તમે ઘણી વખત અન્ય કોઈ વ્યક્તિની બાળકીને મારી બાળકી છે તેમ કહીને લઈ જતા જોઈ હશે. પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિશે જણવા જઈ રહ્યા છીએ કે જેના પર તમે વિશ્વાસ નહિ કરી શકો. પતિ 17 વર્ષ પહેલા પોતાની પત્ની અને અઢી વર્ષની નાની દીકરીને ઘરે એકલા મુકીને ભાગી ગયો હતો.17 વર્ષ બાદ હવે પાછો આવ્યો તો હવે કહે છે કે, આ 22 વર્ષ ની દીકરી મારી નથી.
પત્ની સાથે અઢી વર્ષની દીકરીને છોડી ભાગી ગયેલો પતિ 17 વર્ષે પાછો આવતા પત્નીએ ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 22 વર્ષની આ દીકરી મારી નથી એવું કહીને પિતાની જવાબદારીથી ભાગતા પતિ સામે પત્ની એ દીકરીને પિતાનો પ્રેમ અને તેના ભરણ પોષણના હક્ક અપાવવાની ઝુંબેશ ઉપાડી છે. છેલ્લા 4 વર્ષથી કોર્ટમાં ચાલતા કેસમાં આખરે કોર્ટે DNA ટેસ્ટથી દીકરીના સાચા પિતા કોણ છે તે નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. કોર્ટના આદેશ બાદ, બુધવારની બપોરે માતા-પિતા અને 22 વર્ષની દીકરીએ સુરતની સિવિલ હોસ્પિટલમાં આવીને લોહીના નમૂના આપ્યા છે.
પતિને બીજા લગ્ન થયા હોવાનો ભાંડો ફૂટ્યો:
પીડિત પત્ની આશાએ કહ્યું હતું કે, 28-6-1991માં મદને મારી સાથે મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા જેમાં મદનના મિત્રો સાક્ષી છે. લગ્ન બાદ તેઓ બન્ને લાલ દરવાજા નજીક રહેતા હતા. જોકે લગભગ 3 વર્ષ બાદ એટલે કે, 1994માં ગામ જવાનું કહી મદન 15 દિવસ માટે ઘરથી દૂર ગયો હતો. ત્યારબાદ ગામમાંથી પરત ફરેલા પતિ મદનના સ્વભાવમાં ફેરફાર થવા લાગ્યો હતો. બારડોલીમાં ગાડી લે-વેચનું કામ શરૂ કર્યું છે કહીંને ઘરેથી જતો મદન શનિ અને રવિવારે બહાર રહેતો હતો. એક દીકરીના જન્મના લગભગ અઢી વર્ષ બાદ ઘરે આવેલી એક મહિલાએ શેરીમાં હોબાળો કરતા મદનના બીજા લગ્ન થયા હોવાનો ભાંડો ફૂટ્યો હતો.
1997ની ન્યાય માટેની અરજીનું સમન્સ આવતા 2014માં કેસ ફરી ખુલ્યો
પીડિત મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, પતિ સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા મદન વર્ષ 2000માં અઢી વર્ષની દીકરી અને મને છોડી ભાગી ગયો હતો. પોલીસ અને પરિવારની નજરથી દૂર મદન તેની બીજી પત્ની અને તેની માતા સાથે રહેતો હતો. જોકે વર્ષો સુધી ગાયબ પતિની શોધ બાદ તે હવે જીવિત નહીં હોય તેવું વિચારીને તેમને દીકરીના પાલન પોષણ પર ધ્યાન આપ્યું હતું. દીકરીને ફેશન ડિઝાઈનર બનાવી પગભર કરી હતી. જોકે, વર્ષ 2014માં પતિ મદન સુરતમાં જ તેના ભાઈને ત્યાં રહેતો હોવાની ખબર પડતાં તેમણે ફરી માહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. ત્યારબાદ પોલીસ કમિશનરને મળવા જવાની તૈયારી વચ્ચે કોર્ટમાં કરેલી 1997ની ન્યાય માટેની અરજીનું સમન્સ આવતા કેસ ફરી ખુલ્યો હતો.
ડીએનએ ટેસ્ટની તારીખ પર ન આવતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા
પીડિત મહિલાએ વધુમાં કહ્યું હતું કે, કોર્ટમાં પણ તેમણે લગ્નના ફોટો, સર્ટી સાથે 22 વર્ષની દીકરી મદનની જ હોવાના પુરાવા આપ્યા છે. 2014થી લઈ 2019 સુધી કોર્ટમાં પણ જુઠ્ઠું બોલતા આવેલા મદનને લઈ આખરે તેમણે ડીએનએ કરાવવા કોર્ટમાં અપીલ કરી છે. જેને લઈ કોર્ટે તેમની અપીલને ધ્યાનમાં રાખી લગભગ 43 હજાર ભરાવી ડીએનએ કરાવવા આદેશ આપયો છે. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી મદન ડીએનએ માટે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી તારીખ પર ન આવતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જોકે, કોર્ટની સુનવણી બાદ 27 નવેમ્બર 2019ના રોજ મદન ડીએનએ ટેસ્ટ માટે સંમત થતા તેઓ દીકરી સાથે સુરત સિવિલ આવ્યા હતા.
દીકરીના ભરણ પોષણ અને તેના લગ્નની જવાબદારી કોણ નીભાવશે?
પીડિત મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, ડીએનએ માટે સિવિલના ડોકટરો દ્વારા માતા-પિતા અને 22 વર્ષની દીકરીના લોહીના નમૂના લેવાઈ ગયા છે. હવે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ 22 વર્ષની દીકરીનો પિતા કોણએ કોર્ટ નક્કી કરશે. બસ મને ન્યાય જોઈએ છે મારી દીકરીના ભરણ પોષણ અને તેના લગ્નની તમામ જવાબદારી કોણ નીભાવશે? અઢી વર્ષની દીકરીને છોડી ભાગી ગયેલો પિતા 17 વર્ષ બાદ પણ દીકરીને સ્વીકારવા તૈયાર નથી. પ્રેમિકા બાદ બનેલી પત્નીના કુખે જન્મેલી દીકરી મદનની છે એ સાબિત કરવું પડે તે મારા અને સમાજ માટે કલંકરૂપ કિસ્સો કહીં શકાય.
પતિએ પત્ની પર ગંભીર આક્ષેપો પણ કર્યા:
પતિએ જણાવ્યું હતું કે, પત્ની બની આ મહિલાએ અનેક પુરુષોની જિંદગી બરબાદ કરી છે કેટલાકે તો આપઘાત કરવા પડ્યા છે. તે પૈસા માટે આ મહિલા આવું કરી રહી છે એના વિસ્તારમાં જઇ તપાસ કરો તેના ચારિત્ર વિશે આપો આપ તમામ હકીકત બહાર આવી જશે. દારૂના અડ્ડા પર ચાખણું વેચતી આ મહિલા મારી પાસે પૈસા પડાવવા માગે છે એવા આરોપ પતિએ મુક્યા હતા. જે દરેક આરોપો ખોટા છે તેમ સાબિત ય્હાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.