ગાંધીનગર(ગુજરાત): હાલમાં ગાંધીનગરમાં એક ચકચારી ઘટના બનવા પામી છે. જેમાં કલોલ પૂર્વ વિસ્તારમાં આવેલા જે. પી.ની લાટીના છાપરામાં દૂષિત પાણીને પગલે રોગચાળો ફાટી નીકળ્યો છે. જાણવા મળ્યું છે કે, 100 જેટલાં ઘરોમાં દરેકના ઘરમાં એક-બે વ્યક્તિ આ ઝાડા-ઊલટી સહિતની બીમારીઓમાં સંપડાઈ ગયા છે. છેલ્લા 15 દિવસથી અહીં દૂષિત પાણી આવી રહ્યું છે.
જે અંગે તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લેવાયાં ન હતાં. જેને પગલે રોગાચાળો ફાટી નીકળતાં ઘરે-ઘરે બીમારીના ખાટલા જોવા મળે છે. જેમાં બે બાળકો સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્થાનિકોએ ત્રણ મોત માટે તંત્રને જવાબદાર ઠેરવ્યું છે. ખૂબ જ દુર્ગંધ મારતું તેમજ દૂષિત પાણી આવતું હોવા અંગે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી.
જોકે, તંત્ર દ્વારા આ દિશામાં કોઈ પગલાં ન લેતાં પરિસ્થિતિ વણસી ગઈ છે. રોગચાળાની સ્થિતિને પગલે પાલિકાની આરોગ્યની 10 ટીમને દોડતી કરવામાં આવી હતી. જે.પી. ની લાટીના છાપરા અને આસપાસના વિસ્તારોમાં પણ આરોગ્યની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં 1 હજાર ઘરોમાં ઓઆરએસ, જરૂરી દવાઓ અને પાણી શુદ્ધ કરવા માટે ગોળીઓ આપવામાં આવી હતી. કલોલ સિવિલ, પ્રાઈવેટ હોસ્પિટલ્સ અને ઘરે પણ લોકો સારવાર લઈ રહ્યા છે. જોકે, બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોતને પગલે તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે.
અહી ઉલ્લેખનીય છે કે, હજુ તો ચોમાસાની સીઝનનો સારો વરસાદ પણ થયો નથી. આ દરમિયાન જ કલોલમાં જે રીતે દૂષિત પાણીને કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે એના પરથી લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં જ્યારે સારો વરસાદ પડશે તેને કારણે ફેલાતી ગંદકી અને માખી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળામાં વધારો થવાની હાલ શક્યતા જણાઈ રહી છે.
આ દરમિયાન, નગરપાલિકા તરફથી નગરમાં જ્યાં સંભવિત રોગચાળાની સ્થિતી ઊભી થાય એમ લાગી રહ્યું છે. એવા વિસ્તારોમાં અત્યારથી જ તકેદારીના પગલારૂપે જે-તે વિસ્તારમાં ગંદકી અને પાણીને લગતી સમસ્યા હોવાથી એનો ઉકેલ લાવી આગામી સમયમાં આ વિસ્તાર જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે દિશામાં પગલાંં લઈ શહેરીજનોને સંભવિત રોગચાળાના ખતરાથી બચાવવા માટે નક્કર આયોજન હાથ ધરવું જોઈએ એવી નગરજનોની માંગણી છે.
જાણવા મળ્યું છે કે, પાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા, જેમાં સ્થાનિકો સાથે વાતચીત કરીને દૂષિત પાણીની સમસ્યાનું કારણ શોધવા મથામણ કરી હતી. સમગ્ર બાબત અંગે કલોલ પાલિકાની ચીફ ઓફિસર નીતિનભાઇ બોડાતે કહ્યું હતું કે, ‘જે વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા છે ત્યાં પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે, થોડા દિવસ ટેન્કરથી પાણી પહોંચાડાશે. પાણીનાં સેમ્પલો લઈને એને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.’
રોગચાળાને પગલે આ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય કિશોરભાઈ માણેકભાઈ દેવીપૂજક તથા તેમના 3 વર્ષના દીકરા કરણનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પતિ-પુત્રના મોતને પગલે નિરાધાર બન્યા. આસપાસના લોકોએ કહ્યું હતું કે, શનિવારે 12 વાગ્યે કરણ બીમાર થતાં તેને દાખલ કરવામાં આવ્યો હતો અને રાત્રે 8 વાગ્યે મોત નીપજ્યું હતું. બીજી બાજુ શનિવારે સાંજના સમયે કિશોરભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રવિવારે સવારે 9 વાગ્યે તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
કરણનું રાત્રે મોત થતાં બાદ રવિવારે સવારે તેની દફનવિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન પિતાના મોતના સમાચાર આવ્યા હતા. આ જ વિસ્તારમાં રહેતા મનોજભાઈ મારવાડીએ પોતાની 6 વર્ષની દીકરી સીમર ગુમાવી છે. તેમને કહ્યું કે, ‘શનિવારે સાંજે સીમરની તબિયત બગડતાં સિવિલ લઈ જવામાં આવી હતી. જ્યાં બાટલો ચઢાવવા સહિતની સારવાર શરૂ કર્યાના 15 મિનિટમાં જ મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.