અમદાવાદ(Ahmedabad): શહેરની ખાનગી હોસ્પિટલના ડોકટરોની ટીમે 4 કલાકની જહેમત બાદ 56 વર્ષીય મહિલાના પેટમાંથી એક મોટા કોળા જેટલી 47 કિલોની ગાંઠ અને 7 કિલો ચરબી કાઢીને નવજીવન આપ્યું છે. મહિલાનું વજન સર્જરી પછી 49 કિલો થયું છે. ગાંઠને લીધે કિડની, હૃદય અને ફેફસાં પર દબાણ આવતું હોવાથી સર્જરીમાં નાની ભૂલથી વધુ રક્તસ્ત્રાવ થતાં ઓપરેશન ટેબલ પર મહિલાનું મોત થવાની સંભાવનાઓ પણ હતી. સમગ્ર દેશનું સૌથી મોટુું નોન ઓવેરિયન ટ્યુમર હોવાનો ડોકટરનો દાવો છે.
મૂળ દાહોદમાં વસવાટ કરતી મહિલાના પેટમાં 2004થી મોટી ગાંઠ હતી. 2005માં ગોધરામાં સર્જરી કરવામાં આવી હતી પરંતુ ગાંઠ શરીરના અમુક અંગો સાથે જોડાયેલી હતી. જેના કારણે મોત થવાની પણ શક્યતા હતી. તેથી સર્જરી કરવામાં આવી ન હતી. ત્યારથી અત્યાર સુધી મહિલાના પેટમાં કોઇ દુખાવો ન હતો, પણ વજન સતત વધતા પથારીવશ હતા. ઇન્ટરનેટ પર સર્ચ કરીને દિલ્હીની એક હોસ્પિટલના ડોકટરનો સંપર્ક કરતા તેમણે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાની માહિતી આપી હતી. ટ્યુમર મોટુું હોવાથી સર્જરી જોખમી હતી પણ ડોક્ટરોની ટીમે 4 કલાકની જહેમત બાદ સફળ સર્જરી કરીને 47 કિલોની ગાંઠ અને 7 કિલો ચરબી કાઢીને નવજીવન આપ્યું છે.
અમદાવાદની હોસ્પીટલમાં ઓન્કો અને લિવર સર્જન તરીકે ફરજ બજાવતા ડો. ચિરાગ દેસાઇ આ ઓપરેશન અંગે જણાવતા કહે છે કે, 47 કિલોના મસમોટા ટ્યુમરને લીધે મહિલા સીટી સ્કેન મશીનમાં જઇ શકે તેમ ન હોવાથી સીટી સ્કેન મશીનમાં ટેકનિકલ ચેન્જીસ કરીને મહિલાને અન્ય દર્દી કરતાં અલગ પોઝિશન આપીને સ્પેશ્યિલ સિટી સ્કેન કર્યો હતો. જવલ્લે જોવા મળતું 47 કિલોનું સૌથી મોટું ટ્યુમર છે.
ડોકટરે વધુમાં જણાવતા કહ્યું કે, મહિલાને 18 વર્ષથી ગાંઠ હતી, જે ધીમે ધીમે વધી હતી. ગાંઠ વધી જતાં મહિલા હાલી-ચાલી શકતા ન હતા, જેથી મહિલાને સર્જરી પહેલા 7 દિવસ દાખલ કરીને સીટી સ્કેન સહિતના ટેસ્ટ કર્યા હતા, ટ્યમુર એટલું કઠણ હતું કે, બાયોપ્સી માટેની નીડલ પણ વળી ગઇ હતી, પણ કેન્સરનું ટ્યુમર ન હોવાનું નિદાન થતાં 27 જાન્યુઆરીએ સફળ સર્જરી બાદ બ્લડપ્રેશર અને શ્વાસોશ્વાસ કંટ્રોલ કરવા આઇસીયુમાં રાખ્યા બાદ હવે મહિલા સ્વસ્થ થઇ છે.
કોળા કરતાં પણ મોટી સાઈઝની ગાંઠને લીધે મહિલા હલનચલન પણ કરી શકતી ન હતી. લાંબા સમયથી મહિલાને સંપૂર્ણપણે પથારીવશ રહેવું પડતું હતું. મહિલાના મૂળ વજન કરતાં પણ ગાંઠ અને ચરબીનું વજન લગભગ બમણું હતું. ડોક્ટરો એક નાની સરખી ભૂલ કરે તો મહિલા ઓપરેશન ટેબલ પર જ મૃત્યુ પામવાનું જોખમ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.