રાજકોટ(ગુજરાત): તાજેતરમાં જ રાજકોટ(Rajkot)માંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં માસીના ઘરે વડોદરા(Vadodara)થી વેકેશન(Vacation) માણવા આવેલી ધો.9ની વિદ્યાર્થિની અકસ્માતે સાતમા માળેથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઈજા પહોચતા તેને સારવર અર્થે સિવિલ હોસ્પિટલ(Civil Hospital) ખસેડવામાં આવી હતી. પરંતુ, ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવતા પરિવારમાં અરેરાટી છવાઈ હતી.
મળતી માહિતી મુજબ, વડોદરામાં રહેતી અને હાલ રાજકોટમાં રૈયાધાર શાંતિનગરમાં રહેતા માસી અંજલીબેનના ઘરે આવેલી ધ્વનિ ચંદ્રેશભાઇ મકવાણા ગઈકાલે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં અકસ્માતે સાતમા માળેથી નીચે પડી ગઈ હતી. આ દરમિયાન, ધ્વનિને ગંભીર ઈજા પહોંચતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ, સારવાર કારગત નીવડે તે પહેલા જ ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
ત્યારબાદ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી પહોચી હતી. બાદમાં યુનિવર્સિટી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી ધ્વનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઘટના અંગે, પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા મૃતક ધ્વનિ તેના માતા-પિતાની એકની એક પુત્રી હતી અને ધો.9માં અભ્યાસ કરતી હતી. હાલ ઉનાળાનું વેકેશન હોવાથી ધ્વનિ રાજકોટમાં રહેતા માસી અંજલીબેનના ઘરે વેકેશન માણવા આવી હતી. આ દરમિયાન માસીના ઘરે પેટી ઉપર ચડીને નીચે જોવા જતા અચાનક જ સાતમા માળેથી પટકાઈ હતી. જેથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ દ્વારા નોંધ કરી કાનૂની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.