હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢ (Junagadh)ના ઝાંઝરડા(Zanzarda) ગામના પરિવારની દીકરીનો મૃતદેહ 4 દિવસની મથામણ પછી ગિરનાર જંગલમાં આવેલા હસનાપુર ડેમના ઓવરફ્લો વિસ્તારમાંથી મળી આવ્યો છે. જોકે, મૃત્યુ પાછળનું કારણ હજુપણ અકબંધ છે. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મૃતક યુવતીનું નામ જાહ્નવી હિતેષભાઇ મહેતા છે. આ યુવતી કોમ્પ્યુટર એન્જીનીયરીંગના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગત તા.2 ના રોજ જાહ્નવી અને તેની મિત્ર ભાષા આસ્થા બંને કોલેજની હોસ્ટેલમાંથી નીકળી હસનાપુર ડેમ સાઈટ ઉપર ગયા હતા. જ્યા બંનેએ નાસ્તો કર્યો અને પછી બન્ને બહેનપણીઓએ સેલ્ફીઓ લીધી, ફોટા પાડ્યા, એ પછી આખી ઘટના આકાર પામી. એ જ તપાસનું મુખ્ય કેન્દ્રબિંદુ છે.
હાલ જાહ્નવીના મૃતદેહને જામનગર ફોરેન્સિકમાં પીએમ માટે મોકલવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ તપાસની દિશા અલગ અલગ જોવા મળી રહી છે. જાહન્વી તેની મિત્ર આસ્થા સાથે ડેમ સાઈટ ફરવા નીકળી અને બંને ત્યાં પહોંચ્યા એ પહેલા કેટલાક સીસી ટીવી ફૂટેજમાં બંને જોવા મળે છે. આસ્થા જ્યારે પરત ફરી ત્યારના સીસીટીવી ફૂટેજ મળતા નથી. પણ રસ્તા ઉપર રડતી રડતી જતી હોવાનું નજરે જોનારા અને તેને મદદ જોઈતી હોય તો અમે છીએ તેવું કહેનારા લોકો મળી રહ્યા છે.
જાણવા મળ્યું છે કે, આ અંગે આસ્થાએ કોઈ સાથે કઈ જ વાત કરી નથી અને જ્યારે તેના પિતાને વાત કરી ત્યારે તેની મિત્ર જાહન્વી એ ડેમમાં પડી આપઘાત કરી લેતા પોતે દુઃખી હોવાનું અને પોતે પણ મરી જશે એમ કહેતી હતી. આ પછી જાહન્વીના પરિવાર અને પોલીસે આસ્થા અને તેના પિતાને સાથે રાખી ઘટના સ્થળ ઉપર તેની પાસેથી વિગત લેતા જાહન્વી જ્યાથી કૂદી હોવાનું કહ્યું હતું એ આખો ડેમ ફેંદી વળવા છતાં મૃતદેહ મળ્યો ન હતો.
આ પછી 4 દિવસ બાદ આખરે તા. 5 ના રોજ સવારના સમયે જૂનાગઢ મહાનગર પાલિકાની ફાયર શાખાની ટીમે હસનાપુર ડેમના ઓવરફ્લો વિસ્તારમાંથી જાહન્વીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે સ્થળ આસ્થા એ બતાવ્યું તેનાથી અલગ હોવાથી અનેક શંકાઓ ઉભી થઇ છે. કારણકે, ડેમ ઓવરફ્લો ન હોવાથી મૃતદેહ તેની બહાર પડી શકે નહીં.
જાહન્વીનો કહેવાતો પ્રેમી કે જેની સગાઇ થોડા સમય પહેલા થઇ છે તે પણ શંકામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલાં સગાઇ મામલે જાહન્વી અને તેના પ્રેમી વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થતા યુવકે તેને માર માર્યો હતો. અને તેની જાણ પરિવાજનોને પણ હોવાનું કહેવાય છે. ત્યારે આ મામલે કથિત પ્રેમી એવા યુવકની ભૂમિકા શું તે પણ તપાસનો વિષય છે. કારણકે, આસ્થા ડરીને કાંઇ બોલતી નથી. પણ સમગ્ર ઘટનાક્રમ જોતા જાહન્વીનો આપઘાત છે કે હત્યા તે અંગે કોઈ તારણ મળતું નથી. આ મામલે પોલીસે મૃતદેહના પીએમ રિપોર્ટ પછી આગળની કાર્યવાહી માટે તૈયારીઓ શરુ કરી છે.
જ્યા સુધી તપાસમાં સત્ય ભાર ન આવે ત્યાં સુધી પરિવાર મૃતદેહ નહીં સ્વીકારે – વિહિપ
આ અંગે મૃતકના પરિવાર સાથે 4 દિવસથી સતત સાથે રહેલા વિહિપના નગરમંત્રી હિરેન રૂપારેલિયાએ કહ્યું હતું કે, આ ઘટના પાછળનું સત્ય બહાર આવવું જોઈએ. જવાબદાર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી પરિવાજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.