સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર ની કલમ 370 હટાવવાનો મુદ્દો સંસદમાં મૂક્યો ત્યારે કાશ્મીરનો મુદ્દો ફરી ગરમાયો. કોંગ્રેસના કાશ્મીરી નેતા સૈફુદ્દીન સોઝ એવો દાવો કર્યો હતો કે પાકિસ્તાન હૈદરાબાદ પરનો દાવો જતો કર્યો તૈયાર થયું હોત તો કશ્મીરને પાકિસ્તાન સાથે જવા દેવામાં સરદાર પટેલને કોઈ પણ વાંધો ન હતો.
સોઝે તેમના પુસ્તક ‘કાશ્મીર : ગ્લિમ્પ્સિઝ ઑફ હિસ્ટ્રી ઍન્ડ ધ સ્ટોરી ઑફ સ્ટ્રગલ’માં વિવિધ ઘટનાઓ અને વ્યક્તિઓને ટાંકીને આ દાવો કર્યો છે.
તો શું ખરેખર સરદાર કાશ્મીર પાકિસ્તાનને આપી દેવા માગતા હતા? આ દાવામાં સત્ય કેટલું છે?
કાશ્મીર મામલે સરદાર નો પ્રસ્તાવ :-
પુસ્તકમાં સોઝ લખે છે, ‘પાકિસ્તાનના ‘કાશ્મીર ઑપરેશન્સ’ના ઇન-ચાર્જ સરદાર હયાત ખાન સમક્ષ લૉર્ડ માઉન્ટબેટને સરદારનો એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
જે અનુસાર સરદારે પ્રસ્તાવમાં કહ્યું હતું કે જો પાકિસ્તાન હૈદરાબાદ ડેક્કન પરનો પોતાનો દાવો જતો કરવા તૈયાર હોય તો કાશ્મીર તેમને આપવામાં વાંધો નથી.
હયાત ખાને આ વાત પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી ખાનને જણાવી હતી.
પણ લિયાકત અલીએ એમ કહેતા આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો, ”શું હું ગાંડો થઈ ગયો છું કે પંજાબ કરતાં પણ મોટા હૈદરાબાદને કાશ્મીરના પથ્થરો માટે જતું કરી દઉં?”
કશમીર પાકિસ્તાન માં શા માટે જવા દેવા માગતા હતા સરદાર?
‘સરદાર : સાચો માણસ, સાચી વાત’ પુસ્તકના લેખક ઉર્વીશ કોઠારી કહે છે, ”વિલીનીકરણની પ્રક્રિયા વખતે સરદારના મનમાં એવો કોઈ ખ્યાલ નહોતો કે કાશ્મીર ભારતમાં જ રહેવું જોઈએ.”
“એનું કારણ એ હતું કે એ વખતે કોઈ પણ રાજ્યનોના જોડાણ પાછળ બે કારણ જવાબદાર હતાં”
“આ બે કારણમાં એક જે-તે રાજ્યની ભૂગોળ અને બીજું તે રાજ્યની વસતિને ઘ્યાને લેવામાં આવતી હતી.”
“નોંધનીય છે કે કાશ્મીર એક સરહદી રાજ્ય હતું અને એમની બહુમતી વસતિ મુસ્લિમ હતી.”
”એ રીતે જોતાં કાશ્મીર ભારતમાં જ રહે એવો સરદારનો કોઈ જ દુરાગ્રહ નહોતો. જોકે, નહેરુ પોતે કાશ્મીરી પંડિત હોવાને કારણે કાશ્મીર ભારતમાં રહે તેઓ માનતા હતા.”
”વળી, કાશ્મીરના રાજકારણમાં બે ધ્રુવો મહારાજા હરિસિંહ અને શેખ અબ્દુલ્લાહમાંના શેખ નહેરુના મિત્ર હતા. એ રીતે પણ કાશ્મીર પ્રત્યે નહેરુને લગાવ હતો.”
”આ દરમિયાન જૂનાગઢનો વિવાદ ઊભો થયો અને એ સાથે જ સરદારે કાશ્મીર મામલે પ્રવેશ કર્યો.”
”એ બાદ સરદાર પટેલે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું કે કાશ્મીર ભારતમાં જ રહેશે.”
અસત્ય પર રમાતું રાજકારણ :-
વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈએ જણાવ્યું, ”શરૂઆતમાં કાશ્મીર પાકિસ્તાનમાં જતું રહે તો એ સામે સરદારને કોઈ જ વાંધો નહોતો અને કેટલાય દસ્તાવેજમાં આ વાતનો ઉલ્લેખ છે જ.”
”જૂન 1947માં સરદારે કાશ્મીરના મહારાજાને ખાતરી આપી હતી અને કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનમાં જોડાશે તો પણ ભારત કોઈ વાંધો નહીં ઉઠાવે.”
”જોકે, મહારાજાએ બંને દેશમાંથી જ્યાં પણ જોડાવાનો નિર્ણય લેવો હોય એ 15 ઑગસ્ટ પહેલાં લેવો પડશે.”
ઉર્વીશ કોઠારી જણાવે છે કે ઇતિહાસનાં આ પ્રકરણોના દસ્તાવેજો છે જ પણ એ વખતે લેવાયેલા નિર્ણયો એ સમયની પરિસ્થિતિ પર આધાર રાખે છે.
કોઠારી ઉમેરે છે, ”રાજકારણી આપણી સમક્ષ એ જ પ્રકરણોનાં અર્ધસત્યો રજૂ કરીને રાજકારણ રમે છે.”
”સરદાર કે નહેરુએ ભરેલાં પગલાંની સમીક્ષા ચોક્કસથી કરી શકાય પણ એમના આશય પર કોઈ કાળે શંકા ના કરી શકાય.”