સાઈકલ ચોરી કરવા ચોરે એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસ પણ ગોટે ચડી

હાલ વધી રહેલી ચોરીની ઘટના દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પોલીસને એક અજીબ ચોર નજરે ચડ્યો છે. જે માત્ર સાઇકલની જ ચોરી કરતો હતો. આ સાયકલ ચોર પાસેથી સેલવાસ પોલીસ દ્વારા મોંઘી બ્રાન્ડની વિવિધ 18 સાયકલો કબજે કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, આરોપી સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલના પાર્કિંગમાંથી જ સાઇકલ ચોરી કરતો હતો અને સસ્તામાં વેચી દેતો હતો. આમ આ સાયકલ ચોરીનો શોખીન ચોર આખરે સેલવાસ પોલીસના હાથ લાગી ગયો છે. અને પોલીસ દ્વારા સાઇકલ ચોરીના એક પછી એક 18 ગુનાઓના ભેદ ઉકેલવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં સાયકલ ચોરીના ગુનાઓ વધી રહ્યા હતા. જોકે, મોંઘીદાટ ગાડીઓ કે બાઈક નહીં પરંતુ સાયકલોની જ ચોરી થતી હોવાને કારણે લોકો સાયકલ ચોરીની ફરિયાદ દાખલ કરવા પોલીસ સુધી પહોંચતા ન હતા.

લોકની આ જ માનસિકતાનો લાભ લઇને સેલવાસના મારવાડી ચાલમાં રહેતા સંદીપ ગુપ્તા નામના 35 વર્ષિય યુવકે સાઇકલ ચોરીનો ધંધો શરૂ કર્યો. જાણવા મળ્યું છે કે, તે માત્ર સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલના પાર્કિંગ અને આસપાસના વિસ્તારમાં જ પાર્ક થતી મોંઘી બ્રાન્ડની જ સાયકલની ચોરી કરતો હતો.

હોસ્પિટલમાં દાખલ દર્દીના સ્વજનો જેઓ સાઇકલ લઈને પોતાના સ્વજનને મળવા આવતા હતા. તે તેવા લોકોની જ સાયકલોને નિશાન બનાવતો હતો. સાયકલ ચોરી કરી તે ક્ષણવારમાં ત્યાંથી ફરાર થઈ જતો હતો. સાયકલ ચોરી કર્યા બાદ તે સેલવાસના વિવિધ વિસ્તારોમાં જતો હતો.

પોતાને વતન જવું છે અને પૈસાની ખાસ જરૂર છે અથવા પોતાના કોઈ સ્વજનને કોરોના થયો છે અને પૈસાની ખાસ જરૂરીયાત છે. જેને કારણે સાઇકલ વેચી રહ્યો હોવાનું બહાનું બતાવી લોકોને ભોળવી લેતો. અને ચોરીની સાયકલો વેચી નાખતો હતો. આ દરમિયાન એક વ્યક્તિની સાઇકલ ચોરાતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

આથી સેલવાસ પોલીસ દ્વારા સાયકલ ચોરને પકડવા એક ટીમની રચના કરવામાં આવી હતી અને ગણતરીના દિવસોમાં જ આ સાયકલ ચોર ઝડપાઈ ગયો હતો. આગવી ઢબે પૂછપરછમાં પોલીસ દ્વારા તેની પાસેથી વિવિધ મોંઘી બ્રાન્ડની 18 સાયકલ કબ્જે કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંદીપ ગુપ્તા કોઈ કામ ધંધો કરતો ન હતો અને માત્ર સાયકલની જ ચોરી કરતો હતો.

સામાન્ય રીતે મોટા વાહનો કે બાઈક અથવા અન્ય વાહનોની ચોરીની ફરિયાદો પોલીસ સ્ટેશન સુધી પહોચતી હોય છે. જોકે, માત્ર સામાન્ય સાયકલની ચોરીની જ ફરિયાદ કરવા લોકો પોલીસના ચક્કરમાં ના પડવાને કારણે સાયકલ ચોરી ના મામલા મોટે ભાગે પોલીસ સ્ટેશન સુધી લઈ જતા નથી. આવી જ માનસિકતાને કારણે આ સાયકલ ચોરે માત્ર સાયકલ ચોરી કરવાની શરૂઆત કરી.

તે પણ મોંઘી બ્રાન્ડની જેની કિંમત બજારમાં 4 હજારથી લઈને 13 હજાર સુધી હોય છે. સાયકલ ચોરી કર્યા બાદ પોતાને મજબૂરીમાં સાયકલ વેચવી પડી રહી છે તેવું બહાનું બતાવીને લોકોને સાયકલ વેચી દેતો હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ દ્વારા આરોપી સંદીપ ગુપ્તાની ધરપકડ કરી તેના ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *