આણંદ(ગુજરાત): હાલમાં અકસ્માત(Accident) તો જાણે કલાકે કલાકે બની રહ્યા છે. ત્યારે આણંદ(Anand)માં બાઈક અને સ્કૂટર(Bikes and scooters) ચાલકો અને રાહદારીઓને જાહેર માર્ગો ઉપર જવું જીવલેણ બની રહ્યું છે. આ દરમિયાન, બોરસદ-ડભાસી બસ સ્ટેન્ડ(Borsad-Dabhasi bus stand) પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતો રોકવા સરકાર દ્વારા લાંબા ગાળાનું અસરકારક આયોજન થાય અને સામાન્ય નાગરિકોના જાનમાલનું રક્ષણ થાય તેવી માંગ ઉભી થઇ છે.
મળતી માહિતી અનુસાર, વાસદ-બગોદરા હાઇવે ઉપર જીવલેણ અકસ્માતથી પંથકમાં અરેરાટી છવાઈ ગઈ છે. સોમવારે બોરસદ તાલુકાના ડભાસી બસ સ્ટેન્ડ નજીક બપોરે પુરપાટ ઝડપે બેફામ બનેલી કારે અને બાઈક સવાર બે વ્યક્તિને ઉછાળી દેતા ચકચાર મચી જવા પામી છે. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર વિશ્નોલીના દપંતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થતા તેમના પરિવારજનો અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ જીવલેણ અકસ્માત સર્જાયોની બોરસદ રૂરલ પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી અકસ્માતમાં મૃત થયેલ બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. અને તેમની ઓળખ કરી પરિવારોજનોને જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, પેટલાદ તાલુકાના વિશ્નોલી ગામના દંપત્તિ રમણભાઈ પરસોતમભાઈ ઠાકોર(45) અને જશોદાબેન રમણભાઈ ઠાકોર(42) બાઈક લઇને બોરસદ તાલુકાના નાવડ ગામ ખાતે રહેતા તેમના બહેનને ત્યાં સામાજિક કામે નીકળ્યા હતા. આ અંગે મૃતકના દિકરા ઉમેશ ઠાકોરે જણાવ્યું હતું કે, બપોરના 12 વાગ્યાની આસપાસ પિતા રમણભાઈના મોબાઈલ ઉપરથી કોઈકે ફોન કરી જાણ કરી હતી કે, વાસદ બગોદરા હાઇવે ઉપરથી પસાર થઇ ડભાસી નજીક જીલોડ પુરા તરફથી આવતા પિતા અને માતાનો અકસ્માત થયો છે.
બાદમાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જોતા આ જીવલેણ અકસ્માતમાં પિતા તથા માતા મૃત્યુ પામ્યા હતા. સ્થાનિક લોકો પાસેથી તપાસ કરતા જાણવા મળ્યું કે, ડભાસી તરફ વળતા જ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ ગ્રાન્ડ આઈ ટેનના ચાલકે બાઈકને પાછળના ભાગેથી જોરદાર ટક્કર મારી હતી. આ કારણે બાઈક પર સવાર દંપતી બાઈક પર ઉછળી રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પતિ પત્નીની ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માતની ઘટનાને લઇ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘટના અંગે બોરસદ રૂરલ પોલીસને જાણ કરવામાં આવતા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંને લાશોને બોરસદ સરકારી દવાખાના ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.