બનાસકાંઠાના આ ભાભાએ આખા પાકિસ્તાનને હંફાવી દીધું હતું- એવું ગૌરવશાળી કાર્ય કર્યું હતું કે આજે લોકો કરી રહ્યા છે યાદ

બનાસકાંઠા(ગુજરાત): ઈ.સ. 1971ના ભારત વિજયના ઈતિહાસને રજુ કરતી અજય દેવગણની ફિલ્મ ‘ભુજ: પ્રાઇડ ઓફ ઈન્ડિયા’ 13 ઓગસ્ટના રોજ આવી રહી છે. ઈ.સ. 1965 અને 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં સેનાને મદદ કરી પાકિસ્તાન પર જીત મેળવી એનો હિસ્સો કબજે કરવામાં જેનો મુખ્ય ફાળો રહ્યો હતો. આજે પણ તે બનાસકાંઠાના સરહદી વિસ્તાર સૂઈ ગામના શૂરવીર રણછોડદાસ રબારી ઉર્ફે પગીને લોકો યાદ કરે છે. ઈ.સ. 1971ના યુદ્ધના પ્રસંગોને આલેખિત કરતી ભુજ: પ્રાઈડ ઓફ ઈન્ડિયા નામની હિન્દી ફિલ્મ બનતાં બનાસવાસીઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

આપણે એક એવા વીરની વાત જણાવી રહ્યા છીએ, જેણે એકવાર નહીં, પરંતુ બે-બે વાર આપણા દુશ્મન દેશ પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે શૂરવીર એટલે રણછોડભાઈ રબારી ઉર્ફે પગી છે. ભારતીય સૈન્યને પગીના નામથી ઓળખાતા રણછોડ રબારીએ અનેકવાર મદદ કરી હતી. યુદ્ધ દરમિયાન સૈન્ય પાસે દારૂગાળો ખૂટી જતાં ઊંટ પર દારૂગોળો લાવીને સૈન્યની મદદ કરી હતી.

વીસમી સદીના પ્રથમ દાયકામાં રણછોડભાઈનો જન્મ પાકિસ્તાનના થરપારકરમાં આવેલા પેથાપુર ગઢડો ગામે પિતા સવાભાઈ અને માતા નાથીબાને ત્યાં થયો હતો. રણછોડ રબારી પાસે કુદરતી શક્તિ હતી. તેઓ અભણ હોવા છતાં પણ પગચિહન ઓળખવામાં અદભુત કૌશલ્ય ધરાવતા હતા. તેને કારણે તે પગી તરીકે ઓળખાતા હતા. માત્ર પગલાં પરથી જ તે વ્યક્તિ કઈ દિશામાંથી આવી છે, કઈ દિશામાં ગઈ છે, તે કેટલું વજન લઈને ચાલી રહી છે અને તે ક્યાં સુધી પહોંચ્યો હશે એ પણ કહી દેતા હતા. 300 એકર જમીન અને 300 જેટલાં પશુમાં સાંઢ, ગાય, ઘેટાં, બકરાં રણછોડભાઈ પાસે હતાં. તેમનો પશુપાલનનો વ્યવસાય કરતા હતા.

ભારત-પાકિસ્તાનના ઈ.સ.1947માં ભાગલા પડ્યા ત્યારે તેઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેવા લાગ્યા હતા, પરંતુ એક દિવસ તેઓ પાકિસ્તાનના લોકોની હેરાનગતિને કારણે ત્રણ પાકિસ્તાની પોલીસકર્મીઓને બાંધીને કોઠીમાં નાખીને પોતાના પરિવાર અને પશુઓ સાથે હિન્દુસ્તાનના બનાસકાંઠાના રાધાનેસડામાં રહેવા આવી ગયા હતા. ત્યાર બાદ તેઓ મોસાળ લીંબાળામાં રહેવા લાગ્યા હતા.

તેમણે ચોકીદાર તરીકેની નોકરી ગામમાં શરૂ કરી હતી. તેમની પાસે અદભુત પગચિહન ઓળખવાની કળા હોવાથી અહીં તેમણે અનેક ચોરીઓના ગુના ઉકેલી કાઢ્યા હતા. જેને કારણે ઈ.સ. 1962માં પોલીસ વિભાગમાં પગી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. ભારતીય સૈન્યને તેમની આ કલાની ખબર પડી હતી. ત્યારે તેઓએ ઈ.સ 1965ના યુદ્ધમાં પણ વિઘાકોટ સુધી પાકિસ્તાની સૈન્ય આવી જતાં રણમાં ભૂલા પડેલા સૈન્યને રણછોડ પગીએ ખૂબ જ મદદ કરી અને ત્યાં પણ પાકિસ્તાની સૈન્યમાં કેટલા લોકો છે, ક્યાં છુપાયેલા છે એ તમામ માહિતી પણ આપી હતી.

ભારતીય સૈન્યને ઈ.સ. 1971ના યુદ્ધ દરમિયાન ઊંટ દ્વારા સમયસર દારૂગોળો પહોંચાડતાં અને ભારતીય જવાનોએ ધોરા અને ભાલવાનાં થાણાં જપ્ત કર્યાં હતાં. ભારતીય સેનાએ આખરે 16મી ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાન પર વિજય મેળવ્યો હતો. આમ, સૂઈગામ પોલીસ સ્ટેશનને ખબરી, પગેરા પારખું, રણનો ભોમિયો, પગલે પગલે ચોર ઘૂસણખોરો સુધી પહોંચાડનાર અને સરહદ પર અને સરહદ પાર પાકિસ્તાનીઓની હિલચાલના ખબર આપનારા જાંબાજ રણછોડ રબારી હતા.

રણછોડ પગીના પૌત્ર વિષ્ણુ રબારીના જણાવ્યા અનુસાર, પોલીસ પણ અવારનવાર દાદા રણછોડભાઇ સવાભાઇ રબારીની માણસ, પશુ-પક્ષીઓનાં પગલાં ઓળખવાની કોઠાસૂઝને કારણે મદદ માંગતી હતી. પાકિસ્તાનના એક અંગત કામમાં ઈ.સ. 1962માં ડી.વાય.એસ.પી. વનરાજ ઝાલા સાહેબે રણછોડભાઈની મદદ લીધી હતી. એ જ સમયે ઇ.સ.1962માં પોલીસમાં રણ વિસ્તારના બનાવોના ભેદ ઉકેલવા માટે પગીની ખૂબ જરૂરિયાત ઊભી થતાં કાયમી ધોરણે પગી તરીકે સૂઇગામ થાણામાં નિમણૂક આપવામાં આવી હતી.

ભારત-પાકિસ્તાનનું ઇ.સ. 1965માં યુદ્ધ થયું ત્યારે ભારતની બધી ટુકડીઓએ સૂઇગામમાં આવીને રોકાણ કર્યું હતું. ભારતીય સૈન્યને નજીકના રસ્તે વિઘાકોટ જવાનું હતું. પાકિસ્તાને વિઘાકોટને કબજે કરી લીધું હતું અને પાકિસ્તાન સૈન્ય આગળ વધી રહ્યું હતું. ભારતીય સૈન્ય ત્યાં પહોંચવા માગતું હતું. રણ વિસ્તાર હોવાથી રસ્તો કે દિશાની કશું ખબર ન પડતા તેમને માર્ગદર્શનની જરૂર હતી, ત્યારે ચંદ્રને હોકાયંત્ર બનાવીને રણછોડભાઈએ તેના આધારે રણમાં ફરનારા આગળ ચાલીને આ કાફલાને નજીકમાં ઓછામાં ઓછા સમયમાં કોઈપણ તકલીફ વગર વિઘાકોટ સમયસર પહોંચાડ્યું હતું. યુદ્ધ સમયે રણના માર્ગોથી પરિચિત રણછોડભાઈએ વિઘાકોટમાં છુપાયેલા પાકિસ્તાનના 1200 સૈનિકોની જાણકારી ભારતીય સેનાને આપી હતી.

રણછોડભાઈ ઈ.સ. 1971ના યુદ્ધમાં પગીએ બોરિયાબેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઇ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છુપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી ભારતીય સૈન્યને આપી હતી. જેથી ભારતીય સૈનિકોએ ધોરા પર કૂચ કરી આક્રમણ કર્યું હતું. આ સમયે કરાયેલા હુમલામાં બોમ્બમારો ચાલુ હતો, ત્યારે ભારતીય સૈન્ય પાસે દારૂગોળો ખતમ થઇ ગયા હતા. જેથી ભારતીય સૈન્યની 50 કિ.મી. દૂરની બીજી છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પૂરો પાડ્યો હતો. રણછોડભાઈએ સમયસર દારુગોળો પહોંચાડતાં ભારતીય હવાઇદળનાં ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાનાં થાણાં જપ્ત કરી લીધા હતા. જોકે રણછોડભાઈ રબારી સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડવા જતાં પોતે ઘવાયા હતા. બંને યુદ્ધોમાં તેમણે ભારત-પાકિસ્તાનનાં ભારતીય ભૂમિ સેનાને ભોમિયા તરીકે મદદ કરી હતી.

રણછોડભાઈની 31 વર્ષ 2 માસ અને 26 દિવસ સુધીની યશસ્વી કામગીરી બદલ ભારતીય સૈન્ય દ્વારા ત્રણ મેડલ આપવામાં આવ્યા હતા, જેમાં (1) સંગ્રામ સેવા મેડલ (2) પોલીસ મેડલ ફોર મેરીટોરિયમ સર્વિસ ઇન્ડિયન પોલીસ મેડલ અને (3) સમર સેવા સ્ટાર મેડલ-1965 હતા. એટલું જ નહીં, બી.એસ.એફ. દ્વારા 990 નંબરના પિલ્લર ઉપર રણછોડ દાસ બી.ઓ.પી. કરીને આખી પોસ્ટ ઊભી કરવામાં આવી છે, ત્યાં તેમનું સ્ટેચ્યૂ પણ બનાવવામાં આવ્યું છે.

18મી જાન્યુઆરી 2013ના રોજ રણછોડભાઈ રબારીનું દેહાવસાન થયું હતું. તેમની બે અંતિમ ઈચ્છા પૂર્ણ કરવામાં આવી હતી. તેમની ઈચ્છા હતી કે, તેમના શબના માથા પર પાઘડી રાખવામાં આવે અને અગ્નિદાહ ખેતરમાં જ કરવામાં આવે. તેમની બંને ઈચ્છાઓ પ્રમાણે ગાર્ડ ઓફ ઓનર આપીને અગ્નિદાહ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *