ગુજરાત(Gujarat): હાલ મોટી સંખ્યામાં કચ્છ(Kutch) સહિત ગુજરાતના યાત્રિકો હરિદ્વાર(Haridwar) સહિત ચારધામની યાત્રાએ જઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન કચ્છથી હરિદ્વાર પહોંચેલા પરિવાર સાથે એક કરૂણ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર, નખત્રાણા(Nakhtrana) તાલુકાના લાખિયારવિરા(Lakhiyarvira)ના 19 વર્ષના યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદી(River ganga)માં ડૂબી જવાને કારણે મોત થતા ગામમાં માતમ છવાઈ ગયો છે. શનિવારના રોજ હરિદ્વારમાં ડૂબી ગયા પછી યુવકનો મૃતદેહ વ્યાપક શોધખોળના અંતે રવિવારે મળી આવ્યો હતો.
યુવકના મૃતદેહને સોમવારે લાખિયારવિરા લઇ આવ્યા પછી અંતિમક્રિયા વિધિ કરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, શનિવારના રોજ લાખિયારવિરાના કલ્પેશ નરશી ડુંગરાણી (ઉ.વ. 19) હરિદ્વારના સપ્તર્ષિ ગંગા ઘાટ પર સ્નાન કરવા માટે પહોંચ્યો હતો. યુવક પોતાના પરિવારજનો સહિત અન્ય યાત્રિકો સાથે હરિદ્વાર પહોંચ્યો હતો. આ દરમિયાન યુવકોના સમૂહમાંથી કલ્પેશ ગંગાના જોરદાર વહેણમાં વહી ગયો હતો. ગંગામાં ડૂબી ગયેલ કલ્પેશની શોધખોળ શરુ કરવામાં આવી હતી.
પોલીસને રવિવારના રોજ બપોર પછી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ પછી પરિવારજનોને આપી દેવામાં આવ્યો હતો. ગંગાના આ વિસ્તારમાં નદીની ઊંડાઈ ખુબ વધારે પડતી હતી. જેનો કલ્પેશ જરા પણ અંદાજો લગાવી શક્યો નહોતો અને તે ગંગાના જોરદાર પ્રવાહમાં તણાઇ ગયો અને ડૂબી ગયો હતો. રાત પડી જવાને કારણે યુવકનું સર્ચ ઓપરેશન કરી શકાયું ન હતું અને બીજા દિવસે તેની લાશ મળી આવી હતી.
લાખિયારવિરાના અગ્રણી આઇદાનભાઇ ગઢવીએ જણાવતા કહ્યું હતું કે, મૃતક કલ્પેશ ત્રણ બહેનોમાનો એકનો એક ભાઇ હતો. તે પોતાના મોસાળના પરિવારજનો સાથે હરિદ્વાર ફરવા માટે ગયો હતો. આ ઘટનાને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. યુવકની અંતિમક્રિયા સોમવારના રોજ ગામમાં પૂર્ણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.