ગુજરાત(Gujarat): આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દેશભરના ૭૫ આયકોનિક સ્થળોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાં પસંદ કરાયેલા ચાર આયકોનિક સ્થળોમાં નર્મદા જિલ્લાના SOU-એકતાનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એકતાનગર ખાતે વિશાળ સંખ્યામાં સાધકો યોગા કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે.
તદ્ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાકક્ષા, રાજપીપલા નગરપાલિકા કક્ષાએ અને જિલ્લાના તમામ ગામોમાં ગ્રામ્યકક્ષાએ, જિલ્લાની તમામ શાળા-કોલેજો, યુનિવર્સિટી, ITI, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, જિલ્લા જેલ, પોલીસ હેડ ક્વાટર્સ, તમામ પોલીસ સ્ટેશન વગેરે જેવા સ્થળોએ પણ વિશ્વ યોગ દિવસે યોગના કાર્યક્રમો વિશાળ પાયે યોજાનાર છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં 11 જેટલા વિવિધ સ્થળોએ સામાજિક, શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યોગની તાલીમ આપવામાં આવી રહી છે.
ઋષિમુનીઓના સમયથી ભારતીય સંસ્કૃતિમાં યોગની પરંપરા વણાયેલી છે. સનાતન સંસ્કૃતિમાં યોગને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 ના સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની 69 મી સાધારણ સભામાં યોગને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે તેવો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે જોડાયેલા 193 દેશોમાંથી 177 દેશોએ સહમતી દર્શાવતા 11 મી ડિસેમ્બર, 2014 માં વિશ્વ યોગ દિવસની માન્યતા આપવામાં આવી હતી.
આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રાજપીપલાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને યોગની તાલીમ આપી રહેલા યોગ પ્રશિક્ષક ગૌરીશંકર દવેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગના મહત્વને આખી દુનિયા, વૈજ્ઞાનિકો અને તબીબોએ પણ માન્ય ગણી છે. આજના આધુનિક સમયમાં યોગને મહત્વ આપી 24 કલાકમાં જો ૨૪ મીનિટ યોગનો પ્રતિદિન અભ્યાસ કરવામાં આવે તો મન અને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. શરીરના દરેક અંગોને સ્ફૂર્તિ મળી રહે છે. યોગ થકી વ્યક્તિમાં વિશ્વ કલ્યાણની ભાવના પણ પેદા થાય છે. મનની એકાગ્રતા જળવાતા વ્યક્તિના દૈનિક કાર્યમાં પણ પોઝિટિવિટી આવે છે. લોકોમાં પોઝિટિવિટી વધે તો કામ કરવામાં પણ ઉત્સાહ વધે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં “આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં પણ કુલ-75 આઈકોનિક સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં SOU-એકતાનગરનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રસાશન દ્વારા વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી યોગ શિક્ષકો દ્વારા હાલમાં યોગની તાલીમ આપવામાં આવી રહી છે. નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે હાલમાં અંબુભાઈ પુરાણી વ્યાયામ હાઈસ્કૂલ, આદર્શ નિવાસી શાળા તથા જિલ્લાના તમામ તાલુકાકક્ષાએ વિવિધ સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ અને શાળાઓમાં યોગની તાલીમ આપવામાં આવી રહી છે. શાળાના વિદ્યાર્થીઓ, સંસ્થાના સ્વયંસેવકો, નાગરિકો ઉત્સાહભેર યોગ તાલીમમાં જોડાઈ રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.