આભ ફાટ્યું હોય એમ ગુજરાતના આ તાલુકામાં બે કાંઠે વહી નદી- એકાએક પુર આવતા યુવક તણાયો- જુઓ LIVE વિડીયો

જામનગર(ગુજરાત): હાલના વરસાદી માહોલ વચ્ચે જામનગર જિલ્લામાં ગઈકાલે જાણે આભ ફાટ્યું હોય એમ મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે જિલ્લાની અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. આ ઉપરાંત, કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના ખંઢેરા ગામ પાસેથી વહેતી નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધ્યો હતો. જેને કારણે એક યુવક તણાયો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. યુવક તણાતો હોવાની જાણ થતાં ગ્રામજનો એકઠાં થયાં હતાં અને સહિયારા પ્રયાસથી યુવકને બચાવી લેવામાં આવ્યો હતો.

ભારે વરસાદને કારણે ખંઢેરાની નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે જેને કારણે કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે. જાણવા મળ્યું છે કે, પાણી ફરી વળતાં જામનગર-કાલાવડ હાઇવેને ડાઇવર્ટ કરવામાં આવ્યો છે અને કાલાવડ તરફ આવતાં વાહનોને રણુજા તરફ ડાઈવર્ટ કરવામાં આવ્યાં છે. જામનગરના કાલાવડ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ધોધમાર વરસાદ પડવાને કારણે કાલાવડ તાલુકાનાં કેટલાંક ગામોમાં નદી-નાળાં છલકાઈ ગયાં હોવાનું પણ સામે આવ્યું છે. કાલાવડમાં કુંભનાથ પરામાં પણ ગાબડું પડતાં ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું.

જાણવા મળ્યું છે કે, જોડિયા તાલુકાના બાલંભા ગામે છેલ્લા 24 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકયો છે. આથી આજી નદી બે કાંઠે વહેતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જોકે કોઇ જાનહાનિ થઇ ન હતી. ભારે વરસાદને કારણે જોડિયા તાલુકાના પંચાયતના માજી પ્રમુખ જેઠાલાલ આઘેરા, સરપંચ ઈશ્વરભાઈ ખોલિયા દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, કાલાવડ તાલુકામાં ભારે વરસાદને પગલે ફૂલઝર-1 ડેમ ઓવરફલો થયો છે. આથી ગોલાણિયા, ખંઢેરા, નાગપુર અને વાડીસંગ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, બાલંભડી ડેમ પણ 80 ટકા ભરાઇ ગયો છે. આથી ડેમની હેઠવાસમાં આવતા કાલાવડ, બાવાખાખરિયા, જસાપર, જીવાપર, સોરઠા, નગાજર, સતિયા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *