નજીવી કિંમત માટે મા-બાપ વગરની સગીરાનો કરાયો સોદો, પોતાના જ સબંધીઓએ વેચી દીધી

હાલમાં યાત્રાધામ ચાણોદમાં એક આંખ ઉઘાડનારો અને ચોંકાવનારો કિસ્સો સામે આવતા હોબાળો મચી જવા પામ્યો છે. રૂપિયાની લાલચે 15 વર્ષની પ્રીતિ નામની સગીરાનો 60 હજારમાં સોદો કરાવ્યો અને ફૂલહાર કરાવનાર ભેજાબાજ ત્રિપુટી સહિત સગીરા સાથે ફુલહાર કરનાર જમાઈને ઝડપી પાડી ચાંદોદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રીતિના માતાપિતાનું અવસાન થયા બાદ તે ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદના ખંડેરાવ ફળિયામાં પાલક દાદાને ત્યાં રહેતી હતી. 15 વર્ષની નિરાધાર સગીરાનો ત્રવાડી ટેકરા વિસ્તારમાં રહેતી ચકુબેન સાથે ઘર જેવો વ્યવહાર હતો. સગીરાની અવાર-નવાર તેમના ઘરે અવરજવર રહેતી હતી. જેથી તેમની વચ્ચે માતાપુત્રી જેવો સંબંધ કેળવાયો હતો.

પરંતુ પ્રીતિ વિશે ચકુના મનમાં કંઈક અલગ જ તૂક્કો અને રમત ચાલી રહી હતી. રાતોરાત પૈસાદાર થવાની લાલચમાં આંધળી બની ચૂકેલી ચકુએ ચાણોદના માધવાનંદ આશ્રમના ગેટ સામે રહેતી રેશમા તેમજ સિસોદરા તા. નાંદોદ ખાતે રહેતા રેશમાના મામા હિદાયતભાઈ મહેબૂબભાઈ સોલંકી સાથે મળીને પુત્રી સમાન પ્રીતિનો સોદો કરવામાં આવ્યો હતો.

આ ત્રિપુટીએ સગીર પ્રીતિને વાતોની જાળમાં ફસાવીને પટાવી લીધી હતી અને સારા યુવક સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપી હતી. સિસોદરા ગામના અલ્પેશ રમેશભાઈ વસાવા સાથે 60 હજારમાં સોદો કરી તેની સાથે 9 માર્ચના રોજ પ્રીતિના ફૂલહાર કરાવી દીધા હતા.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, પ્રીતિના એક કાકા પણ છે. તેના કાકા કનુભાઈ માછી વિદ્યાનગરમાં રહીને મજૂરી કામ કરે છે. 27 માર્ચના રોજ સિસોદરા ગામે રહેતા સનતભાઈ કંચનભાઈ પટેલે સગીરાના કાકાને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારી ભત્રીજી અમારા ગામના વેરાઈ ફળીયા વિસ્તારમાં અલ્પેશ રમેશભાઈ વસાવાને ત્યાં રહે છે.

આ જાણ થતા જ પ્રીતિના કાકા કનુભાઈ તેમજ પાલક દાદા, નાનો ભાઈ અને અન્ય સંબંધીઓ સિસોદરા પહોચી ગયા હતા. જ્યાં પ્રીતિનો સંપર્ક કરી હકીકત પૂછતા ચકુ ત્યાં આવી હતી. અને તેણે ‘અલ્પેશ સારો છોકરો છે તને કપડાં ઘરેણાં લઈ આપશે, ખૂબ ખુશ રાખશે’ તેવું ભોળવી ફુલહાર કરાવી દીધા હતા.

જેથી સગીરાના કાકાએ ભત્રીજીને ઘરે લઈ જવાની વાત કરી હતી. ત્યારે અલ્પેશ વસાવા દ્વારા પ્રીતિ સાથે ફુલહાર કરવા માટે ચકુ, રેશમા અને હિદાયતને 60 હજાર આપ્યા હોવાનું બહાર પડ્યું હતું. આમ આ સમગ્ર કૌભાંડનો ખ્યાલ આવી જતાં સગીરા પ્રીતિના કાકા કનુભાઈ હરગોવિંદભાઈ માછી દ્વારા ચાંદોદ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ચાણોદ પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં જ ચકુ રમેશ માછી, રેશ્મા જાનુદિન પઠાણ, હિદાયત મહેબુબભાઈ સોલંકી અને અલ્પેશ રમેશ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. તમામ વિરુદ્ધ ઇ.પી.કો કલમ 363, 366, 370(1), 370(4), 114  મુજબનો ગુનો નોંધી આરોપીઓને કસ્ટડી ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ દરમિયાન, આ ત્રિપુટી આવી અન્ય કોઇ ગુનાહીત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલી છે કે કેમ તેની વધુ તલસ્પર્શી તપાસ કરજણ સીપીઆઇ કે.એમ સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે લાગણીસભર માનવીય સંબંધોને અભડાવતો અને સમાજને સાવધાન રહેવાનો સંદેશ આપતો ચોંકાવનારો આ કિસ્સો ચાણોદ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *