સારા જીવનસાથીની બાબતમાં છોકરીઓ ના વિચારોમાં એક ખુબ જ મહત્ત્વપૂર્ણ ફેરફાર એ આવ્યો છે કે લગ્ન પછીનાં સમયના માત્ર સપનાં જ નથી જોતી, પણ તેને પૂરા કરવા માટે સારા પતિની પાસે પૂરતા રૂપિયા છે કે નથી, તેની ગેરંટી પણ લગ્ન પહેલાં માગે છે. આ સમયની જીવનશૈલીમાં બહારનો ફેરફાર ફેશનના સ્વરૂપમાં યુવતીઓના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાય છે તો તેમની અંદરના વિચારો પણ ઘણા બદલાયા છે.
મોટાભાગનાં માતાપિતા પણ પોતાની છોકરીઓના આ ફેરફારને સમજે છે એટલા માટે લગ્ન માટેના લેતાં પહેલાં છોકરીની ઈચ્છા જરૂર જાણી લે છે, જેનાથી તેને લગ્નજીવનમાં પસ્તાવાનો વારો ના આવે.
આજની યુવતીઓ કેવો પતિ ઇચ્છે છે, તેની આ ઇચ્છાથી જ યુવા પેઢીના વિચારો સમજી શકાય છે. છોકરીઓ જાગૃત છે, સ્માર્ટ છે અને જિંદગીની દુ:ખદાયક પરિસ્થિતિના ઉતારચઢાવ પણ સમજતી હોય છે. પતિ કેવો હોય, એ સવાલ પર શરમાવાને બદલે તે પોતાના બે શબ્દોમાં પોતાનું મંતવ્ય જાહેર કરવામાં અચકાતી નથી.
પૈસાને મહત્ત્વ ન આપવું તે પોતે ખુદને છેતરવા બરાબર છે. સામાન્ય રીતે શારીરિક, ભાવનાત્મક અને માનસિક જરૂરિયાતો એક સારો પતિ પૂરી કરી શકે છે, પરંતુ તેના સિવાય પણ ઘણીબધી જરૂરિયાતો હોય છે જે પૈસાથી પૂરી થતી હોય છે.
આનો અર્થ એવો નથી કે તે બીજી વસ્તુઓની અવગણના કરે છે. પૈસાથી તેમનો મતલબ એ પણ નથી કે પતિમાં બીજું કાંઈ પણ ના હોય.
પતિમાં કેવા ગુણ હોવા , સ્વભાવ કેવો હોવો જોઈએ, તંદુરસ્તી અને વ્યક્તિત્ત્વનું મહત્ત્વ કેટલું હોવું જોઈએ, આ બધી બાબતો પર શ્યામા, નેહલ, ખુશબૂ જેવી છોકરીઓ ખુલ્લા મનથી બોલે છે, પરંતુ પતિ જો કમાતો નથી તો બીજા બધાનો કોઈ જ અર્થ જ નથી. હવે છોકરીઓ પૈસાની બાબતમાં કોઈ જોખમ ખેડવા માગતી નથી.
પતિ હસમુખો, મિલનસાર હોય, આર્કષક વ્યક્તિત્વ અને સારી તંદુરસ્તીવાળો હોય, એ બાબતોનો વિચાર કરતાં પહેલાં એ નક્કી કરી લેવું જોઈએ કે તે ખૂબ સારું કમાય છે કે નહીં.
શું પૈસા કમાતો પતિ આ શરતોને પૂરી કરતો હશે કે બધા માપદંડો પર ખરો ઊતરતો હશે? એ અંગે હસીને ખુશી જવાબ આપે છે, ”અમુક અંશે યુવકોના મોટાભાગના ગુણ તેમની કમાણીની પાછળ જ ચાલે છે. કોઈ નઠારાનકામા કે કામધંધા વગરના અને બેકાર પુરુષ પાસે એવી આશા ન રાખી શકાય કે તે પત્નીને સમજી શકશે અને આત્મવિશ્વાસ ધરાવતો હશે.”
શું બધા પૈસાવાળા પતિની પત્નીઓ સુખી અને સંતોષી હોય છે? એ અંગે નેહાની દલીલ છે કે લગ્ન પછી પ્રથમ વખત અસંતોષ, ઝઘડો અને અશાંતિ પૈસાની ઊણપને કારણે જ થાય છે. જ્યાં સુધી વાત બીજી સંતુષ્ટિ અને સુખોની છે, તો તેમાં પત્નીની ભૂમિકા પણ અતિ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે.