સુરતમાં ગેસ સીલીન્ડર બોમ્બની જેમ ફાટયા, સ્કુલ બસ સહીત 3 વાહનો આગની ઝપેટમાં આવ્યા, જુઓ વિડીયો

સુરતના ઓલપાડ તાલુકાના માસમા ગામ નજીક આજે વહેલી સવારે આગનું તાંડવ જોવા મળ્યું હતું. ગુરૂવારની વહેલી સવારે 6.30 વાગ્યે ગેસની બોટલ ભરીને જતી ટ્રકમાં એકાએક આગ લાગી ગઈ હતી. આગ લાગતા ટ્રકમાં ભરેલા ગેસની બોટલ ધડાકાભેર ફાટવા લાગ્યા હતા. આ ધડાકા કોઈ યુદ્ધ મેદાનમાં બૉમ્બ ફૂટતા હોય તેમ જણાય આવતા હતા. સિલિન્ડરના બ્લાસ્ટની આગની ચપેટમાં રોડના ડિવાઈડરની બીજી બાજુથી પસાર થતી સ્કૂલ બસ સહિતના ત્રણ વાહનોમાં આગ લાગી ગઈ હતી. પ્રચંડ ધડાતા સાથે સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઇ હવામાં ઉડતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિલિન્ડર બ્લાસ્ટ ના અવાજો સાંભળી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. આગની જાણ થતાં સુરત ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. દુર્ઘટના બાદ ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકના ડ્રાઈવર ક્લિનર લાપતાં થઈ ગયાં હતાં. આગના કારણો જાણવા એફએસએલની મદદ લેવાઈ રહી છે. જો કે, સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિના થઈ નથી. આ દુર્ઘટનાને પગલે ઓલપાડ કોસ્ટલ હાઈવે બંધ કરાયો હતો.

આ મામલે ફાયરવિભાગના જવાને જણાવ્યું કે, ગેસ લીકેજની ગંધ ટ્રકનાં ડ્રાઈવર અને ક્લિનરને આવી ગઈ હતી. જેને કારણે તે ટ્રક સાઈડમાં પાર્કમાં કરીને ફરાર થઈ ગયા હતા. અને તે બાદ ગેસમાં અચાનક આગ લાગતાં ગેસનાં બાટલાઓ ફૂટવા લાગ્યા હતા.

આ ઘટનાને નજરે જોનાર એક વ્યક્તિ કહે છે કે, ગેસના સિલિન્ડર ભરેલી ટ્રકના કેબિનમાં સૌ પ્રથમ આગ લાગી હતી. બાદમાં બસ સાથે સિમેન્ટ ભરેલા આઇસર સાથે ટ્રકનો એક્સિડન્ટ થયો હતો અને તેની પાછળ આવતી રિક્ષા પર ગેસની બોટલ પડતાં તેનું છાપરું સળગી ગયું હતું. આગ જોત જોતામાં જ પ્રચંડ બની ગઈ હતી અને સિલેન્ડરમાં બ્લાસ્ટ શરૂ થઈ ગયા હતા અને આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. ગેસ બોટલ બ્લાસ્ટ સાથે હવામાં ઉછળી રહ્યા હતા અને અવાજ એટલો જોરદાર હતો કે આજુબાજુના ગામના લોકો પણ ભયના મારે રોડ પર દોડી આવ્યા હતા.

રસોઈ ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગ્યા બાદ રોડ પર ડિવાઈડરની સામે બાજુથી પસાર થતી ખાનગી સ્કૂલની બસ પ્રચંડ આગની જ્વાળાઓમાં આવી ગઈ હતી. જો કે, તમામ 26 વિદ્યાર્થીઓને સલામત રીતે બસમાંથી ઉતારી લેવામાંઆવ્યાં હતાં. આ ઘટનામાં સિમેન્ટ ભરેલી આઈસર ટેમ્પો ટ્રક બસ સાથે અથડાઈ હતી.

ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગ્યા બાદ રેડિયન્ટ સ્કૂલની બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. બાદમાં સ્કૂલ બસની સાથે સિમેન્ટ ભરેલો ટેમ્પો અથડાયો હતો. ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થઈને એક ઓટો રીક્ષા પર પડ્યાં હતાં. જેથી ઓટો રિક્ષાનું ઉપરનું હૂડ બળીને ખાક થઈ ગયું હતું.

ટ્રકમાં લાગેલી ભયાવહ આગના પગલે વાહનવ્યવહાર માટે રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટના વખતે એકલ દોકલ વાહનો જ રસ્તા પરથી પસાર થતાં હોવાથી ટ્રાફિકનો કોઈ પ્રશ્ન ઉભો થયો નહોતો. આગ પર કાબૂ મેળવાયા બાદ કૂલિંગ કામગીરીના અંતે રસ્તાને ફરી ખોલવામાં આવ્યો હતો.

જો કે સવારે 9 વાગ્યા બાદ જો આ આગ લાગી હોત તો અનેક લોકો જીવ ગુમાવી શકતા હતા. આગની દુર્ઘટનાની જાણ થતાં જ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. આસપાસના ગામમાંથી લોકો પણ દોડી આવ્યાં હતાં. ઓલપાડ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ગોઠવાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *