આગળના ભાગોમાં જણાવેલી ઘટનાઓ એમ દર્શાવે છે કે યુરોપના દેશોમાં મુસ્લિમ ત્રાસવાદ છુપાઈને બેઠો છે. તેમને મદદ કરતા સ્લીપર યુનિટો પણ બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરે દેશોમાં છે. વસ્તી વધવાની સાથે આવી ઘટનાઓની સંખ્યા વધશે એમ મનાય છે. યુરોપના દેશોમાં મુસ્લિમોની પક્કડ આજે ભલે નથી પણ તેમની સંખ્યા થોડી ઘણી પણ વધશે ત્યારે તે બાંયો ચઢાવશે અને સ્પેશ્યલ હકની માગણી કરશે.
યુરોપના દેશો આ મુદ્દે કોઈ પગલાં લઈ શકે એમ નથી કેમ કે આ મુસ્લિમો યુરોપમાં કાયમી વસવાટના પરવાના સાથે રહે છે. આ લોકોની વધતી સંખ્યાના કારણે તેમની વિચારસરણીને અમલી બનાવવી પડશે. યુરોપના દેશોના સત્તાવાળાઓ આ મુદ્દે સજાગ નથી એવું માનવાની ભૂલ ન કરાય. યુરોપની મૂળ વસતીની જગ્યાએ જ્યારે બહારથી આવતાં લોકોની વસ્તી વધે ત્યારે અનેક સમસ્યાઓ ઊભી થાય છે.
બ્રિટનમાં પરિસ્થિતિ જુદી છે. ત્યાંના કુલ મુસ્લિમોમાંના ૭૫ ટકા મુસ્લિમો નાગરિકત્વ ધરાવે છે. એમાંના મોટા ભાગના ભારતીય અને પાકિસ્તાની છે. બ્રિટિશરોએ એમને વ્યક્તિગત રીતે સમાજની મુખ્ય ધારામાં ભેળવવાને બદલે એક જૂથ તરીકે ભેળવવાનું મુનાસિબ માન્યું છે. આ મુસ્લિમોને જોકે બ્રિટનના રાજકારણમાં બહુ રસ નથી.
તેઓ પોતાનો એક અલગ ધાર્મિક વાડો રચીને રહે છે. બ્રિટનના આખા મુસ્લિમ સમુદાય માટે બોલનાર એક પણ નેતા ત્યાં નથી. મુસ્લિમોના જુદાં જુદાં જૂથો કે ફિરકાઓના જુદાં જુદાં નેતાઓ છે. આનું કારણ એ છે કે એમને એકતાંતણે બાંધનાર ધર્મ ભલે એક (ઈસ્લામ) હોય, પણ તેઓ આવે છે જુદી જુદી સંસ્કૃતિમાંથી.
ફ્રાન્સમાં આ સમસ્યા નથી. ફ્રાન્સે બધા પર, પછી તેઓ મુસ્લિમ હોય કે બીજા કોઈ, પોતાની સંસ્કૃતિ થોપી છે. ત્યાંની સરકારે સાંસ્કૃતિક રીતે પણ મુસ્લિમોને પોતાની મુખ્ય ધારામાં ભેળવવાના પ્રયાસો કર્યા છે. ફ્રાન્સમાં વસતિગણતરી થાય ત્યારે વ્યક્તિ કયા ધર્મની છે એ સવાલ જ નથી પૂછવામાં આવતો. ત્યાં વાંશિક લઘુમતી જેવો શબ્દ જ શબ્દકોશમાંથી કાઢી નખાયો છે.
જનસંખ્યા નિષ્ણાત ચેઝનેઝ કહે છે કે ૧૯મી સદીમાં વસતિગણતરી થયેલી ત્યારે છેલ્લી વાર વ્યક્તિ કયા ધર્મની છે એ સવાલ ફ્રાન્સમાં પુછાયો હતો, પણ એ પછી ક્યારેય નથી પુછાયો. આમ કરવા પાછળ ફ્રેન્ચોની ગણતરી એવી હોય છે કે ફ્રાન્સમાં કોઈ પણ વ્યક્તિ આવે એની બીજી કે ત્રીજી પેઢી પૂરેપૂરી ફ્રેન્ચ બની જાય, જેથી કોઈ આનુવંશિક સમસ્યાઓ ફ્રાન્સમાં સર્જાય નહીં. જોકે મુસ્લિમોને આ વાત સ્વીકારવી બહુ અઘરી લાગે છે. તેઓ ધર્મના નામ પર પોતાની અલગ ઓળખ ટકાવવા દુનિયાના કોઈ પણ ખૂણે મથતા હોય છે.
આથી ફ્રાન્સની સરકાર અને મુસ્લિમો વચ્ચે તકરાર ચાલતી રહે છે અને એમાં મોટા ભાગે મુસ્લિમ સ્ત્રીઓનો જ મુદ્દો મુખ્ય હોય છે. સરકાર એવું નથી ઈચ્છતી તે કોઈ પણ ફ્રેન્ચ મુસ્લિમ સ્ત્રી પરદામાં રહે. આથી મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ માથું ઢાંકતા સ્કાર્ફ પહેરવા નહીં એના વિશે ફ્રાન્સમાં છેલ્લાં છ વર્ષથી વિવાદ ચાલ્યો આવે છે. કટ્ટરવાદી મુસ્લિમોને ઈસ્લામે ચીંધેલા તમામ નિર્દેશો પાળવા છે અને ફ્રાન્સની સરકારને બિનસાંપ્રદાયિક સ્ટેટસમાં રસ છે. મુસ્લિમ કટ્ટરવાદીઓને લાગે છે કે એ રીતે તેમની સ્ત્રીઓ આતંરધર્મી લગ્નો કરતી થઈ જશે.
આમ, દરેક યુરોપીય દેશની મુસ્લિમો સાથેની સમસ્યાનો પ્રકાર ભિન્ન છે, પણ બધાના મૂળમાં છે ઈસ્લામ વિશેની ખ્રિસ્તીઓની સમજણ અને પશ્ચિમ પ્રત્યેના મુસ્લિમોના પૂર્વગ્રહો. બે પ્રજાઓ વચ્ચેની ભેદરેખા જાડી થઈ રહી છે. સદીઓથી એકમેકને ધિક્કારતી અને એકમેક સાથે બાઝતી રહેલી બે સંસ્કૃતિઓ ફરી આમનેસામને આવી છે. આને લીધે જ આવનારાં વર્ષોમાં યુરોપમોં ભારે ઊથલપાથલો સર્જાય એવો ઓથાર આખા યુરોપને ઘેરી વળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.