ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૧મી સિઝન હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, ત્યારે પ્લે ઓફમાં કઈ ચાર ટીમો સ્થાન મેળવશે તેની ચર્ચાનો દૌર શરૃ થઈ ચૂક્યો છે. પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ધરાવતી દિલ્હી અને ચેન્નાઈની ટીમો તો પ્લે ઓફમાં સ્થાન મેળવવાના આરે પહોંચી જ ગઈ છે. જોકે બહાર ફેંકાયેલી મનાતી બેંગ્લોર અને રાજસ્થાનની ફ્રેન્ચાઈઝીઓ પણ જો અને તો ના ગણિતને સહારે અંતિમ ચારમાં પ્રવેશવાની આશા રાખી રહી છે. ગઈકાલે મોડી રાત્રે રમાયેલી ચેન્નાઈ અને હૈદરાબાદની મેચનું પરીણામ પરિસ્થિતિને વધુ સ્પષ્ટ કરી ચૂક્યું હશે. જો ચેન્નાઈ વિજેતા બનશે તો તે પ્લે ઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લેશે, પણ જો હૈદરાબાદ જીતશે તો પોઈન્ટ ટેબલમાં તળિયે રહેલી ટીમોની મુશ્કેલી વધી જશે.
આઇપીએલના પોઈન્ટ ટેબલની હાલની સ્થિતિ ભારે રસપ્રદ છે અને જો ચેન્નાઈ અને દિલ્હીને નિશ્ચિત માનીએ તો બાકીના બે સ્થાન માટે મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ, પંજાબ અને કોલકાતા વચ્ચે ખરાખરીની સ્પર્ધા લાગી રહી છે.
દિલ્હી અને ચેન્નાઈ પ્લે ઓફની સૌથી નજીક
દિલ્હી અને ચેન્નાઈની ટીમો હાલના પોઈન્ટ ટેબલમાં ટોચના બે સ્થાન પર ૧૪-૧૪ પોઈન્ટની સાથે કબજો જમાવી ચૂકી છે. દિલ્હીને હવે ત્રણ મેચ રમવાની છે, જેમાંથી તેઓએ પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવા ઓછામાં ઓછી એક મેચ જીતવાની છે. જોકે તેઓ બાકીની મેચો જીતીને ટોચના બે સ્થાન પર કબજો જમાવવાનો પ્રયાસ કરશે. દિલ્હીને ૨૮મીએ બેંગ્લોર સામે, ૧લી મે એ ચેન્નાઈ સામે અને ૪ મે એ રાજસ્થાન સામે રમવાનું છે.
ચેન્નાઈની ટીમ જો મંગળવારે મોડી રાત્રે હૈદરાબાદ સામે જીતી હશે તો તેઓનું સ્થાન પ્લે ઓફમાં નક્કી થઈ જશે કારણ કે તેઓ ૧૧ મેચમાં૧૬ પોઈન્ટે પહોંચી જશે અને ત્યાર બાદની ત્રણ મેચોમાં પણ તેઓ સફળતાની આશા સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવા પ્રયાસ કરશે. ચેન્નાઈને આખરી ત્રણ મેચોમાં અનુક્રમે મુંબઈ, દિલ્હી અને પંજાબ સામે રમવાની છે.
મુંબઈ અને કોલકાતા વચ્ચે સ્પર્ધા
ત્રણ વખત આઇપીએલ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૧૦માંથી ૬ મેચ જીતીને ૧૨ પોઈન્ટ સાથે હાલ પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે. હવે તેમને પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવા બાકીની ૪માંથી ઓછામાં ઓછી બે મેચો જીતવી પડે તેમ છે.
જ્યારે કોલકાતા પર ભારે દબાણ છે કારણ કે તેઓ ૧૦માંથી ૪ મેચ જીતીને ૮ પોઈન્ટ્સ સાથે છેક છઠ્ઠા સ્થાને છે અને તેમના પર બહાર ફેંકાવાનું સૌથી વધુ દબાણ છે. હવે તેમણે બાકીની ચારેય મેચો જીતવી પડે તેમ છે.
રસપ્રદ બાબત એ છે કે આગામી દિવસોમાં મુંબઈ-કોલકાતા એકબીજા સામે બે મેચો રમવાના છે, જેના કારણે આ મેચોના પરીણામની ઘણી મોટી અસર તેમની પ્લે ઓફની દાવેદારી પર પડશે. જો મુંબઈ બે મેચ જીતશે તો તેઓ આગેકૂચ કરશે અને કોલકાતા બહાર ફેંકાશે. જો બંને એક-એક મેચ જીતશે તો પણ કોલકાતા પર બહાર ફેંકાવાનું જોખમ વધી જશે, જ્યારે મુંબઈની આગેકૂચની આશા મજબુત બનશે. જો કોલકાતા બે મેચ જીતે તો મુંબઈની પ્લે ઓફની આશા અન્ય મેચોના પરીણામ પર આધારિત રહેશે, જ્યારે કોલકાતાને તો બાકીની બે મેચો જીતવી પડશે.
મુંબઈ કોલકાતા સામે બે મેચો ઉપરાંત એક મેચ ચેન્નાઈ અને એક મેચ હૈદરાબાદ સામે રમશે. જ્યારે કોલકાતા તેની મુંબઈ સામેની બે મેચો ઉપરાંત એક મેચ રાજસ્થાન સામે અને એક મેચ પંજાબ સામે રમશે.
હૈદરાબાદ અને પંજાબમાંથી કોનો ચાન્સ લાગશે ?
વિલિયમસન/ભુવનેશ્વરની કેપ્ટન્સી હેઠળની હૈદરાબાદની ટીમ અને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ ૧૦-૧૦ પોઈન્ટ્સની સાથે હાલમાં પોઈન્ટ ટેબલમાં અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે. હૈદરાબાદ જો આજે મોડી સાંજે પુરી થનારી મેચમાં ચેન્નાઈને હરાવી દેશે તો તેઓની પ્લે ઓફમાં પ્રવેશવાની આશા વધુ મજબુત બનશે કારણ કે તેમને ત્યાર બાદ આખરી ચાર મેચમાંથી બે જીતવાની રહેશે. ચેન્નાઈ સામેની મેચ બાદ હૈદરાબાદને રાજસ્થાન, પંજાબ, મુંબઈ અને બેંગ્લોર સામે રમવાનું છે. આ બધામાં એ યાદ રાખવું જરુરી છે કે, આખરી ચાર મેચમાં બેરસ્ટો હૈદરાબાદમાં નહિ હોય. વોર્નર પણ છેલ્લી બે મેચ ગુમાવે તેવી શક્યતા છે, આવી સ્થિતિમાં હૈદરાબાદને ફટકો પડી શકે છે.
અશ્વિનની કેપ્ટન્સી હેઠળની પંજાબની ટીમ માટે પણ કપરાં ચઢાણ છે, કારણ કે તેમને બાકીની ચારમાંથી ઓછામાં ઓછી ત્રણ મેચ જીતવી પડે તેમ છે. તેઓ આવતીકાલે બેંગ્લોર સામે રમશે, જે પછી તેમને હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઈ સામે રમવાનું છે. હવે આવી મજબુત ટીમો માટે પંજાબની ટીમ કેવી રીતે મેચને પોતાની તરફેણમાં ફેરવી શકે છે કે નહિ તે જોવાનું રહેશે.
રાજસ્થાન અને બેંગ્લોરને ચમત્કારની આશા
આઇપીએલમાંથી બહાર ફેંકાઈ ચૂકેલી મનાતી રાજસ્થાન અને બેંગ્લોરની ટીમને ચમત્કારની આશા છે. હાલમાં ૩-૩ વિજયની સાથે ૬-૬ પોઈન્ટ ધરાવતી આ ટીમો જો બાકીની મેચો જીતે તો પણ તેમના ૧૪-૧૪ પોઈન્ટ થાય તેમ છે. હવે ૧૪ પોઈન્ટ સાથે કોઈ ટીમ પ્લે ઓફમાં પ્રવેશે તેની શક્યતા હાલની સ્થિતિમાં ઓછી લાગી રહી છે. જોકે ગત વર્ષે રાજસ્થાન ૧૪ પોઈન્ટ સાથે ચોથી ટીમ તરીકે પ્લે ઓફમાં પ્રવેશ્યું હતુ, પણ આ માટે તેમણે અન્ય ટીમોના પરીણામ પર આધારીત રહેવું પડશે અને સાથે સાથે તેમની તો તમામ મેચો જીતવી જ પડશે, જેની શક્યતા ખુબ જ ઓછી જણાઈ રહી છે. રાજસ્થાનને હવે કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર અને દિલ્હી સામે રમવાનું છે. જ્યારે બેંગ્લોરને રાજસ્થાન ઉપરાંત પંજાબ, દિલ્હી અને હૈદરાબાદ સામે ટકરાવાનું છે.