પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે પુલવામા આતંકી હુમલાના સમય અંગે પ્રશ્ન કરતા જાણવા માગ્યું કે લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે શું સરકાર યુદ્ધ કરવા માગે છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે આતંકી હુમલાની આડમાં ભાજપ અને સંઘ પરિવાર સાંપ્રદાયિક તણાવ વધારવા માગે છે.
ગુપ્તચર માહિતી હતી તો અટકાવવા કેમ કોઈ પગલાં ભર્યા નહીં
લોકસભાની ચૂંટણી સામે છે ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી કરાઈ રહી છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી રાજકીય નિવેદનબાજી કરી રહ્યા છે. 8 ફેબ્રુઆરીએ ગુપ્તચર માહિતી હતી તો તેને અટકાવવા માટે કેમ કોઈ પગલાં ભર્યા નહીં. 2500થી વધુ જવાનોના 78 વાહનોના કાફલાને એક સાથે જવાની મંજૂરી કેમ આપવામાં આવી.
કાશ્મીરમાં જનમત લેવો જોઇએ: કમલ હાસન
અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસને કાશ્મીરમાં જનમત સંગ્રહનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે કાશ્મીરમાં જનમત સંગ્રહ કેમ નથી કરાતો? સરકાર શેનાથી ડરી રહી છે? જો ભારત પોતાને એક સારો દેશ સાબિત કરવા માગતું હોય તો આ પ્રકારનું વર્તન થવું જોઈએ નહીં.
જેહાદીઓની તસવીરો ટ્રેનમાં લગાવી રહ્યા છે: કમલ
પીઓકેને આઝાદ કાશ્મીર જણાવી કમલે કહ્યું કે આઝાદ કાશ્મીરમાં લોકો જેહાદીઓની તસવીરો ટ્રેનમાં લગાવી રહ્યા છે. તેમને હીરો તરીકે બતાવી રહ્યા છે. આ બેવકૂફી છે.