સુરતમાં વધુ એક બાળકી પર રેપ, પરપ્રાંતીય યુવાને શાલ ઓઢાડીને કર્યું દુષ્કર્મ

Published on: 4:20 am, Thu, 7 February 19

સુરતમાં વધુ એક બાળકી પર બળાત્કાર થયાની ફરિયાદ સામે આવી છે. આ વખતે 6 વર્ષની માસુમ બાળકી હેવાનિયતનો ભોગ બની છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે છ વર્ષીય બાળકીને મોબાઈલ ફોન બતાવવાના બહાને પોતાની પાસે બોલાવી પાડોશમાં રહેતા ૨૯ વર્ષીય અપરિણીત યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. બાળકીએ ઘરે પહોંચી પરિવારજનોને જાણ કરતાં તેમણે આજે સવારે યુવાનને ઠપકો આપવાના બહાને ઘરે બોલાવી પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની છ વર્ષીય બાળકી નિર્ભયા (નામ બદલ્યું છે) ને ગતરાત્રે પાડોશમાં રહેતા ૨૯ વર્ષીય અપરણીત યુવાન સંતોષ શ્રીરામ ગુપ્તાએ મોબાઇલ ફોન બતાવવાના બહાને ગેલેરીમાં બોલાવી હતી. સંતોષે ચાદર પાથરીને ખોળામાં બેસાડી હતી અને ત્યારબાદ ઠંડી લાગે છે તેમ કહી ધાબળામાં લપેટી દીધી હતી. અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. બાળકીએ ઘરે પહોંચીને સમગ્ર ઘટના અંગે તેની માતાને જાણ કરી હતી.

પીડિતા બાળકીની માતાએ મોડી રાત્રે નોકરીથી પરત આવેલા પતિને બનાવ અંગે જાણ કરતા તેમણે તે સમયે કોઇ કાર્યવાહી કરવાને બદલે આજે સવારે પાંડેસરા પોલીસનો સંપર્ક કર્યો હતો. અને પોલીસની સૂચના મુજબ પાડોશી સંતોષને ઠપકો આપવાના બહાને ઘરે બોલાવી પકડાવી દીધો હતો. પાંડેસરા પોલીસે સંતોષ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.