ગુજરાતના મોરબી (Morbi, Gujarat) માં રવિવારની સાંજે એકાએક કહેર મચી ગયો હતો. મચ્છુ નદી (Machhu river) પરના કેબલ બ્રિજ પર પરિવાર સાથે સમય વિતાવવા આવેલા લોકોની ખુશી પળવારમાં દુ:ખમાં ફેરવાઈ ગઈ હતી. કેબલ બ્રિજ અચાનક ધરાશાયી થતાં અનેક લોકો નદીમાં પડી ગયા હતા.
આ અકસ્માતમાં 190 લોકોના મોત થયા હતા. જોકે, કેટલાક લોકોએ પુલના તૂટેલા ભાગ પર લટકીને અને કેટલાકે દોરડાથી લટકીને કોઈ રીતે પોતાનો જીવ બચાવ્યો હતો. જ્યારે કેટલાક લોકો તરીને નદી પાર કરવામાં સફળ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બ્રિજ પર 400થી વધુ લોકો હાજર હતા.
પુલ તૂટતાની સાથે જ અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. એમાં કોણ કોને બચાવે તેવી સ્થિતિ હતી. આ દરમિયાન એક મહિલા કે જે પોતાની દીકરી અને દોહિત્રા સાથે પુલ પર હતા અને નીચે ખાબક્યા ત્યારે ગજબની હિંમત બતાવી હતી. આ વૃધ્ધાએ દીકરીના નાના બે સંતાનો સહિત ત્રણને પોતાની પહેરેલી સાડી કાઢી તેમાં લપેટીને બહાર કાઢ્યા હતા અને જીવ બચાવ્યો હતો.
ત્યારે આ અંગે દુર્ઘટના સમયે બહાદુરી બતાવનાર જયાબેન પ્રભુભાઇ બોગાના દીકરા વિક્રમભાઇએ જણાવ્યું હતું કે, મારી મા મારી બહેન કે જે 19 વર્ષની હતી તેને ન બચાવી શક્યા, પરંતુ બહેનના બે નાના સંતાનો સહિત ત્રણને સાડીમાં વીંટીને બહાર લઇ આવ્યા. મારી માતાને તરતા આવડે છે. તે સાડા સાતે જ બહાર આવી શક્યા હતા પરંતુ મારી બહેનને તરતા નહોતું આવડતું અને તેની લાશ તો અમને રાતે 12 કલાકે મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.