ગાયોની રક્ષા અને નિભાવ માટે ઉત્તરપ્રદેશની યોગી સરકાર હવે ગૌરક્ષા માટે લોકો પાસેથી એક નવા પ્રકારનો ટેક્સ વસૂલ કરવાની તૈયારી કરી રહી છે. પ્રદેશ સરકારે ગૌ કલ્યાણ નામની એક નવી યોજના શરુ કરી છે જેના હેઠળ હવે લોકોને 0.5 ટકા વધુ સેસ આપવો પડશે. આ ટેક્સ દારૂ, ટોલ પ્લાઝા અને સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી વસૂલ કરવામાં આવશે. આ ટેક્સ ઘ્વારા જે પૈસા ભેગા થશે તેનાથી આખા રાજ્યમાં ગાયો માટે શેલ્ટર હોમ બનાવવામાં આવશે.
યુપી સરકારે આ નીતિને મંગળવારે ગ્રીન સિગ્નલ આપ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ એવી ઘટના સામે આવી હતી, જેમાં આવારા ગાયોને સ્કૂલ અને પોલીસ સ્ટેશનની અંદર બંધ કરી દેવામાં આવી હતી. લોકો આવારા ગાયોને કારણે ઘણી મુસીબત વેઠી રહ્યા છે જેને કારણે પરેશાન લોકોએ ગાયોને અહીં બંધ કરી દીધી હતી.
આપને જણાવી દઈએ કે આખા પ્રદેશમાં ગૌહત્યા અને ગૌમાંસ પર પ્રતિબંધ છે. ગ્રામીણ વિસ્તારમાં આવારા પશુઓને કારણે ખેડૂતોને ઘણું નુકશાન વેઠવું પડી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ જે રીતે રસ્તા પર આવારા પશુઓનો જમાવડો લાગે છે તેને કારણે ઘણી રોડ દુર્ઘટના પણ સર્જાય છે.
આ નવા ટેક્સ પછી પ્રદેશમાં દારૂના ભાવ વધવાની સંભાવના છે. પરંતુ હજુ સુધી આ બાબત પર નિર્ણય લેવાનો છે કે આખરે કયા ઉત્પાદનો પર કેટલો ટેક્સ લગાવવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ટેક્સ આવતા અઠવાડીયાથી લેવામાં આવશે. એક્સસાઈઝ મંત્રી જય પ્રતાપ સિંહ દારૂ પર લગતા નવા ટેક્સના વિરોધમાં છે કારણકે તેનાથી અવૈધ દારૂના વેચાણમાં વધારો થશે.
આ નીતિ હેઠળ ગાયો માટે શેલ્ટર હોમ દરેક ગામમાં બનાવવામાં આવશે. દરેક જિલ્લામાં 1000 આવારા પશુઓને રાખવાની ક્ષમતા હશે. પ્રદેશના પશુ પાલન વિભાગનું કહેવું છે કે શેલ્ટર હોમ નિર્માણનું ફંડ મનરેગા, વિધાયક અને સાંસદોના ફંડમાંથી કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે શેલ્ટર હોમ પછી પણ જે લોકો પોતાના પશુઓને આવારા છોડી દેશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમના પર દંડ પણ લગાવી શકાય છે.