જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના સુરક્ષા સલાહકાર કે.વિજયકુમાર આગામી સમયમાં કેન્દ્રશાસિત કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બને તેવી અટકળો વહેતી થઈ છે.
અત્યારે વિજયકુમાર કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સુરક્ષા સલાહકાર છે. ઉપરાંત તેઓ અજિત દોવાલની ખાસ ટીમમાં સ્થાન ધરાવે છે. કાશ્મીરની સુરક્ષા સ્થિતિ અત્યારે મહદ અંશે તેમના હાથમાં છે. કાશ્મીરમાંથી કલમ-370 હટાવતા પૂર્વે સુરક્ષાની પૂરી જવાબદારી તેમને સોંપવામાં આવી હતી.
કાશ્મીરની સ્થિતિ પર દેખરેખ રાખવા માટે જ જૂન-2018માં તેમની ત્યાં નિમણુંક થઈ હતી. જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બને પછી ત્યાં રાજ્યપાલને બદલે ઉપ-રાજ્યપાલની નિમણુંક થશે.
તેમાં અત્યારથી જ કે.વિજયકુમારનું નામ આગળ આવ્યું છે. કાશ્મીરની મુલાકાતે ગયેલા દોવાલ પણ વિજયકુમારને મળ્યાં હતા.
વિજયકુમાર તમિલનાડુના આઈપીએસ અધિકારી છે. 2004માં ચંદનચોર વિરપ્પનને ખતમ કરનારા ઓપરેશનના વડા તેઓ હતા. નક્સલવાદ અને આંતરીક અશાંતિ જેવી બાબતોમાં તેમની આવડત વિશેષ છે. 1975માં આઈપીએસ સેવામાં જોડાનારા વિજયકુમાર 2012માં નિવૃત્ત થયા હતા. અગાઉ તેઓ કેન્દ્રિય ગૃહ મંત્રાલયમાં સલાહકાર પણ રહી ચૂક્યા છે.