પ્રિન અને એસ્પિરિનની ગોળીઓ ક્યારેય ન આપો.
- તાવ દૂર કરવા માટે પેરાસિટામોલ ગોળી આપી શકાય.
- શક્ય એટલું વધુ નાળિયેર પાણી અને જૂસ આપવું.