ભરૂચની યુવતી બની બોડી બિલ્ડર, ટૂંકા ગાળામાં મેળવી ઝળહળતી સફળતા- જુઓ તસ્વીરોમાં

Published on: 4:47 am, Thu, 7 February 19

બોડી બિલ્ડરનું નામ પડે એટલે તરત નજર સામે મજબુત બાંધો ધરાવતો અને શરીર સૌષ્ઠવ ધરાવતો પહેલવાન દેખાય. બોડી બિલ્ડર તરીકે મહિલાઓ હોય શકે તે માનવા હજુ આપણે તૈયાર જ નથી. આવા સમયમાં ભરૃચની એક યુવતીએ બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું મન બનાવ્યુ છે તેના પહેલા પડાવમાં જ આ યુવતીને સફળતા મળી છે. સામાન્ય પરિવારની આ યુવતીની ત્રણ વર્ષની મહેનત રંગ લાવી છે. બોડી બિલ્ડીંગની રાજયકક્ષાની સ્પર્ધામાં નવી વસાહત વિસ્તારમાં રહેતી પીનલ પરમારે બીજા ક્રમાંકે નંબર મેળવી આ ક્ષેત્રમાં આવવા ઈચ્છતી યુવતીઓ માટેના દરવાજા ખોલી આપ્યા છે.

૨૭ જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસીએશન ગુજરાત દ્વારા મેન ફીજીક/વુમન ફીજીક ચેમ્પીયનશીપનું આયોજન થયુ હતુ. જેમાં સૌ પ્રથમવાર ભરૃચની પીનલ પરમારે બાજી મારી હતી. તે બીજા ક્રમાંકે વિજેતા બની છે. આખા ગુજરાતમાં બીજો ક્રમાકં મેળવી તેણે ભરૃચ જિલ્લાનું અને તેના પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

પીનલ પરમાર સાથે આ અંગે વાત કરતા તેણે કહ્યુ કે ગુજરાતની છોકરીઓ આ ક્ષેત્રથી દુર રહે છે તેઓ આ ક્ષેત્રને પસંદ નથી કરતી. કેટલીક છોકરીઓ આવવા માંગે છે પરંતુ લોકો શું કહેશે ? સફળ થવાશે કે કેમ ? પરિવાર સપોર્ટ કરશે કે નહી ? તેવા બધા સવાલોથી ડર અનુભવે છે. પરતુ તેઓ પણ આમ કેરિયર બનાવી શકે છે. વિશેષ મુલાકાતમાં પિનલ પરમારે જણાવ્યું કે પહેલાં તો હું મારા માતા પિતાનો આભાર માનું છું કે, જેમણે મારા ઉપર વીશ્વાસ મુકી મને બહાર નોકરી તેમજ આ ફિલ્ડમાં જવા પ્રોત્સાહિત કરી છે.

વધુમાં તેણે જણાવ્યું કે તે સવારના ૪ વાગ્યાથી ઉઠી અને ઘરના તમામ કામ જેવા કે, કચરા, પોતું, કપડા, વાસણ, રસોઇ જાતે બનાવી નોકરી કરવા સાથે બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં અથાગ મહેનત કરે છે, એટલું જ નહીં પણ દરેક યુવાન છોકરીઓને ગમે તે તકલીફ હોય પોતાના ધ્યેયને વળગી ગોલ એચીવ કરવા જો મહેનત કરે તો કશું જ અશક્ય નથી તેમ જણાવવા સાથે વાલીઓને પણ પોતાની દિકરીઓને પ્રોત્સાહન આપી બહાર ભણવા કે જોબ ઉપર જવા દઈ તેની જિંદગી જીવવા દેવા અનુરોધ પણ કર્યો હતો.

મુલાકાત દરમિયાન પિનલ પરમારે આગામી દિવસોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ નેશનલ લેવલે કરી ગુજરાતનું નામ રોશન કરવાની મહેચ્છા પણ દર્શાવી હતી.