પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યા કેસનો ચુકાદો આવ્યો તે બાદ એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કોઇ પક્ષ માટે હાર કે જીત નથી. દેશમાં ભય અને અરાજક્તાને કોઇ જ સ્થાન નથી. સાથે સાથે મોદીએ દેશને નામ એક સંદેશો આપ્યો હતો, જેમાં પણ તેમણે લોકોને શાંતીની અપીલ કરી હતી. સાથે-સાથે મોદીએ કહ્યું હતું કે રામ મંદિર નિર્માણ બાદ હવે દેશના નિર્માણમાં લોકો લાગી જાય.
બર્લીનની દિવાલને કરી યાદ
મોદીએ દેશને સંબોધતા બર્લીનની દિવાલને યાદ કરી હતી, 9 નવેમ્બર 1989ના રોજ એટલે કે 30 વર્ષ પહેલા બર્લીનની દિવાલ પાડી દેવામાં આવી હતી અને નફરતને મિટાવવાનો એક અધ્યાય શરૂ થયો હતો. આ ઘટનાને પણ શનિવારે 30 વર્ષ વીત્યા હતા જેને પગલે હવે તેને ટાંકીને મોદીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની સાથે જ ભારતમાં આવેલી બર્લિનની આ દિવાલ પણ તુટી ગઇ છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાના કર્યા વખાણ
વડા પ્રધાને સુપ્રીમ કોર્ટના ચુકાદાના વખાણ કરતા જણાવ્યું હતું કે ન્યાય પાલિકા માટે પણ આ એક ઐતિહાસિક દિવસ છે. પુરો દેશ ઇચ્છતો હતો કે આ કેસની દૈનિક ધોરણે સુનાવણી સુપ્રીમ કોર્ટ કરે અને એમ થઇને રહ્યું, સુપ્રીમ કોર્ટે વર્ષો જુના આ કેસની દૈનિક ધોરણે સુનાવણી કરીને વહેલી તકે ચુકાદો આપ્યો છે.
આવનારી પેઢી રાષ્ટ્રનિર્માણના કામમાં લાગે
સુપ્રીમ કોર્ટે દરેક પક્ષોને બહુ જ શાંતિ પૂર્વક સાંભળ્યા અને સર્વાનુમતે ચુકાદો આપ્યો. આ વિવાદના અંત સાથે જ હવે આવનારી પેઢી માટે રાષ્ટ્રના નિર્માણ માટે લાગી જવાની જરૂર છે. સમગ્ર વિશ્વને ખ્યાલ છે કે ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, આજે જ્યારે ચુકાદો આવ્યો છે ત્યારે સમગ્ર વિશ્વને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે આપણી લોકશાહી કેટલી વાઇબ્રન્ટ છે.
દેશમાં શાંતિ સ્થપાય તે માટે કરી અપીલ
આ પહેલા મોદીએ અનેક ટ્વિટ કરીને કહ્યું હતું કે રામ ભક્ત હોય કે રહીમ ભક્ત આપણે રાષ્ટ્રભક્તિની જે સ્પિરિટ છે તેને જીવીત રાખવાની છે. આજે દેશની જનતાએ શાંતિ જાળવી રાખી છે. જે કાબીલે તારિફ છે. આ ચુકાદા પરથી એ પણ પુરવાર થાય છે કે કોઇ પણ પ્રકારનો વિખવાદ કે વિવાદ હોય તેનું કાયદાના માધ્યમથી નિરાકરણ લાવી શકાય છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો કોઇની હાર કે જીત નથી, આ ચુકાદો દેશની એક્તા અને અખંડતાને વધુ મજબૂત બનાવે તે રીતે તેને મુલવવો જોઇએ તેવી હું દેશના દરેક નાગરીકને વિનંતી કરૂ છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.