ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટીમાં(AAP)થી રાજીનામું આપનારા લોક ગાયક વિજય સુવાળા(Vijay Suvala) અને સમાજ સેવક તથા ઉદ્યોગપતિ મહેશ સવાણી(Mahesh Savani)ના પાર્ટી છોડવાને લઈને આજ રોજ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી(Isudan Gadhvi) બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ કરી આ અંગે ખુલાસો કરશે. આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ અને હોદ્દાઓ પગલે થયેલી નારાજગીમાં પાર્ટી છોડતા હોવાની ચર્ચા કાર્યકતાઓમાં ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં હજી કેટલાય નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પાર્ટી છોડે તેવી પૂરેપૂરી શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે.
હું આપમાં નથી પરંતુ આપ મારામાં છેઃ આપ નેતા ઈસુદાન ગઢવી
રાજીનામાઓનાં દોર વચ્ચે ઇસુદાન ગઢવીએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, હું આપમાં નથી પરંતુ આપ મારામાં રહેલું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, આજે પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે મોટા ખુલાસાઓ કરવામાં આવશે. આ ઉપરાંત જે પણ નેતાઓ આમ આદમી પાર્ટી છોડીને ગયા છે તે પક્ષમાં અસંતોષ હોવાનાં કારણે નથી ગયા પરંતુ પોતાની અંગત તકલીફો અને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને રાખીને જ તેઓ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાજીનામા બાદ કાર્યકર્તાઓ પણ હતોત્સાહ થઇ ચુક્યાં હોય તેવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આમ આદમી પાસે પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીની જોડી સિવાય કોઇ રહ્યું નથી.
વિજય સુવાળાએ ધારણ કર્યો કેસરિયો:
વિજય સુવાળા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માટે સમર્થકો સાથે કમલમ પહોચી ગયા હતા. ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળાએ કહ્યું હતું કે, હું મારા ઘરે પાછો ફર્યો છું. આજનો દિવસ મારા માટે ખૂબ અમૂલ્ય છે. મારો પરિવાર ત્રણ પેઢીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. રાતનો ભૂલ્યો દિવસે ઘરે પાછો આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. સંગઠન વિના કંઈ થઈ શકતું નથી અને ભારતીય જનતા પાર્ટી જેવું સંગઠન મેં ક્યાંય જોયું નથી. હું વચન આપું છું કે હું તન મન ધનથી ભાજપ સાથે રહી લોકોની સેવા કરતો રહીશ.
ભાજપમાં જોડાવવા અંગે મહેશ સવાણીનું સૌથી મોટું નિવેદન:
મહેશ સવાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ તે અંગે સવાલ પૂછતા તેમણે ભાજપમાં જોડાશે તેવી વાતને તેમણે નકારી નહોતી અને કહ્યું હતું કે, તેમણે જ્યાં સેવા કરવાનો મોકો મળશે ત્યાં જોડાઇશ તેવું ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવાને લઇને મહેશ સવાણીએ કહ્યું કે, જે સેવા કરતા ઈચ્છતા હશે તેમની સાથે આગામી સમયમાં જોડાઇશ. મને કોઈ પણ પ્રકારના હોદ્દાનો કોઇ મોહ નથી. મને મંત્રી થવાનો પણ કોઈ પણ પ્રકારનો મોહ નથી અને મારે કોઇની પણ સાથે વાદ વિવાદ નથી.
મને કોઈનું ડર કે દબાણ નથી. હું રાજીખુશીથી આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું. મેં છેલ્લા ત્રણ ચાર દિવસથી મનોમંથન કર્યું. મેં ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પ્રકારની બેઠક કે મિટિંગ નથી કરી અને કોઇને પાડી દેવા તેવી ભાવના મારામાં નથી. કોઇના વિશે ખરાબ બોલવું તે મને યોગ્ય લાગતું નથી. તમામે મને સમજાવ્યા અને કહ્યું કે તમે રાજનીતિના માણસ નથી તમે ખોટી જગ્યાએ આવી ગયા છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.