આર્યુવેદ માં જણાવ્યા પ્રમાણે આ સંગીતના સુર ને સાંભળવાથી રોગો દૂર ભાગે છે, જાણો વધુ

આપણા શરીરની પ્રત્યેક ક્રિયા ઉપર મગજનું નિયંત્રણ છે અને તેના ઉપર આપણા મનનું નિયંત્રણ છે. એટલે શરીરની સ્વસ્થતા અને અસ્વસ્થતાનો આધાર માનસિક સ્વસ્થતા ઉપર જ હોય છે. આયુર્વેદમાં પણ પ્રજ્ઞાપરાધને રોગનું મૂળ કારણ બતાવાયું છે. એટલે રોગ પહેલાં મનમાં થાય છે અને પછી તનમાં થાય છે. આ વાતની પુષ્ટિ કરતાં કાર્લગુસ્તાવયુંગ નામના લેખક ‘એયોન’ નામના પુસ્તકમાં લખે છે કે મન સારાં અને ખરાબ સ્પંદનો પેદા કરતું હોય છે, અને આ જ વાત ફ્રિટજોફ કાપરા નામના સુપ્રસિદ્ધ ભૌતિક વૈજ્ઞાનિકે ‘ધ ટર્નિંગ પૉઇન્ટ’ નામના પુસ્તકમાં જણાવ્યું છે કે આપણા મન અને શરીરને હાનિકર્તા સ્પંદનોથી વિરુદ્ધ પ્રકારનાં સારાં સ્પંદનો દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારી શકાય છે. આયુર્વેદમાં પ્રાચીન કાળથી ગંધર્વ વેદની સહાયથી સ્વર ચિકિત્સા પ્રણાલીનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આયુર્વેદના પ્રણેતા ચરકઋષિએ સિદ્ધિસ્થાન નામના પુસ્તકમાં છઠ્ઠા પ્રકરણમાં સંગીતના ઔષધીય ઉપયોગનું વિસ્તૃત વર્ણન પણ કર્યું છે.

દેશી વાદ્યોનો ધ્વનિ આરોગ્યપ્રદ

સંગીત સ્વરામૃત નામના ગ્રંથમાં કહ્યું છે કે ધ્વનિ તરંગોની સીધી અસર આપણા વાત, પિત્ત અને કફ ઉપર થાય છે. અર્થાત્ ખૂબ મોટા અવાજના ધ્વનિ તરંગો રુક્ષ અને રૂખા હોય છે તે વાત, વાયુ પેદા કરે છે. ગંભીર અને ઘન તરંગો પિત્ત વધારે છે તો કોમળ, મૃદુ અને સ્નિગ્ધ ધ્વનિતરંગો કફ વધારે છે. ખૂબ મોટા એટલે કે ૧૦૦થી ૧૧૦ ડેસિમલ જેવી તીવ્રતાવાળા બૅન્ડ આદિના અને વેસ્ટર્ન મ્યુઝિકના ધ્વનિતરંગો સન્નીપાત પેદા કરી શકે તેવા જોખમી હોય છે. જ્યારે શરણાઈ અને દેશી વાદ્યો આદિના સૂરો દેવોને પણ પ્રિય હોય છે અને આરોગ્ય માટે અત્યંત અનુકૂળ હોય છે. ઊંચી કંપસંખ્યા ધરાવતા ધ્વનિતરંગો આપણા કાનમાં શૂળ ભોંકાતી હોય તેવો અનુભવ કરાવે છે. આવા વિકૃત સંગીતના જલસાઓમાં સ્પીકર પાસે તમે ઊભા રહો તો તમારા પેટમાં પણ હથોડા પડતા હોય તેવો અનુભવ થાય છે. જૈન દાર્શનિક માન્યતા પ્રમાણે આવા ધ્વનિતરંગોમાં ભાષાવર્ગણાના સમૂહની સંખ્યા ઘણી વધુ હોય છે.

પ્રભાવક સ્તોત્ર

શ્વેતામ્બર જૈન સંપ્રદાયના શ્રી નંદીષેણજીએ રચેલી અજિત-શાંતિની અંતિમ ગાથાઓમાં સ્તોત્રનો મહિમા દર્શાવતાં કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ સ્તોત્ર સવારે અને સાંજે એમ ઉભયકાળ બોલે અથવા સાંભળે તેને કોઈ પણ જાતના રોગો થતા નથી અને થયા હોય તો પણ તે દૂર થાય છે. બંધ અને અલંકારોથી સુબદ્ધ એવી તેની ૪૦ ગાથાઓમાં ૨૮ છંદના આધારે અસલ પદ્ધતિમાં તેનો ઉચ્ચાર કરવામાં આવે તો ધારી અસર આજે પણ નીપજાવી શકે છે. સાબરમતી, અમદાવાદમાં શ્રી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા ગુરુકુલમનાં બાળકોનું આવું સમૂહગાન અત્યંત કર્ણપ્રિય છે. ૨૦૦-૨૫૦ વર્ષો પહેલાં પૂ. આચાર્ય ભગવંત આનંદઘનસૂરિજી મહારાજ અમદાવાદના એક ઉપાશ્રયમાં આનું ગાન જ્યારે કરતા ત્યારે દેવીઓ આ ગાન સાંભળવા માટે હાજર થતી હતી.

બૈજુ બાવરાની જુગલબંદી

તાનસેને પોતાના ગુરુભાઈ બૈજુ બાવરાને શોધવા યોજેલી સંગીતસ્પર્ધામાં તોડી રાગ ગાઈને હરણના ટોળાને રાજાના ઉપવનમાં ઉપસ્થિત કરી દીધું, અને એક હરણના ગળામાં ફૂલની માળા પહેરાવી દીધી. ત્યારે એકમાત્ર તાનપૂરો લઈ આવેલા બૈજુ બાવરાએ મૃગરંજની રાગ ગાઈને જે મૃગલાના ગળામાં માળા હતી તે એક જ મૃગને આ રાગના આધારે પાછું રાજદરબારમાં ઉપસ્થિત કરાવી દીધું. બૈજુ બાવરાએ હવે માલકોશ રાગ ગાયો, જેનાથી સામેનો પથ્થર પીગળવા માંડ્યો અને કહ્યું કે હું મારો તાનપૂરો આમાં મૂકી દઈશ એટલે પથ્થર પાછો પોતાના મૂળ સ્વરૂપમાં આવી જશે, અને તાનસેનને કહ્યું કે તમારે મારો આ તાનપૂરો પાછો મેળવી આપવાનો. તાનસેને પોતાની હાર સ્વીકારી અને બૈજુ બાવરાના પગ પકડી લીધા હતા કે આજે મારા ગુરુભાઈની શોધ પૂર્ણ થઈ છે અને બન્ને એકબીજાને ભેટી પડ્યા હતાં. સારા સંગીતકારો માત્ર ભૈરવી રાગ ગાઈને શેરડીને પીલવાનું કોલું કે બળદની ઘાણી પણ માત્ર આ રાગ ગાવાથી ચક્રાકારે ફરવા લાગતી હતી. ઉનાળાના સમયે ગમે તેવાં ઉજ્જડ વનોમાં પણ શ્રી રાગ ગાવાથી હરિયાળી અને વનરાજી ફળફૂલોથી મઘમઘાયમાન થઈ જતી. તાજેતરમાં પણ હમણાં એક સંગીતકારે ધૂળિયો મેઘમલ્હાર રાગ ગાયો હતો અને ધૂળની ડમરી સાથે મેઘની ધારાઓ અનરાધાર વરસી પડી હતી.

ભક્તિ દ્વારા મુક્તિની પ્રાપ્તિ

નૃત્યકળાકર પ્રતિમા ગૌરીએ પણ લખ્યું છે કે ઓડિસી દ્વારા અમે જગન્નાથને પ્રસન્ન કરીએ છીએ, કથક દ્વારા કૃષ્ણની ભક્તિ કરીએ છીએ અને ભરતનાટuમ્ દ્વારા પ્રથમ નર્તક, નટ અને કળાકાર એવા શિવની આરાધના કરીએ છીએ. ભારતીય સંગીતનું અંતિમ ધ્યેય મોક્ષપદની પ્રાપ્તિ હોય છે. આ ભક્તિ ઝેરને પણ અમૃત કરી દેતી હોય છે. ભક્તિમાં વીણાવાદન કરતા રાવણની વીણાનો તાર તૂટી જતાં પોતાની નસ ખેંચીને તે વીણામાં લગાવીને ભક્તિ અખંડ રાખે છે અને તેના દ્વારા તે ર્તીથંકર નામકર્મ બાંધે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજા ફરમાવે છે કે જિનવર બિંબને પૂજતા હોય શતગણું પુણ્ય; સહસ્ત્રગણું ફળ ચંદને, જે લે એ તે ધન્ય. લાખ ગણું ફળ કુસુમની માળા પહેરાવે; અનંતગણું ફળ તેહથી, ગીતગાન કરાવે.

તંદુરસ્તી અને મનદુરસ્તી

આજની સ્ટ્રેસયુક્ત તનાવભરી જીવનશૈલી કૉમ્પિટિટિવ ઍટમોસ્ફિયરને કારણે માનવના મન અને પ્રજ્ઞા ઉપર ઘણું દબાણ રહેતું હોય છે. આયુર્વેદ પ્રજ્ઞાપરાધને જ રોગોનું મુખ્ય કારણ બતાવે છે. આવા સમયમાં આધુનિક રિસર્ચ દ્વારા સંગીતની ચિકિત્સાએ ઘણું કાઠું કાઢ્યું છે. તાજેતરમાં જ સંગીત અને જ્યોતિષના જાણકાર રમેશભાઈ કોઠારી દ્વારા એક સંગીતચિકિત્સાનો પ્રૅક્ટિકલ કાર્યક્રમ રજૂ થયો હતો, જેમાં હાઈ બ્લડપ્રેશર માપ્યા પછી માત્ર થોડા સમય માટે રાગ ભૂપાલી, શુદ્ધ કલ્યાણ અથવા આનંદ ભૈરવી સંભળાવીને પછી જ્યારે રોગીનું પ્રેશર માપવામાં આવ્યું તો અનેક લોકોની હાજરીમાં સારું એવું નીચું નોંધાયું હતું.

આડઅસર વગરની ચિકિત્સા

સંગીત આડઅસર વગરની એક અનુશાસિત શ્રેષ્ઠ ચિકિત્સા છે, કારણ કે તેના લયબદ્ધ સૂરો લોકોને મૃદુ અને ભાવમય બનાવે છે. સંગીતચિકિત્સા પર વિશ્વમાં ઘણું સંશોધન ચાલી રહ્યું છે, જેમાં સ્નાયુઓના મંડળને સક્રિય અને ગતિમાન કરવા દ્વારા શ્વાસોચ્છ્વાસની ક્રિયાને પણ સંતુલિત કરવામાં આવી રહી છે. આજના હાઈ-લો બ્લડપ્રેશરના રોગો, ડાયાબિટીઝ, માથાનો દુ:ખાવો, અનિદ્રા અને ડિપ્રેશન જેવા રોગોમાં તો તે તાત્કાલિક ફળ આપે છે, કારણ કે સંગીત સાંભળવા માત્રથી જ્ઞાનતંતુઓને ઊર્જા‍ પ્રદાન થાય છે, જેનાથી સ્ટ્રેસ, થાક અને ચીડિયાપણું બહુ અલ્પ સમયમાં દૂર થઈ શકે છે.

સંગીતચિકિત્સામાં વ્યક્તિના રોગો અને તેની રુચિ જાણ્યા પછી તે પોતે તે રાગ ગાય અથવા સાંભળે તો સ્વર, લય, માત્રા, બીટ્સ અને મધુર સ્વરના સંયોજનથી તાત્કાલિક ફાયદો થતો હોય છે. પ્રત્યેક રાગની અલગ-અલગ મનોવૈજ્ઞાનિક અસર તાત્કાલિક થતી હોય છે. બે ભ્રમરની વચ્ચે અને મસ્તિષ્કના મધ્યભાગમાંથી બે તીર અંદર લઈ જવામાં આવે તો બન્ને તીર જ્યાં મળે તે આજ્ઞાચક્ર માણસના જીવનના આધ્યાત્મિક ઉત્થાન માટે અને કલ્પના અને સકારાત્મક વૈચારિક ઓરાનું તે એપીસેન્ટર છે. સંગીત દ્વારા આ આજ્ઞાચક્રને બળ અને ઊર્જા‍ પ્રદાન કરી શકાય છે. સંગીત સાંભળતી વખતે જ્યારે આંખો બંધ થઈ જાય છે ત્યારે આજ્ઞાચક્ર જાગૃત થવાથી અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.

કયા સમયે કયો રાગ?

૮ પ્રહર અને ૬૦ ઘડીના બનેલા દિવસમાં અલગ-અલગ સમયે અલગ-અલગ રાગોની પ્રધાનતા છે, જેમ કે સવારે ૪ કલાકે બ્રાહ્મ મુહૂર્તમાં રાગ સોહની અને પરજ ગવાય છે.

૫થી ૬માં રાગ લલિત અને રાગ પઢિયારનું પ્રભુત્વ હોય છે.

સવારે ૬થી ૮ના સમયમાં રાગ ભૈરવી, રામકલી, જોગિયા અને પ્રભાત રાગ ગવાતો હોય છે. ૮થી૧૦ના સમયમાં રાગ ટોડી, આહિર ભૈરવ, આશાવરી અને બિલાક્ષતી તોડી ગવાતો હોય છે. ૧૦થી ૧૨ના સમયમાં ભૈરવી, જૌનપુરી, અહિલ્યા બિલાવલ, દેશકાર રાગ ગવાય છે.

બપોરે ૧૨થી ૨ના સમયમાં સારંગનાં બધાં વેરિયેશન્સ ગવાતાં હોય છે.

૨થી ૪માં ભીમકલ્યાણી અને મુલતાની રાગ ગવાતો હોય છે.

સાંજે ૪થી ૬ના સમયમાં રાગ પૂર્વી, શ્રીરાગ અને પટ્દીપ રાગ ગવાતો હોય છે.

રાત્રે ૮થી ૧૦માં કેદાર, જૈનેવંતી, દુર્ગા અને દેશ રાગ ગવાતો હોય છે.

જ્યારે રાત્રે ૧૦થી ૧૨ બિહાગ, બાગેશ્રી, ચંદ્રકૌંશ અને શંકરા રાગ ગવાતો હોય છે.

રાત્રે ૧૨થી ૨માં અડાના, સહાના, દરબારી અને માલકોશ રાગ ગવાતો હોય છે.

રોગીઓ પોતાને સૂચવવામાં આવેલો રાગ આ સમયચક્રને ધ્યાનમાં રાખીને સાંભળે તો નિશ્ચિત પ્રભાવ ઊભો થતો હોય છે, જેમ કફ, પિત્ત અને વાત દિવસ દરમ્યાન અનુક્રમે સવાર, બપોર અને સાંજના સમય સાથે અને ઋતુઓ સાથે જોડાયેલાં હોય છે તેમ સંગીતચિકિત્સામાં પણ સમયચક્ર અતિ મહત્વનું હોય છે.

કયા રોગો માટે કયો રાગ?

કસુંબીનો રંગ એ ગીત ભૈરવી રાગ પર આધારિત છે. તે સાંભળવાથી કફજનિત રોગો, જેમ કે અસ્થમા, ખાંસી, શ્વાસના રોગો કે નાક અને છાતી સંબંધિત સઘળા રોગોમાં ભૈરવી રાગ અત્યંત લાભકારી થાય છે. ભૈરવી રાગથી શેરડીને પીલવાનું કોલું અને બળદની ઘાણી પણ ચક્રાકારે ફરવા માંડે છે. ક્રોધ, ઉત્તેજના અને માનસિક અસ્થિરતામાં મલ્હાર રાગ સાંભળવાથી ચમત્કારિક ફાયદો થાય છે. ચાંપાનેરમાં હુમાયુએ કત્લેઆમનો આદેશ આપેલો ત્યારે બૈજુ બાવરાએ જૌનપુરી રાગ ગાઈને એવો કરુણાસર પ્રગટાવેલો કે હુમાયુનુ હૃદયપરિવર્તન થયેલું અને કત્લેઆમ પૂર્ણપણે અટકી ગયેલી. ઉનાળાના સમયમાં ગમે તેવાં ઉજ્જડ વનોમાં પણ શ્રી રાગ ગાવાથી હરિયાળી અને વનરાજી ફળફૂલોથી મઘમઘાયમાન થઈ જતી. તાજેતરમાં એક સંગીતકારે ધૂળિયો મેઘમલ્હાર રાગ ગાયો હતો અને ધૂળની ડમરી સાથે મેઘની ધારાઓ અનરાધાર વરસી પડી હતી.

હિંડોળ રાગ માત્ર હિંડોળાને નથી હલાવતો, પરંતુ લિવરને કાર્યરત કરવામાં અને સ્મૃતિ અને એકાગ્રતા માટે અત્યંત લાભદાયી છે. માત્ર આ રાગ ગાય તેને નહીં, પરંતુ જેઓ સાંભળે છે તેને પણ તેટલો જ લાભ થતો હોય છે. મંદિરોના ઘંટનાદ, શંખનાદ અને લયબદ્ધ જયનાદ ઓછા થયા છે, પણ તે પણ ચમત્કારિક લાભ આપતા હોય છે. લંડનના વિશ્વવિદ્યાલયમાં તાજેતરમાં શોધપત્ર દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે કે તુરહિ (બ્યુગલ)ના અને શંખનાદના અવાજના કંપનથી કેટલાય બૅક્ટેરિયા અને કીટાણુઓનો નાશ થાય છે. ડો. ડી. બ્રાઇન શિકાગોએ શંખના લયબદ્ધ અવાજથી કાનની બહેરાશના રોગોમાં ઘણો ફાયદો મેળવેલો છે.

ભારતમાં પણ પ્રાચીન કાળમાં સંગીતજ્ઞ શ્યામરાજાએ બિલહારી રાગ દ્વારા મૃતપ્રાય વ્યક્તિને જીવિત કરી હતી. અગર બંધુઓએ પટિયાલાના રાજકુમારને છ મહિના સુધી લલિત રાગ સંભળાવીને રોગમુક્ત કર્યો હતો. પંડિત ઓમકારનાથ ઠાકુરે મુસોલિનીનો અનિદ્રાનો રોગ સંગીત દ્વારા ગાયબ કર્યો હતો. રાગ આનંદ ભૈરવીથી બ્લડપ્રેશરના રોગીઓને, શંકરાયરણ રાગથી માનસિક રોગોમાં અને ચંદ્રકૌંશ અને બાગેશ્રી રાગથી ડાયાબિટીઝના રોગોમાં ચમત્કારિક ફાયદો જોવા મળે છે.

બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે તેને રાગ ભૈરવી, સોહની અથવા કલાવતી રોજ એકથી બે કલાક સંભળાવવો જોઈએ, અને બાળક ચાર મહિનાનું થાય પછી ઇન્સ્ટુમેન્ટ દ્વારા બાળકને દેશ રાગ સંભળાવવો જોઈએ તો કલ્પનાતીત ફાયદો થાય છે. બજારમાં તૈયાર રાગોની સીડી પણ મળતી હોય છે, જે નીચેના રોગોમાં અલગ-અલગ રાગો સાંભળવામાં આવે તો આજની આધુનિક આડઅસર પેદા કરનારી દવાઓના દોજખમાંથી દૂર રહેવું પડે છે.

ડિપ્રેશનમાં રાગ મધુવંતી અથવા રાગ બિહાગ; હાઈ બ્લડપ્રેશરમાં રાગ ભૂપાલી, શુદ્ધ કલ્યાણ અને આનંદ ભૈરવી; લો બ્લડપ્રેશરમાં રાગ પૂર્વી અને તોડી; હૃદયરોગમાં રાગ દરબારી, ભૈરવ, બહાર અને અડાના રાગ અત્યંત ઉપકારી છે, જે સંભવિત ઍન્જિયોપ્લાસ્ટી કે બાયપાસને પણ બાયપાસ કરી આપે છે. અસ્થામામાં રાગ કાફી, માલકોશ અને લલિત રાગ અત્યંત ઉપયોગી છે. માઇગ્રેન અને માથાના દુ:ખાવામાં દેશ, માંડ, જયજયવંતી, સોહની અને મોહનારા ઉપયોગી છે. બુદ્ધિમત્તા અને આઇક્યુ વધારવા માટે રાગ શિવરલીની અને હંસધ્વનિ રાગ ખૂબ ઉપયોગી છે. ચર્મરોગમાં રાગ દીપક અને મેઘમલ્હાર રાગ ચમત્કારિક ફાયદો આપે છે. પિત્ત અને વાતના દોષમાં એટલે કે ઍસિડિટી અને ગૅસ થાય ત્યારે રાગ દેશ અને રાગ તિલંગ ઉપકારી છે. શક્તિહીનતા વખતે રાગ ખમાજ અને દેશરાગ સાંભળવો જોઈએ. હાર્ટબીટ એટલે કે ધડકન વધી જાય તો રાગ ભૈરવી ઉપયોગી છે. રક્તલ્પતા એટલે કે ઍનિમિક કન્ડિશનમાં રાગ પીલુ અને જોગિયા બહુ ઉપકારી છે. એપિલેપ્સી એટલે કે વાયુનાં દર્દોમાં રાગ ધાની અને રાગ બિહાગ બહુ ઉપયોગી છે. પૅરૅલિસિસના દર્દીઓને માલકોશ રાગ સંભળાવવો જોઈએ. માનસિક તનાવ અને સ્ટ્રેસના રોગોમાં રાગ દરબારી અને ભૈરવી અત્યંત ઉપયોગી છે. અનિદ્રામાં રાગ સારંગ, સોહની અને કલાવતી ઉપયોગી છે. ક્ષયરોગ – ટીબીમાં રાગ લલિત અને રાગ મારવા ઉપયોગી છે. પાચનતંત્રના રોગોમાં રાગ ગુણકલી અને જૌનપુરી રાગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, જ્યારે ડાયાબિટીઝમાં રાગ બાગેશ્રી અને ચંદ્રકૌંશ ઇન્સ્યુલિનની ગરજ સારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: