World Homeopathy Day: જર્મન ડૉક્ટર અને હોમિયોપેથીના શોધક ડૉ. ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનીમેનની Samuel Hahnemann જન્મજયંતિ એટલે ૧૦ એપ્રિલને વિશ્વભરમાં ‘વિશ્વ હોમિયોપેથિક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૩માં ‘વિશ્વ હોમિયોપેથી દિવસ’ની ઉજવણી ‘વન હેલ્થ વન ફેમિલી’ની થીમ પર કરાશે.
કોરોનાકાળ દરમિયાન પ્રિ અને પોસ્ટ કોવિડ સારવાર માટે સરકાર દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથીને અપાયેલા પ્રાધાન્ય તેમજ તેના અદ્ભુત પરિણામોને કારણે વિશેષરૂપે લોકો હોમિયોપેથી જેવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ તરફ વળ્યા છે. કેન્દ્રીય આયુષ મંત્રાલય દ્વારા હોમિયોપેથીને હથિયાર બનાવી ઈમ્યુનિટી બૂસ્ટર એવી આર્સેનિક અલ્બમ-૩૦ને કરોડો લોકો સુધી પહોંચાડી હતી. રાજ્ય સરકારે પણ ૩.૪૮ કરોડ લોકો સુધી આ દવાના ડોઝનું વિતરણ કર્યું હતું.
સુરત જિલ્લાની વાત કરીએ તો, સમગ્ર જિલ્લાને આવરી લેતા ૮ આરોગ્ય કેન્દ્રો પર સપ્તાહના ૬ દિવસ હોમિયોપેથીની નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ છે. જેનો લાભ રોજના સરેરાશ ૪૦૦ થી ૫૦૦ લોકો વિવિધ પ્રકારના શારીરિક અને માનસિક રોગો માટે લઈ રહ્યા છે. જે કોવિડ પહેલાના સમયગાળા કરતાં વધારે છે.
હોમિયોપેથીનો ઈતિહાસ: History of Homeopathy
૧૪ ભાષાઓનું જ્ઞાન ધરાવતા ડો. સેમ્યુઅલ હેનીમેને (Samuel Hahnemann) વર્ષ ૧૭૯૬માં હોમિયોપેથિક ચિકિત્સાની શોધ કરી હતી. ઍલોપથી અને અને આયુર્વેદ પછી ત્રીજા ક્રમે આવતું વૈકલ્પિક ચિકિત્સાવિજ્ઞાન એટલે હોમિયોપેથી. ૨૦૦ વર્ષ જૂની આ ચિકિત્સા પદ્ધતિમાં દરેક રોગનો ઈલાજ અને રોગને સંપૂર્ણ નાબૂદ કરવાની ક્ષમતા છે. ગ્રીક શબ્દ હોમિયોપેથીમાં હોમિયોસ એટલે સમાન અને પંથોસ એટલે રોગ અથવા રોગના લક્ષણ એવો થાય છે. કોઈ એક ઔષધિ નીરોગી વ્યક્તિ પર જે લક્ષણોનું નિર્માણ કરે ,તેવા જ લક્ષણોથી પીડાતી વ્યક્તિ પર તે ઔષધનો સારવાર માટે ઉપયોગ કરી શકાય. ૧૯મી સદીમાં ભારતમાં આગમન થતાં જ આ સારવાર પદ્ધતિ દેશના મૂળ અને પરંપરામાં પ્રસ્થાપિત થઈ ગઈ. હોમિયોપેથીમાં દરેક વ્યક્તિના માનસિક તેમજ શારીરિક લક્ષણોને પૂછી દરેકની પ્રકૃતિ પ્રમાણે તેની સારવાર કરવામાં આવે છે.
હોમિયોપેથીનું મહત્વ: Importance of World Homeopathy Day
હાલના સમયમાં માનસિક તાણ, બદલાયેલી જીવનશૈલી, ખોરાકની કુટેવો તેમજ શારીરિક શ્રમના અભાવથી પાચન, શારીરિક શક્તિ અને ઊંઘ સહિત સમગ્ર સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરથી માનવીની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. જેની પ્રતિતિ સમગ્ર વિશ્વએ કોરોનાના વિકટ સમયમાં કરી. હોમિયોપેથિક ચિકિત્સાના અવિશ્વસનીય પરિણામોને કારણે આજે માત્ર દેશમાં જ નહીં, આખા વિશ્વમાં આ પદ્ધતિનો વિશેષરૂપે પ્રસાર અને પ્રચાર થઈ રહ્યો છે. કોઈ પણ જાતની આડઅસર વિના ૪૬૦૦થી વધારે દવાઓ સાથે હોમિયોપેથીની સારવાર સચોટ, વૈજ્ઞાનિક નીતિ-નિયમો અને કુદરતના સિધ્ધાંતોને આધારિત સંપૂર્ણ સલામત, નિરામય ચિકિત્સા પદ્ધતિ છે.
કયા રોગોની સારવાર થાય છે?
સુરતના જિલ્લા આયુષ અધિકારી ડૉ. કાજલ મઢીકરે (Dr ) જણાવ્યું હતું કે, શારિરીક અને માનસિક એમ બંને પ્રકારના રોગો માટે ઉપયોગી હોમિયોપેથીમાં બાળકોને લગતા રોગો, સ્ત્રી રોગો, સાંધાના દુખાવા, માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, લીવર અને એસિડિટીની સમસ્યા, ચેપી રોગો, ચામડી, શ્વસનતંત્ર તેમજ અન્નમાર્ગને લગતી તકલીફો, વાળને લગતી સમસ્યા, પુરુષસહજ રોગો અને ખાસ કરીને કોવિડ પછી વર્તાતી અશક્તિ તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ દવાઓ અને સારવાર રામબાણ છે.
ડૉ. મઢીકરે વધુમાં કહ્યું કે, કોવિડ સમયગાળા દરમિયાન કેન્દ્રીય આયુષ મંત્રાલયે સારવાર માટે આર્સેનિક અલ્બમ નામની દવાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. કોરોનાકાળમાં હોમિયોપેથીના સફળ પરિણામો બાદ લોકોનો આ ચિકિત્સા પદ્ધતિ પરનો ભરોસો બેવડાયો અને મોટી સંખ્યામાં લોકો હોમિયોપેથી તરફ વળ્યા છે.
દવા લેતી વખતે ધ્યાને લેવાની બાબતો:
હોમિયોપેથીની દવા જો યોગ્ય સમયે અને યોગ્ય રીતે લેવામાં આવે તો તેની અસર સારી રીતે અને ઝડપભેર થાય છે. આ દવાઓ હાથમાં લેવાની જગ્યાએ ઢાંકણમાં કાઢી જીભ નીચે મૂકીને ચૂસવાની હોય છે.આ દવાઓ ભૂખ્યા પેટે લેવાની હોય છે તેમજ દવા લેવાના 15 મિનિટ પહેલા અને પછી કંઈ પણ લેવું નહીં. હોમિયોપેથીક ઔષધીઓ લેતી વખતે કાચા લસણ કાચા કાંદા તથા કોફીનું સેવન કરવું નહીં. આમ કરવાથી ઔષધીય ગુણમાં ઘટાડો થાય છે. તેમજ હોમિયોપેથીક દવા સિવાય બીજી કોઈપણ દવા લેતા હોવ તો ડોક્ટરની સલાહ સિવાય બંધ કરવી નહીં.
હોમિયોપેથિક દવાઓ શા માટે મીઠી હોય છે?
આ દવાઓ આલ્કોહોલ માધ્યમમાં તૈયાર કરવામાં આવે છે. તેનો સ્વાદ એકદમ તીખો હોય છે. ક્યારેક વધુ પડતા આલ્કોહોલના સેવનથી મોઢામાં ફોલ્લા થવાનું જોખમ પણ રહે છે, તેથી તેને મીઠી ગોળીઓમાં ભેળવીને દર્દીને આપવામાં આવે છે. આ ગોળીઓ દૂધના પાવડર અથવા શેરડીની ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે, જેથી તે બાળકોથી લઈને વૃદ્ધો દ્વારા પી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.