બોટ કિનારા નજીક હતી, બાળકો હર્ષોલ્લાસ સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યાં હતાં ત્યાં જ…મેં મારી દીકરીને મરવા માટે શું કામ મોકલી?- ઋત્વી શાહની માતા

Vadodara Boat Accident: વડોદરા શહેરમાં 19 જાન્યુઆરી, 2024નો ગોઝારો ગુરૂવાર લોકોના માનસપટલ પર હંમેશા રહેશે. શહેરની ન્યૂ સનરાઇઝ સ્કૂલના નાના બાળકો હરણી લેક (Harni lake) ખાતે પ્રવાસમાં ગયા હતા. આ દરમિયાન શાળા સ્ટાફ દ્વારા આ બાળકોને હરણી લેકમાં બોટિંગ કરવા લઇ જવાયા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકથી ભરેલી બોટ કડકડતી ઠંડીમાં તળાવમાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના(Vadodara Boat Accident) બાદ મૃતકોના પરિવારના આંસુ બંધ નથી થઇ રહ્યા. પરિવાર પોતાના બાળકોની અનેક વાતો યાદ કરી રહ્યા છે.

“મેં મારી દીકરીને મરવા માટે શું કામ મોકલી?”
આ દુર્ઘટનામાં મૃતક ઋત્વી શાહની માતાને જ્યારે આની જાણ થઇ ત્યારે તેના પગ નીચેથી જાણે જમીન ખસી ગઇ હતી. આ પરિવારને જાણ થતા તેઓ જ્યારે એસએસજી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે માતા તો ભારે હૈયે રડી પડી હતી. રડતાં રડતાં તેમણે પૌતાની હૈયાવરાળ કાઢતા કહ્યુ હતુ કે, દીકરીને પિકનિક પર જવાની ના જ પાડી હતી પરંતુ છેલ્લી ઘડીએ મારી દીકરીને મેં મોકલી અને એને ગુમાવી દીધી.

પરિવારજનોએ શાળા અને બોટ સંચાલકો પર બેદરકારીના ગંભીર આરોપ લગાવ્યા
ગુજરાતમાં આવી દુર્ઘટના પહેલી નથી, એક યા બીજી બેદરકારીને કારણે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યાની ઘટના પણ પહેલી નથી પણ અત્યંત દુખ છે, આજે વડોદરા સહિત ગુજરાત સમગ્ર ગુજરાત આ દૂર્ઘટનાથી વિચલિત છે. વિદ્યાર્થીઓનો આંકડો માત્ર એ વ્હાલસોયાના મા-બાપને જ નહીં પણ આખા રાજ્યને રડાવવા માટે પૂરતો છે. વડોદરાના હરણી લેક દૂર્ઘટનામાં ઋત્વિ શાહ નામની બાળકીનું મૃત્યુ થયું છે. મૃતક ઋત્વિ શાહના પરિવારજનો મૃતદેહ લેવા પોસ્ટમોર્ટમ રૂમ પહોંચ્યા હતાં. જે દરમિયાન પરિવારજનોએ શાળા અને બોટ સંચાલકો પર બેદરકારીના ગંભીર આરોપ લગાવ્યા છે.

‘આવી ઘણી તપાસો ચાલી રહી છે તે દુનિયા જાણે છે’
મૃતકના મામાએ કહ્યું કે, આ મોટી બેદરકારી છે જેના કારણે અમારે અહીં આવવાનો વારો આવ્યો છે. કોઈ જગ્યાએ કંઈ પમ સેફ્ટીનો ધ્યાન રાખવામાં આવ્યું નથી. મન ફાવે તેમ પ્રવાસો કર્યા અને છોકરાઓને લઈ ગયા. DEOની પણ મંજૂરી લેવામાં આવી નથી. આમાં સ્કૂલ સંચાલક અને બોટ સંચાલક બંન્નેની બેદરકારી છે. જો લાઈફ જેકેટ પહેરાવ્યું હોત તો આજે એક પણ છોકરો મરણ પથારીએ ન હોત. વધુમાં ઉમેર્યું કે, આવી ઘણી તપાસો ચાલી રહી છે તે દુનિયા જાણે છે. આ બાબતે પણ શુ તપાસ થશે તે પણ ભગવાનના હાથમાં જ છે.

દરેક લોકોના મનમાં સળગતા સવાલ
કમાવવાની લાલચમાં ક્યાં સુધી લોકોના જીવ જતા રહેશે ?
બોટની કેપેસિટી 17 લોકોની હતી તો 30 લોકો કેમ ભરવામાં આવ્યા ?
કમાવવાની લ્હાયમાં 17 માસૂમોના મોતના જવાબદારોને સજા ક્યારે ?
ખાણીપીણીનો સ્ટોલ ચલાવતા વ્યક્તિને બોટ ઓપરેટ કરવાની મંજૂરી કોણે આપી ?
શાળા દ્વારા પણ બાળકોની સુરક્ષા વિશે કેમ ન વિચારવામાં આવ્યું ?
રાઈડ દરમિયાન બાળકોને લાઈફ જેકેટ કેમ ન પહેરાવાયા ?

સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હરણી લેક ઝોન પર પ્રવેશતા સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાઇ રહ્યુ છે કે, વિધાર્થીઓ હરણી લેક ઝોનમાં એક લાઇન બનાવીને પ્રવેશ કરી રહ્યા છે. આ ભૂલકાઓ સાથે તેમના શિક્ષકો પણ દેખાઇ રહ્યા છે. આ ભૂલકાઓ એક લાઇનમાં ઘણી શિસ્તબદ્ધ રીતે લેકમાં પ્રવેશ મેળવી રહ્યા છે.બિચારા બાળકોને મનમાં કેટલો આનંદ છે.શું તેને ખબર હશે કે આ કાળમુખા પ્રશાશનના કારણે હવે અમને આ રંગીન દુનિયા જોવા નહીં મળે?શું એમને ખબર હશે કે હવે અમે ફરીથી ક્યારેય અમારા માતાપિતાના ચહેરાને નહિ જોઈ શકીએ?

વ્હાલસોયાના જવાથી આઘાતમાં સરી પડ્યા માબાપ
કેટલાય માતાપિતાને મનમાં થતું હશે કે એમનું બાળક ઘરે ક્યારે આવે અને ક્યારે તે પુરા દિવસની તેની પાસે માહિતી મેળવે?[પરંતુ તેમને ક્યાં ખબર જ હતી કે હવે તેના વ્હાલસોયા હવે તેને ક્યારેય જોવા નહિ મળે,બસ છેલ્લી વખત ઘરેથી નીકળ્યા ત્યારે તેમને આખરી ‘ગુડબાય’ કરી પોતાની માતાનો પાલવ અને પિતાની છત્રછાયા છોડીને જય રહ્યા છે.

આંધળા તંત્રને તબેલામાંથી ઘોડા છૂટે પછી જ તાળા મારવાનું દેખાઈ છે
જવાબદાર વ્યક્તિ સામે દર વખતની જેમ આ વખતે પણ ગુનો દાખલ કરવાનો ડોળ કરવામાં આવી રહ્યો છે,પરંતુ અહીંયા સવાલ એ છે કે, શું ગુનો દાખલ કરવાનો ડોળ,ખોટા આશ્વાશન આપવાથી જે માતાની આખો હાલમાં ભીની છે એ સુકાઈ જશે? સૌ કોઈ જાણે જ છે કે દર વખતની જેમ આ વખતે પણ જવાબદાર કાળમુખા સમક્ષ કોઈ પગલાં લેવામાં આવશે નહિ.પરંતુ આ ઘટના જેને પોતાના વ્હાલસોયા ખોયા છે તેને આ દિવસ આખી જિંદગી યાદ રહેશે.બાકી ગુજરાતમાં તો આવી ઘટના અવાર નવાર આવ્યા કરે છે અને આવી ઘટના થયા બાદ જ તંત્રની આંખ ખુલે છે.