ડિજિટલ યુગમાં પર્યાવરણ સંરક્ષણ સામે પણ ડિજિટલ સમસ્યા આવી છે. પહેલી નજરે ન દેખાય એવી મુશ્કેલી એ છે કે ઈન્ટરનેટનો વધુ વપરાશ પણ પર્યાવરણનો ભોગ લઈ રહ્યો છે. ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશ ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપનીઓ દ્વારા ૨૦૧૩માં પેદા થતો કાર્બન ડાયોક્સાઈડ કુલ કાર્બનના ૨.૫ ટકા હતો. એ વધીને ૪ ટકા સુધી પહોંચ્યો છે. કારણ કે જે ડિજિટલ યુગ આપણને ક્રાંતિકારી લાગે છે એ પાછલા બારણે તો પર્યાવરણને વત્તા-ઓછા અંશે નુકસાન કરે છે. માટે પર્યાવરણ સંશોધકો સામે આ નવો પડકાર ઉભો થયો છે.
મોબાઈલ, લેપટોપ, ડેસ્કટોપ, ટેબલેટ કે ઈન્ટરનેટ સાથે સંકળાયેલા અન્ય ઉપકરણો જેમ વધારે ચાલુ રહે એમ ઊર્જાનો વધુ વપરાશ થાય છે. એ ઊર્જા ક્યાંથી આવે છે? મોટે ભાગે તો કોલસો કે પેટ્રોલિયમ બાળીને ઊર્જા પેદા કરવામાં આવે છે. વિજ્ઞાનીઓએ કરેલા હિસાબ પ્રમાણે ૨૫ વૉટ વીજળીનો વપરાશ થાય તો તેનાથી છેવટે ૨૦ ગ્રામ કાર્બન હવામાં ભળે. હવે આત્યારે તો આખી દુનિયામાં ૨૪ કલાકમાં ૨૯૩ અબજ ઈ-મેઈલ થાય છે. એ મેઈલ કરવા માટે ઉપકરણો ચાલુ રાખવા પડે અને એ માટે વીજળી વાપરવી પડે.
મોબાઈલમાં સતત નવી નવી એપ્સ આવતી રહે છે. ડેટા પ્રોવાઈડર અને મોબાઈલ ઉત્પાદક કંપનીઓ એવુ ઈચ્છે છે કે વપરાશકારો વધુને વધુ સમય ઓનલાઈન રહે. તેનાથી એ કંપનીઓનો બિઝનેસ ધમધોકાર ચાલે. પરંતુ બીજી તરફ સતત અને ઘણી વખત તો જરૂર ન હોય તો પણ ઓનલાઈન રહેવાથી સરવાળે પર્યાવરણના ખાતે નુકસાન નોંધાય છે. વૃક્ષ કપાય કે નદી સુકાય કે પછી તડકો લાગે એ આપણને નજર સમક્ષ દેખાય કે અનુભવી શકાય છે. પરંતુ ડિજિટલ રિવોલ્યુશનને કારણે પેદા થયેલા આ ડખ્ખા અંગે હજુ સુધી બધા લોકો વાકેફ નથી.
દુનિયાભરની ડિજિટલ કંપનીઓ ડેટા (માહિતી-ફોટા-વિડીયો વગેરે..) સંગ્રહ કરવા માટે કદાવર સર્વરનો ઉપયોગ કરે છે. એ સર્વર ચોવીસેય કલાક ચાલુ રહેવા જોઈએ. એ માટે પુષ્કળ ઊર્જાની જરૂર પડે છે. કોઈ કંપનીને સર્વર પળવાર પણ બંધ થાય એ પોસાય નહીં. વળી સર્વર રૂમ એર કન્ડિશન્ડ હોવો જોઈએ. એક વ્યક્તિ રોજના ૨૦ ઈ-મેઈલ કરે તો વર્ષે તેના ઈ-મેઈલથી પેદા થતો કાર્બન એક હજાર કિલોમીટરની સફર વખતે પેદા થતા કાર્બન જેટલો હોય છે.
જોકે ડિજિટલ યુગથી નુકસાન જ થાય એવુ નથી. સામે પક્ષે કેટલાક પર્યાવરણને લાભ કરાવે એવા સંજોગો પણ સર્જાયા છે. જેમ કે ઓનલાઈન કામ વધારે થાય એટલે પ્રિન્ટ ઓછી નીકળે છે. વર્ષે લાખો કાગળ બચે છે અને તેના માટે કપાતા વૃક્ષો પણ બચે છે. એ રીતે ઓનલાઈન કામ થતું હોવાથી આમથી તેમ જવા-આવવાનું ઘટી જાય છે. તેમાં વેડફાતા કલાકો અને બળતણ બન્નેનો બચાવ થાય છે.
બીજી તરફ જે રીતે દુનિયા આગળ વધી રહી છે, એ જોતાં ડિજિટલ વપરાશ ઓછો થવાનો નથી. લોકો ઓનલાઈન રહેવાનું ઓછુ કરે અથવા ઈન્ટરનેટનો વપરાશ ઘટાડે એ શક્ય નથી. એમાં પણ સૌથી વધુ ઊર્જાનો વપરાશ ઓનલાઈન મ્યુઝિક સ્ટ્રિમિંગ વખતે થાય છે. ૨૦૦૦ની સાલમાં એકલા અમેરિકાની ઓનલાઈન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીએ ૧૫.૭ કરોડ કિલોગ્રામ કાર્બન પેદા કર્યો હતો. મ્યુઝિક સીડીનું ઉત્પાદન, ઓનલાઈન મ્યુઝિક સ્ટોરેજ વગેરેના કારણે ૨૦૧૬માં અમેરિકાની હવામાં ૨૦ કરોડ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઈડ ભળ્યો હતો.
ઈ-વેસ્ટ પછી હવે ડિજિટલ વેસ્ટની સ્થિતિ સર્જાઈ છે. ઘરમાં રહેલું રાઉટર ૧૦ કિલોવોટ જેટલી ઊર્જા વાપરી નાખે છે. તો અતી કદાવર ડેટા સેન્ટરનો વપરાશ ૧૦ કરોડ કિલોવોટ સુધી પહોંચે છે.એ રીતે કોઈ વ્યક્તિ રોજ ઈન્ટરનેટ પર ૩ વખત સર્ચ કરે એટલે કે એટલો સમય ઈન્ટરનેટ વાપરે, ઈન્ટરનેટ પર તેનું રિઝલ્ટ મળે તો છેવટે તેના કારણે વર્ષે ૧૦ કિલોગ્રામ જેટલો કાર્બન હવામાં ભળે છે. લાખો ટન કાર્બન જ્યારે ભળતો હોય ત્યારે આ આંકડો મામુલી લાગે, પરંતુ આખા જગતના વપરાશકારો એકઠા કરવામાં આવે તો પરિસ્થિતિ ગંભીર બને.
ડિજિટલ પર્યાવરણ પ્રદૂષણ રોકવા શું કરવું?
* ડોક્યુમેન્ટ મેઈલ કરતી વખતે ડોક્યુમેન્ટની સાઈઝ રિડયુસ કરી નાખવી.
* ફોટા, જોક, ઈમેજિસ વગેરેના નકામા મેઈલ આવે તો બીજાને ફોરવર્ડ ન કરવા.
* જો લિન્ક મોકલવાથી કામ થઈ જતું હોય તો મેઈલમાં ડોક્યુમેન્ટ એટેચ ન કરવા.
* જો વેબસાઈટનું એડ્રેસ ખબર હોય તો ગૂગલ સર્ચ કરવાને બદલે બારમાં સીધુ એડ્રેસ લખવું.
* બિનજરૂરી એપ, વેબની મુલાકાત બંધ કરવી, અન-ઈન્સ્ટોલ કરવા.
* રૂબરૂ કામ પતી જતું હોય ત્યાં ઈ-મેઈલ ટાળો
* જરૂર ન હોય ત્યારે કોઈ પણ ઉપકરણની પીન પ્લગમાં ભરાવેલી ન રાખવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.