એશિયાની સૌથી મોટી હોસ્પિટલની સામે જ બેડ માટે 4 કલાક રજળતો રહ્યો મૃતદેહ, અંતે વ્હીલચેર ઊપર જ લીધા અંતિમશ્વાસ

ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી…

ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. એમાય ગુજરાતના મહાનગરોની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે. દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને સુરતની સ્થિતિ સતત બગડી રહી છે. ત્યારે આજરોજ આવા જ એક દુખદ સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદના વટવામાં રહેતી 30 વર્ષીય મહિલાને તેનો પતિ શહેરની ત્રણ હોસ્પિટલમાં લઈને ફર્યો છતાં બચાવી શક્યો નહીં. ગુરુવાર બપોર સુધી સ્વસ્થ દેખાતી મહિલાને જમ્યા પછી અચાનક શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતાં પતિએ 108માં ફોન કર્યો પણ વટવામાં એકપણ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાનો જવાબ મળતાં પતિ પત્નીને રિક્ષામાં વટવાની શ્રીજી હોસ્પિટલ લઈ ગયો હતો.

ત્યાંના ડૉક્ટરોએ પત્નીને અન્ય કોઈ મોટી હોસ્પિટલમાં જઈ જવાની સલાહ આપતાં પતિ તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ પહોંચ્યો પણ ત્યાં હાજર ડૉક્ટરોને દર્દીના જીવન કરતા નિયમપાલન વધુ યોગ્ય લાગતાં તેમણે દર્દીને 108માં લાવશો તો જ દાખલ કરવાનું રટણ કર્યું હતું. પતિ એજ રિક્ષામાં મણિનગરની સરદાર પટેલ હોસ્પિટલમાં લઇ ગયો, ત્યાં પણ સારવાર ન મળી. સાડા ચાર કલાકની રઝળપાટ પછી સિવિલ પહોંચ્યા. સિવિલના દરવાજે ત્રણ-ત્રણ એમ્બ્યુલન્સ અને 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્કની સામે જ મહિલા દર્દીએ વ્હીલચેર પર અંતિમશ્વાસ લીધા હતા.

સિવિલ હોસ્પિટલની બહાર સારવારના અભાવે માત્ર એક કોરોનાના દર્દીનું મોત થયું નથી, વહીવટ પણ એ વ્હીલચેર પર ગુજરી ગયો છે. ઓક્સિજનની એ ઊંચી ટાંકી સામે તરફડી તરફડીને માત્ર શ્વાસ અટકી નથી ગયા, તંત્રની સંવેદનશીલતાએ પણ ત્યાં અંતિમ શ્વાસ લીધા છે. ત્રણ હોસ્પિટલોએ દાખલ કરવાની ના પાડ્યા બાદ જીવવાની આશાએ જ માત્ર દમ તોડ્યો નથી, સરકારની તૈયારીઓએ પણ ત્યાં દમ તોડી દીધો છે. હજારો ડોક્ટરો, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અને 1200 બેડ સામે માત્ર એક જીવંત શરીર લાશ નથી બની ગયું. લોકોનો તંત્ર પરનો વિશ્વાસ પણ ગુજરી ગયો છે. આજે તંત્રની સંવેદનશીલતા જીવંત હોત તો આ મહિલા જીવતી હોત.

સિવિલ હોસ્પિટલના દરવાજે પહોંચેલા દર્દીને રજિસ્ટ્રેશન અને બેડ શોધવાના ચક્રવ્યૂહમાંથી પસાર થતાં કલાક થઈ જાય છે. અને માત્ર 2 મિનિટમાં તો દર્દીના શ્વાસ નીકળી જાય છે. હે સરકાર, તમારો સમય ચાલે છે અને અમારી પાસે સમય રહ્યો નથી. આજે શહેરમાં જે જુઓ એ કોઈ પરિચિત માટે, કોઈ સંબંધી માટે, કોઈ અંગત સ્વજન માટે હોસ્પિટલના બેડ શોધી રહ્યું છે. અને હોસ્પિટલવાળા ઓક્સિજનના સિલિન્ડર શોધી રહ્યા છે. હે, સરકાર, આજકાલ તમારા એક હાથમાં રેમડેસિવિર છે, બીજા હાથમાં ઓક્સિજન છે, ત્રીજા હાથમાં હોસ્પિટલના બેડ છે અને ચોથામાં 108ની ચાવી છે. બસ ફરક એટલો જ છે કે, તમે પથ્થર બની ગયા છો અને પથ્થરને શ્વાસની કિંમત હોતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *