આંધ્ર પ્રદેશમાં વાવાઝોડાથી કરોડોનું નુકસાન, દસ હજાર વૃક્ષો ધરાશાયી, કૃષિ ક્ષેત્રને મોટો ફટકો
ઓડિશામાં ફાની વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને ૧૬ થઇ ગયો છે. આજે ૧૦,૦૦૦ ગામો અને શહેરોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગાીરી શરૃ કરવામાં આવી હતી. પુરીમાં શુક્રવારે ત્રાટકેલા ફાની વાવાઝોડાને પગલે ભારે વરસાદ પડયો હતો અને ૨૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
જો કે આ વાવાઝોડું ઓડિશામાંથી પસાર થઇને નબળુ પડી ગયા પછી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ્યું હતું. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાથી કોઇ મોટું નુકસાન થયું નથી.
ઓડિશાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કરતા પહેલા મુખ્યપ્રધાન નવીન પટનાયકે જણાવ્યું હતું કે ૨૦૦૦ ઇમરજન્સી વર્કસ, વિવિધ સંગઠનો, એનડીઆરએફ અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ(ઓડીઆરએએફ)ના જવાનો અને ૧ લાખ અધિકારીઓ તથા કર્મચારીઓ રાહત અને બચાવ કાર્ય કરી રહ્યાં છે.
મયુરભંજ જિલ્લામાં વધુ ચાર લોકોનાં મોત થતાં ઓડિશામાં ફાની વાવાઝોડાનો કુલ મૃત્યુ આંક વધીને ૧૬ થઇ ગયો છે. વડાપ્રધાન મોદી પણ ઓડિશાના અસરગ્રસ્ત વિસ્તારોની રવિવારે અથવા સોમવારે મુલાકાત લે તેવી શક્યતા છે. ઉનાળામાં વાવાઝોડું ભાગ્યે જ જોવા મળે છે.
આ દરમિયાન બાંગ્લાદેશમાં વાવાઝોડાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ફાની વાવાઝોડાને કારણે બાંગ્લાદેશમાં ૧૪ લોેકોનાં મોત થયા છે અને ૬૩ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ચાર મહિલા અને બે વર્ષનું બાળક પણ સામેલ છે.
બાંગ્લાદેશમાં આજે વહેલી સવારે વાવાઝોડું ત્રાટક્યુ હતું. વાવાઝોડાને કારણે બાંગ્લાદેશમાં અનેક ઝાડ ધરાશયી થઇ ગયા છે તથા વીજળી લાઇનો તૂટી ગઇ છે અને પાંચસોથી વધુ મકાનોને ભારે નુકસાન થયું છે. ઓડિશાાં વાવાઝોડાને કારણે વીજળી અને ટેલિકોમ સેક્ટરને સૌથી વધુ નુકસાન થયું છે.
અગાઉથી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરી લેવામાં આવ્યું હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ઓડિશામાં રેલવે અને હવાઇ વ્યવહાર આજથી શરૃ કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે જણાવ્યું છે કે ફાની વાવાઝોડાથી રાજ્યમાં સામાન્ય નુકસાન થયું છે. આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદને પગલે ખેતીવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.