‘ઘા વૃક્ષો પર નહીં, અમારા કાળજા પર કરાયા છે’- કપાયેલાં વૃક્ષોને જોઈને પર્યાવરણ પ્રેમીનું હૈયાફાટ રુદન, આજે સાંજે શોકસભા

સુરત(Surat): જો વાત કરવામાં આવે તો ગ્રીન આર્મી(Green Army Team surat)ના 300 યુવાનોની ટીમ આખું વર્ષ દરરોજ વહેલી સવારમાં 5થી 7 વાગ્યાના અરસામાં અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી રહ્યા છે. ફક્ત વૃક્ષો રોપવાનું જ નહીં પરંતુ તે વૃક્ષોને સતત જતન કરવાનું અને નિયમિત રીતે તેનો ખ્યાલ રાખવાનું કામ પણ ગ્રીન આર્મી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ મહેનતથી રોપવામાં આવેલા અને ઉછેરવામાં આવેલ આવા 11 વૃક્ષોનું કિરણ ચોક વિસ્તારમાં કોઈએ છેદન કરી નાખતાં માત્ર ગ્રીન આર્મીની ટીમ જ નહીં પરંતુ સામાન્ય જનતામાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે. મહત્વનું છે કે, યોગીચોક(Yogi Chowk) નજીક કિરણ ચોક(Kiran Chowk) ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા.

અમે તમને જણાવી દઈએ કે, વૃક્ષારોપણની શરૂઆત કરનાર ટીમના અગ્રણી તુલસી માંગુકિયા સહિતના સભ્ય વૃક્ષના છેદનને કારણે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. કોઈ મોટી દુર્ઘટના બની હોય અને પરિવારમાં અશુભ થયું હોય તેવું શોકનું મોજું ગ્રીન આર્મીના સભ્યોમાં અને સ્થાનીકોમાં ફરી વળ્યું હતું. વૃક્ષ છેદનનું કૃત્ય કરનારાઓ સામે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો તો બીજી તરફ લાગણીસભર વાતાવરણમાં 24મીને શનિવારના રોજ એટલે કે આજે રાત્રે 8.30 કલાકે એક શોકસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સરથાણાના PI વિરલ પટેલે જણાવતા કહ્યું હતું કે, આ ઘટનાને પગલે સ્થળ તપાસ કરવામાં આવી છે. વૃક્ષોના નિકંદન મામલે અરજી મળતા આ કૃત્ય કરનારાઓને ઝબ્બે કરવા નજીકના તમામ CCTV ફૂટેજની ચકાસણી પણ કરવામાં આવી છે.

આજે કિરણ ચોક ખાતે સાંજે શોકસભા:
દિલગીરી સાથે જણાવવાનું કે, સરથાણા વિસ્તારમાં કિરણ ચોક ખાતે અમે રોપેલા 11 વૃક્ષોની કાઈએ ‘નિર્મમ હત્યા’ કરી છે. આ અંગે શનિવારે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સમય : 24 ડિસેમ્બર રાત્રે 8:30, સ્થળ : યોગી ચોક ત્રિકોણ સર્કલ, લિ : તુલસી માંગુકિયા, ગ્રીન આર્મી.

ગ્રીન આર્મી ગ્રુપના અગ્રણી તુલસી માંગુકિયાએ કહ્યું હતું કે, કિરણ ચોક પાસે ત્રિકોણ સર્કલ ફરતેના વૃક્ષોને 3 વર્ષથી અમે દીકરાની જેમ મોટા કરી રહ્યા હતા. કોઈએ નિર્દયતાપૂર્વક 11 વૃક્ષોનું છેદન કરીને તેમાં એસિડ જેવું જ્વલંત પ્રવાહી પણ રેડ્યું હતું. આ ક્રુરતા માત્રથી કાળજું કંપી ઉઠે છે. કેમેરામાં દેખાતા 6થી 7 જણાએ આ કૃત્ય કેમ કર્યું હશે તેની તો અમને ખબર નથી. પણ આ ઘા વૃક્ષો પર નહીં, અમારા કાળજા પર કરાયા છે તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *