પટેલ સમાજના વિશાળ હિત માટે “સાદગીપૂર્ણ સમૂહલગ્નો” એવું સૂત્ર હવે અપનાવવું પડશે

ગુજરાતમાં સાદગીપૂર્ણ સમૂહલગ્નોનો પ્રારંભ કરવાનો યશ પટેલ સમાજને ફાળે જાય છે. જોકે સમાજમાં સમૂહલગ્નોના સફળ આયોજનથી અન્ય સમાજોએ પણ પ્રેરણા લીધી છે . આ વાત…

ગુજરાતમાં સાદગીપૂર્ણ સમૂહલગ્નોનો પ્રારંભ કરવાનો યશ પટેલ સમાજને ફાળે જાય છે. જોકે સમાજમાં સમૂહલગ્નોના સફળ આયોજનથી અન્ય સમાજોએ પણ પ્રેરણા લીધી છે . આ વાત બહુ સ્પષ્ટ છે કે સમૂહલગ્નના આયોજનની મૂળભૂત ભાવના સાદગી છે . વળી એક જ સ્થળે એક કરતાં વધુ યુગલોનાં લગ્ન થવાથી આજના સમયમાં લોકોને અનુકૂળ ખૂબ જ રહે છે. આ પ્રકારનાં લગ્નોનાં દ્રવ્યની બચત તો ખરી જ , સાથે સમય પણ એટલો જ બચે છે!

જોકે છેલ્લા કેટલાંક સમયથી સમૂહલગ્નો પણ દિવસે દિવસે વધુને વધુ ખર્ચાળ સાબિત થયાં છે. પટેલ સમાજનું ધ્યેય છે કે સમૂહલગ્ન વ્યવસ્થા માત્ર અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ સહિતનાં શહેરો પૂરતી મર્યાદિત ના રહે અને તેનો વ્યાપ વધીને છેક તાલુકા કક્ષાએ અને ખરું કહીએ તો છેક ગામડાંઓ સુધી વિસ્તરે. આવા પ્રયાસોમાં સફળતા જરૂર મળી છે. તાલુકા કક્ષા સુધી સમૂહલગ્નોને ઠીક ઠીક લોકપ્રિયતા મળી છે, પણ બન્યું છે શું કે, મોટાં શહેરોમાં સમૂહલગ્નોની સાદગીની મૂળ ભાવના ધીમે ધીમે અદ્રશ્ય થવા માંડી છે અને આવાં લગ્નો ખર્ચાળ થતાં જાય છે. શહેરોમાં તો ભપકો અને મોંઘાદાટ જમણવારોથી આર્થિક તકલીફ પડતી નથી, કારણ કે સમાજના દાતાઓ હોંશે હોંશે આગળ આવીને આવા ગંજાવર ખર્ચાઓનો ભાર ઉપાડી લેતા હોય છે. શહેરોમાં વસતા લેઉઆ પટેલ સમાજના સમૃદ્ધ બિઝનેસમેન ખૂબ જ ઉદારતાપૂર્વક સમૂહલગ્નોના ગમે તેવા ખર્ચાઓને પહોંચી વળવા નાણાંની કોથળીઓ લઈને સામેથી આવી જતા હોય છે.

હવે આમાં બન્યું છે એવું કે સમૂહલગ્નોમાં ગંજાવર ખર્ચાઓનો ચેપ છેક ગામડાંઓ સુધી લાગ્યો છે. જોકે ગામડાંઓમાં જ્ઞાતિ સમાજો માટે લઈ મોટાં ભંડોળ તો હોતાં નથી. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા આપણા મોટા ભાગના ભાઈઓની આવક મર્યાદિત રહી છે, ગમે તેમ તોય શહેરોમાં લાખો અને કરોડોના બિઝનેસ કરતા અગ્રણીઓની સરખામણીમાં ગામડાંઓમાં પરિવારોની આવક એકદમ ઓછી હોય છે. જોકે શહેરોમાં થતાં ખર્ચાળ સમૂહલગ્નનોનું ઉદાહરણ લઈને ગ્રામ અને તાલુકા કક્ષાએ પણ ખર્ચાળ સમૂહલગ્નોનો સિલસિલો ચાલુ થયો છે.

આવા સંજોગોમાં પટેલ સમાજના ગ્રામીણ આગેવાનોને અમદાવાદ, સુરત સહિતનાં શહેરોમાં વસતા સમાજના અગ્રણીઓની સહાયની જરૂર પડે છે . તેમને આવી સહાય મળતી હોય છે, પણ આવી પરિસ્થિતિ શા માટે ઉદ્ભવી છે? જો શહેરોમાં એકદમ સાદગીથી સમૂહલગ્નો યોજવામાં આવે છે તો ગામડાંઓમાં વસતાં પરિવારો શહેરો સુધી લાંબા થયા વિના પોતાના પગ પર જ સમૂહલગ્નો યોજી શકે છે!

સમૂહલગ્નોનાં મોટાં જમણવારોની શી જરૂર છે? કન્યાઓને માત્ર આશીર્વાદ આપીએ તો ના ચાલે? જમણવાર બંધ કરીને માત્ર ચેવડો-પેંડા જેવો નાસ્તો આપવાથી ના ચાલે? શહેરો જો આવી સાદગી અપનાવશે તો તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સમૂહલગ્નોના આયોજકોની આર્થિક સમસ્યા ટળશે . વળી, સમૂહલગ્નોમાં થતા લખલૂંટ ખર્ચાઓ બચાવીને સમાજ માટે અન્ય કોઈ રચનાત્મક માર્ગે એ નાણાં વાપરી શકાશે.

શહેરોમાં જો સમૂહલગ્નો અતિ સાદગીથી ગોઠવાશે તો તેનો વાપ વધશે; સરળતા રહેશે. મોંઘાદાટ લગ્નોના ભપકા જોઈને ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવારોએ લઘુતાગ્રંથિથી પીડાવું નહિ પડે! તાલુકા કક્ષાએ કામ કરતાં સંગઠનોના અગ્રણીઓની સાથે સમુહ લગ્નોના મુદ્દે અવારનવાર વિચાર-વિમર્શ કરવાની તક મળી છે . તેમનો સૂર એવો જ છે કે શહેરો સમૂહલગ્નોમાં એકદમ સાદગી અપનાવે તો ગામડાંઓમાં આવાં લગ્નોનાં આયોજન સરળ બની શકે તેમ છે.

બીજું પણ ધ્યાન દોરવાનું છે કે સમૂહલગ્નોમાં સાદગી અપનાવવાની સાથે સાથે “ઇન્સ્ટન્ટ લગ્ન’ પદ્ધતિ વિકસાવવાની પણ એટલી જ જરૂ૨ છે.એકાદ યુગલ આવે કે બે-ત્રણ યુગલ આવે, તેમને તાબડતોબ લગ્ન કરી આપવાની સવલત હંમેશાં ઉપલબ્ધ રહેવી જોઈએ. સમાજની વાડીમાં આવાં વ્યવસ્થિત લગ્ન માટે પણ વિધિસહિતની સવલત હોવી જોઈએ. આવી ગોઠવણ કરી શકાશે તો સાદગી અને કરકસરથી લગ્ન કરવા ઈચ્છુક યુગલોએ સમૂહલગ્નોના આયોજન સુધી રાહ જોવી નહિ પડે!- ટી. જી. ઝાલાવાડિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *