હજુ તો કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે આવેલ ડેપ્યુટી સીએમ નિતીન પટેલ ઉપર જુતુ ફેંકવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં તો કોંગ્રેસના ઉમેદવાર માટે સૂરતના બિલ્ડર પાસેથી રોકડા 25 લાખ રૂપિયા લઇને કારમાં વડોદરા તરફ જતાં બે શખ્સોને ભરુચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યાં છે. મંગળવારે ભરૂચ એલસીબીની ટીમ મુલદ ટોલ પ્લાઝા પાસે વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન સુરત તરફથી આવતી વડોદરા પાસિંગની એક કારને અટકાવી હતી. ભરૂચમાંથી ઝડપાયેલા 25 લાખ રૂપિયા કરજણના કોંગ્રેસ ઉમેદવારના હોવાની ઝડપાયેલા લોકોએ કબૂલાત કરી છે.
ભરૂચ નજીક મુલ્ડ ટોલ પ્લાઝા પાસે વાહન ચેકિંગ દરમિયાન ભરૂચ LCBએ મારૂતિ બ્રેઝા કાર રોકી હતી. આ કારમાંથી ગેરકાયદે 25 લાખ રૂપિયા સાથે 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલે કારમાં સવાર 2 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બન્નેએ જણાવ્યું કે, 25 લાખ રૂપિયા સુરતના જયંતિભાઇ સોહાગિયા પાસેથી લઇને કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને આપવા જઇ રહ્યા હતા. આ રૂપિયા જયંતિ સોહાગિયાએ કિરીટસિંહ જાડેજાને મોકલ્યા હતા.
કારમાં બેસેલાં બે શખ્સોની પુછપરછમાં ટીમને શંકા જતાં કારમાં તપાસ કરતાં રૂપિયા 25 લાખ ભરેલી એક થેલી મળી આવી હતી. ટીમે તેમની ઉલટ તપાસ કરતાં તેમણે પોતાના નામ દિપક દશરથસિંહ ચૌહાણ (રહે. ધનોરા, તા. કરજણ) તેમજ રવી લક્ષ્મણ મોકરિયા (રહે. અવધ સોસાયટી, વાસણા રોડ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. રૂપિયા અંગે ઘનિષ્ટ પુછપરછમાં તેઓએ સૂરતના જયંતિ સોહગીયા નામના શખ્સ રૂપિયા લાવ્યાં હતાં. આ રૂપિયા કરજણ પેટા ચૂંટણીના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવાના હતા તેવી કેફિયત કરી હતી. જ્યંતિ સોહગિયા સુરતના બિલ્ડર હોઇ શકે છે, તે અંગે તપાસ કરી રહ્યા છે તેવું ડીવાયએસપી એ.જી. ગોહિલે જણાવ્યું છે.
પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ
1) 25 લાખ રૂપિયા રોકડા
2) 3 મોબાઇ
3) 1 મારૂતિ બ્રેઝા કાર
કોણ છે આ ઝડપાયેલા લોકો?
પોલીસે રોકડ રૂપિયા અને કાર સાથે ઝડપાયેલા બન્ને લોકોની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, એક કરજણ તાલુકાના ધાનેરા ગામના રહેવાસી દિપકસિંહ ચૌહાણ અને વડોદરાના વાસણા રોડ પર આવેલી અવધ સોસાયટીમાં રહેતા રવીભાઇ મોકરીયા હતા.
આ નાણાં બેનામી હોવાની શંકાના આધારે હવે પોલીસે આ બન્ને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. તેની સાથે આવકવેરા વિભાગ, મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી અને વડોદરાના કલેક્ટરને આ અંગેની જાણ કરવામાં આવી હતી. આ રૂપિયા સુરતથી આવ્યા હોવાથી સુરત પોલીસને પણ જાણ કરાઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle