કેડબરી ડેરી મિલ્ક ચોકોલેટમાં ફરી જોવા મળ્યો કીડો, જુઓ વિડીયો

Cadbury Dairy Milk Worm: જાણીતી ચોકલેટ કંપની કેડબરી ડેરી મિલ્કની ચોકલેટમાં ફરી એકવાર જીવડું મળી આવ્યો છે. હૈદરાબાદના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર કેડબરી ચોકલેટમાં કીડાનો વીડિયો(Cadbury Dairy Milk Worm) શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિએ હાથમાં ચોકલેટ પકડેલી છે. પેકેટ ખોલતાની સાથે જ ચોકલેટની પાછળ એક કીડો દેખાય છે. ચોકલેટમાં એક ઈયળ જેવી જીવાત રખડતી જોવા મળે છે. આ વ્યક્તિએ શહેરના એક મેટ્રો સ્ટેશન પરથી આ ચોકલેટ ખરીદી હતી. આ વ્યક્તિનું નામ રોબિન જાન્ચિયસ છે. રોબિને આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

9 ફેબ્રુઆરીએ વિડીયો થયો વાઇરલ
વીડિયો શેર કરતી વખતે રોબિન જાન્ચિયસે લખ્યું છે કે,રત્નદીપ મેટ્રો અમીરપેટથી ખરીદેલી કેડબરી ચોકલેટમાં એક ઈયળ જોવા મળી છે. શું આ ઉત્પાદનો પર કોઈ ગુણવત્તા તપાસ છે? આના કારણે આરોગ્યને થતા જોખમો માટે જવાબદાર કોણ? રોબિને આ ચોકલેટ માટે 45 રૂપિયા ચૂકવ્યા હતા. Robin Zaccheus એ 9 ફેબ્રુઆરી એટલે કે ગયા શુક્રવારે આ પોસ્ટ શેર કરી હતી. જે બાદ તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

કંપનીએ આ વાત કહી
આ પોસ્ટનો જવાબ આપતા, કેડબરી ડેરી મિલ્કે લખ્યું છે કે મોન્ડેલેઝ ઈન્ડિયા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ શ્રેષ્ઠ ગુણવત્તાના ધોરણો જાળવવાનો પ્રયત્ન કરે છે. અમે શ્રેષ્ઠ ગુણવત્તાના ધોરણો જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તમને આ ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો તે સાંભળીને અમને અફસોસ થાય છે. તમારી ચિંતાઓ ઉકેલવા માટે અમારી સાથે વાત કરો.

આ પહેલા પણ કીડો નીકળ્યો
કેડબરીની ચોકલેટમાં અગાઉ પણ કીડો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ વર્ષ 2003માં દિવાળી પહેલા ઓક્ટોબર મહિનામાં મુંબઈમાં એક ગ્રાહકે ચોકલેટમાં જંતુઓ હોવાની ફરિયાદ કરી હતી. આ સમય દરમિયાન, મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કેડબરીના પુણે પ્લાન્ટમાં ઉત્પાદિત ચોકલેટનો સ્ટોક જપ્ત કર્યો હતો. તેના બચાવમાં, કેડબરીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેની ફેક્ટરીઓમાં કેડબરી ડેરી મિલ્ક ચોકલેટના તમામ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. એમાં એમને કોઈ ખામી જણાઈ નહિ. દરમિયાન, મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ કહ્યું હતું કે તપાસમાં પુષ્ટિ થઈ છે કે સ્ટોરમાંથી લેવામાં આવેલી કેડબરી ચોકલેટમાં જંતુઓ હતા.

આ ઘટના બાદ કેડબરીના વેચાણમાં 30 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. આ વિવાદ બાદ દિવાળી પછી પહેલીવાર કેડબરીએ દોઢ મહિના માટે તેની જાહેરાત બંધ કરી દીધી હતી.