સુરતમાં ફરી એક વખત મહેકી માનવતા: બ્રેઈનડેડથી મૃત્યુ પામનાર વ્યક્તિના અંગદાનથી 6 લોકોને મળશે નવજીવન

સુરત(ગુજરાત): સુરત શહેરની ડોનેટ લાઈફ સંસ્થા દ્રારા સૌ પ્રથમ વખત કલકત્તામાં ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા એકવીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ પાંચમી ઘટના છે.

કોરોનાની બીમારીથી સાજા થયેલા વૈષ્ણવ સુરતી વિશા ખડાયતા સમાજના બ્રેઈનડેડ મનીષ પ્રવિણચંદ્ર શાહના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન આપીને માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

સુરતથી કલકત્તાનું 1625 કિ.મીનું અંતર 190 મીનીટમાં કાપીને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કલકત્તાના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં કલકત્તાની મેડીકા સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC માં કરવામાં આવ્યું હતું. ડોનેટ લાઈફના માધ્યમથી સુરતે અંગદાનના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ડોનેટ લાઈફના માધ્યમથી સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાં દેશના વિવિધ શહેરો જેવા કે, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 53 વર્ષીય મનીષ પ્રવિણચંદ્ર શાહ રહે છે. તે ભટારમાં મનીષ ટેક્ષ્ટાઇલસ નામથી એમ્બ્રોઇડરી યુનિટના માલિક હતા.

મનીષભાઈને 16 સપ્ટેમ્બરના રોજ રાત્રે માથામાં તેમજ ડાબા હાથમાં દુઃખાવો થતા ઘરની નજીકમાં રહેતા ડોક્ટરે તેમને તપાસી દવાઓ આપી હતી. 17 સપ્ટેમ્બરના રોજ સવારે તબિયત વધુ ખરાબ થતા પરિવારજનોએ તેમને તાત્કાલિક યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.નિલય દેસાઈની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે એન્જીયોગ્રાફી કરાવતા હૃદયની ડાબી બાજુની એક નળીમાં ૧૦૦% બ્લોકેજ હોવાનું જાણવા મળતા ડૉ.ધવલ શાહ દ્વારા એન્જીયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને ICU માં એકાદ કલાક પછી તેઓ બેભાન થઇ ગયા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો તેમજ સોજો હોવાનું સામે આવ્યું હતું. ન્યુરો સર્જન ડૉ.ધવલ પટેલે ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.

યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલના ડોકટરોએ 19 સપ્ટેમ્બરના રોજ મનીષભાઈને બ્રેનડેડ જાહેર કરતા પરિવારજનોએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરી અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મનીષભાઈના પરિવારજનોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવતા પરિવારજનોએ અંગદાન જીવનદાન સંદેશો સમાજમાં ફેલાવવા અંગદાનનો નિર્ણય કરતા તેઓના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. જેનાથી છ વ્યક્તિઓને નવું જીવન મળ્યું પ્રાપ્ત થયું હતું.

સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલથી કલકત્તાનું 1625 કિ.મીનું અંતર 190 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કલકત્તાની મેડીકા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આ વ્યક્તિના ફેફસા કોવિડને કારણે ખરાબ થઇ ગયા હતા અને તે 103 દિવસથી ECHO મશીનના સપોર્ટ પર હતા.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીમાંથી એક કિડની વડોદરાના રહેવાસી ૪૪ વર્ષીય વ્યક્તિમાં તેમજ બીજી કિડની અમદાવાદાના રહેવાસી ૨૯ વર્ષીય યુવકને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જયારે લિવર વડોદરાના રહેવાસી ૨૧ વર્ષીય યુવકમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. તેમજ ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકે સ્વીકર્યું હતું. ગુજરાતમાં છેલ્લા એકવીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ પાંચમી ઘટના છે. જેના કારણે ૨૫ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *