વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની માતા હીરા બાનું શુક્રવારે એટલે કે આજે સવારે 3.30 કલાકે નિધન થયું હતું. તેઓ 100 વર્ષના હતા. ત્યારે પીએમ મોદીએ માતાને મુખાગ્ની આપી. ગુજરાત (Gujarat)ના ગાંધીનગર (Gandhinagar)માં એક સ્મશાનભૂમિમાં સાદગીપૂર્ણ રીતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હીરાબા સાથે વડાપ્રધાન મોદીએ 4 ડિસેમ્બરના રોજ છેલ્લી મુલાકાત કરી હતી. મોદી હીરાબા સાથે 30 મિનિટ જેટલો સમય રહ્યા હતા અને ચા પીતાં-પીતાં વાતચીત કરી હતી.
આ સાથે જ ગુજરાતમાં બીજા તબક્કાનું 5 ડિસેમ્બરે મતદાન હતું એ સમયે વડાપ્રધાન આગલી રાત્રે ખાસ હીરાબાને મળવા વૃંદાવન બંગલો પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીને તેમની માતા હીરાબાએ કહ્યું હતું કે, ‘જો ભાઈ… હું સાધારણ વ્યક્તિ છું. મેં તને જન્મ આપ્યો છે, પણ સર્વશક્તિમાન ઈશ્વરે તારું ઘડતર કર્યું છે. તને શીખવ્યું છે અને તારું લાલનપાલન કર્યું છે.’ તેમજ મોદી વિશે વાત કરીએ તો તેમણે પણ પોતાની માતા માટે લખ્યું છે કે, માતાથી મોટો કોઈ ગુરુ નથી – ‘નાસ્તિ માત્ર સમો ગુરુઃ.’
મોદીની હીરાબા સાથે છેલ્લી ‘ચાય પે ચર્ચા’
જાણવા મળ્યું છે કે, મોદી વડાપ્રધાન બન્યા બાદ જયારે પણ ગુજરાત આવતા ત્યારે હીરાબાની અચૂક મુલાકાત લેતા હતા. જ્યારે પણ મળતાં ત્યારે માતાના આશીર્વાદ લેવાનું ચૂકતા નહોતા. ત્યારે ગત 4 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલાં અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સીધા ગાંધીનગર રાયસણ ખાતે માતાને મળવા પહોંચ્યા હતા, જ્યાં માતાના આશીર્વાદ લઇ ચા પિતા-પિતા તેમની સાથે 30 મિનિટ સમયનો સમય વિતાવ્યો હતો.
જ્યારે હીરાબાએ મોદીના કપાળ પર તિલક કર્યું:
સામાન્ય રીતે મોદી સાથે કોઈપણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં તેમનાં માતા હોતા નથી. તેઓ અગાઉ ફક્ત બે પ્રસંગમાં સાથે રહ્યાં હતાં. એકવાર, અમદાવાદમાં એક જાહેર કાર્યક્રમમાં હીરાબાએ મોદીના કપાળ પર તિલક કર્યું હતું. એ સમયે મોદી શ્રીનગરથી પરત ફર્યા હતા, જ્યાં મોદીએ એકતા યાત્રા પૂર્ણ થતાં લાલચોકમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવ્યો હતો. આ એકતાયાત્રાના સમયે પંજાબના ફગવારામાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં થોડા લોકો માર્યા ગયા હતા. એ સમયે તેઓ બહુ ચિંતિત હતા. બે લોકોએ પૂછપરછ માટે ફોન કર્યો હતો. એમાં એક હતા અક્ષરધામ મંદિરના શ્રદ્ધેય પ્રમુખસ્વામી મહારાજ અને બીજા હતાં હીરાબા.
મોદી પહેલીવાર CM બન્યા ત્યારે હીરાબા આવ્યાં હતાં:
આ સિવાય બીજીવાર, મોદી સાથે હીરાબા વર્ષ 2001માં જોવા મળ્યાં હતાં. એ સમયે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા. એ પ્રસંગે પણ હીરાબાએ મોદીને આશીર્વાદ આપ્યા હતા અને ગુજરાતને સમૃદ્ધ બનાવવા કહ્યું હતું.
મોદી માટે જીવનમાં સૌથી મોટાં ગુરુ હીરાબા:
આ સિવાય મોદીએ જણાવ્યું હતું કે, મને અન્ય એક પ્રસંગ યાદ આવે છે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે હું જાહેરમાં મારા તમામ ગુરુજનોનું સન્માન કરવા ઇચ્છતો હતો. હું વિચારતો હતો કે જીવનમાં મારી સૌથી મોટી ગુરુ મારાં માતા છે અને મારે તેમનું પણ સન્માન કરવું જોઈએ. આપણા ગ્રંથોમાં પણ ઉલ્લેખ થયો છે કે માતાથી મોટો કોઈ ગુરુ નથી. મેં મારી માતાને કાર્યક્રમમાં હાજર રહેવા વિનંતી કરી હતી, પણ તેમણે ઇનકાર કરતા જણાવ્યું હતું કે, ‘જો ભાઈ, હું સાધારણ વ્યક્તિ છું. મેં તને જન્મ આપ્યો છે, પણ સર્વશક્તિમાન ઈશ્વરે તારું ઘડતર કર્યું છે, તને શીખવ્યું છે અને તારું લાલનપાલન કર્યું છે.’ મારા તમામ શિક્ષકોનું એ દિવસે સન્માન થયું હતું, એક મારાં માતા સિવાય.
કોઈની સાથે ક્યારેય ખોટું કે ખરાબ ન કરવા મોદીને કહ્યું:
આ ઉપરાંત મોદીએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે ફોન પર તેમની સાથે વાત કરું છું ત્યારે તેઓ કહે છે કે ‘કોઈની સાથે ક્યારેય ખોટું કે ખરાબ ન કરો તથા ગરીબો માટે હંમેશાં કામ કરતા રહો.’ જો હું મારાં માતા-પિતાના જીવન પર એક નજર નાખું છું, ત્યારે મને તેમની પ્રામાણિકતા અને સ્વમાન તેમના સૌથી મોટા ગુણો જણાય છે. ગરીબી સાથે સંઘર્ષ અને એની સાથે વિવિધ પડકારો જોડાયેલા હોવા છતાં મારાં માતા-પિતાએ પ્રામાણિકતાનો માર્ગ ક્યારેય છોડ્યો નહોતો.
એકવાર મોદીએ હીરાબાને ભગવદ્ ગીતાની ભેટ આપી:
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે માની મમતા, માતાના આશીર્વાદથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે છે. પ્રધાનમંત્રી મોદી 2001માં જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેઓ માતાના આશીર્વાદ લેવા તેમના ભાઇના ઘરે અમદાવાદ ગયા હતા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2016માં તેમના 64મા જન્મદિવસે માતુશ્રી હીરાબાના નિવાસે જઈને આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન માતા હીરાબાએ તેમને યથાર્થ ભગવદ્ ગીતાની ભેટ આપી અને દેશ સેવા માટે આશિષ આપ્યા હતા.
આ સિવાય વ્યસ્તતા વચ્ચે પણ મોદી માતાને મળવા પહોંચી જતા હતા. એપ્રિલ 2019માં વડાપ્રધાન મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં પહેલાં ગાંધીનગર ખાતે માતા હીરાબાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન માતાએ વડાપ્રધાનને ચૂંદડી ભેટમાં આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.