આજે 8 માર્ચ(March 8) એટલે વિશ્વ મહિલા દિવસ(World Women’s Day). આજના જમાનામાં મહિલાઓ પુરુષોને ટક્કર આપતી થઈ ગઈ છે. અમુક ક્ષેત્રોમાં તો મહિલાઓ પુરુષોથી પણ ઘણી આગળ પડતી હોય છે. આજે વિશ્વ મહિલા દિવસે કીમની એક એવી પ્રેરણાદાયી મહિલાની વાત કરીશું જે પોતાના પતિ અને પુત્રના અવસાન બાદ પણ સાહસ, મજબૂત મનોબળ સાથે હિંમત હાર્યા વિના ભાડેથી ટુર ટ્રાવેલ્સનો વ્યવસાય કરી 61 વર્ષની ઉંમરે સ્વમાનભેર ભાડાના મકાનમાં રહી જીવન જીવી રહ્યા છે.
આ મહિલાનું નામ હંસાબેન કેસરીસિંહ પઢીયાર છે. મળતી માહિતી અનુસાર તેઓ ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલ રંગકૃપા સોસાયટીમાં ભાડેના એક નાનકડા રૂમમાં રહે છે. પતિ તેમજ પુત્રના અવસાન બાદ પણ તેઓએ હિંમત હારી નથી અને 61 વર્ષની ઉમરે એકલા રહી વ્યવસાય કરી રહ્યા છે. સામાન્ય તકલીફમાં હિંમત હારી જતા યુવક-યુવતીઓ માટે આ મહિલા પ્રેરણાદાયી ઉદાહરણ બન્યા છે.
હંસાબેન પતિ તેમજ પુત્ર સાથે ખુબ જ આનંદથી પોતાની જીવન વ્યતીત કરી રહ્યા હતા. હંસાબેન પોતે એક ખાનગી શાળામાં સેવિકાની નોકરી કરતા હતા અને કમિશન પર નાનકડો પ્રવાસ કરાવતા હતા. તેમજ પતિ અને પુત્ર ફેકટરીમાં નોકરી કરતા હતા. આનંદથી જીવતા આ પરિવારનું જીવન 2014ની સાલમાં વિખેરાઈ ગયું હતું. એકજ માસમાં હાર્ટએટેકથી પતિ કેસરીસિંહનું નિધન થયું હતું અને ત્યારબાદ તરત જ અકસ્માતમાં જુવાનજોધ પુત્રનું દુઃખદ અવસાન થયું હતું. આ બંને ઘટનાઓથી હંસાબેનનું જીવન અંધકારમય બની ગયું હતું.
હંસાબેનના જણાવ્યા અનુસાર, પરિવાર મદદ માટે આવ્યો પણ ક્યાં સુધી કોઈના આધાર પર રહેવું. તેઓએ આત્મનિર્ભર બનીને પોતાનું જીવન વ્યતીત કરવાનું નક્કી કર્યું. ત્યારપછીથી હંસાબેન જે કમિશનથી નાનકડો પ્રવાસ કરાવતા હતા તેના પર તેમણે ધ્યાન આપીને પોતાનો વ્યવસાય આગળ વધાર્યો હતો. ત્યારબાદ તેઓ ધીમે ધીમે ગુજરાત બહારના પ્રવાસના આયોજન કરવા લાગ્યા. આજે 61 વર્ષની ઉંમરે પણ સુગર અને પ્રેશરની બીમારી વચ્ચે પણ હંસાબેન લોકોને કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધીનો પ્રવાસ ખૂબ સારા આયોજન સાથે એકલે હાથે કરી રહ્યા છે અને તેઓ પોતે પણ પતિ અને પુત્રના અવસાનના આઘાતમાંથી બહાર આવી ગયા છે.
આજે વિશ્વ મહિલા દિવસે હંસાબેનની હિંમત, પુરુસાર્થ, અને સાહસ સાથેના સન્માનભર્યા જીવનને સલામ છે. હિંમત ન હારી સ્વમાનથી જીવી રહેલા હંસાબેન નબળા આત્મવિશ્વાસ વાળી આજની યુવાપેઢી માટે પ્રેરણાદાયી બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.