બીટકનેક્ટ કંપની એને વેબસાઈટો શરૂ કરીને કરોડોની છેતરપિંડી ના કેસમાં અબુધાબીથી ડિપોર્ટ કરાયેલા ધવલ માવાણી પાસેથી અંદાજે ૧૦ કરોડ રૃપિયાની કિંમતના બીટકોઈન ટાંચમાં લેવામાં આવ્યા છે. આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મળીને કુલ ૫૧.૩૧ કરોડ રૃપિયાની કિંમતના ૬૨૨ બીટકોઈન મળી આવ્યા છે.
ધવલ માવાણી સહિતના આરોપીઓએ બીટકનેક્ટ કંપની તથા બીટકનેક્ટ, બીટકનેક્ટકોઈન અને બીટકનેક્ટએક્સ નામની વેબસાઈટો શરૃ કરીને રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપીને રૂ.૧૨,૬૯,૮૫,૭૪૫ ની છેતરપિંડી કરી હતી. જેમાં અબુધાબીથી પ્રત્યાર્પણ કરાયેલા આરોપી ધવલ માવાણી પાસેથી બે પેનડ્રાઈવ તથા ઈલેકટ્રમ વોલેટની ત્રણ સીડી મળી આવી હતી. જેમાંથી સીઆઈડી ક્રાઈમને કુલ ૩૪૨ બીટકોઈન મળી આવ્યા હતા. તેમાંથી ૧૨૩ બીટકોઈન સીઆઈડી ક્રાઈમના ટ્રેઝર વોલેટમાં ટ્રાન્સફર કરીને ટાંચમાં લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ૨૨૦ બીટકોઈન ટાંચમાં લેવાની કામગીરી ચાલી રહી છે. પોલીસને બન્ને પેનડ્રાઈવમાંથી બીટકનેક્ટ કંપનીને લગતા કેટલાક મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટીયાના જણાવ્યા મુજબ હાલમાં એક બીટકોઈનની કિંમત રૂ.૮ લાખથી વધુ છે. જેને પગલે ટાંચમાં લેવાયેલા ૧૨૩ બીટકોઈનની કિંમત અંદાજે ૧૦ કરોડ થવા જાય છે.
અગાઉ પોલીસે આ કેસમાં સતીષ કુંભાણી, દિવ્યેશ દરજી, રાકેશ સવાણી અને સુરેશ ગોરસીયાની ધરપકડ કરી હતી. જેમાં સતીષ કુંભાણીની પેનડ્રાઈવમાંથી બીટકોઈન કેશ, પીઅર કોઈન, નોવા કોઈન, બી.સી.સી.કોઈન તથા મલ્ટીબીટ કોઈનના ડેસ્કટોપ વોલેટ મળી આવ્યા હતા. જેમાં રહેલા જુદા જુદા કોઈનની કિંમત ૨૬૦ જેટલા બીટકોઈન જેટલી થાય છે. આમ આરોપીઓ પાસેથી મળી આવેલા તમામ બીટકોઈનની સંખ્યા ૬૨૨ થાય છે. હાલમાં એક બીટકોઈનની કિંમત રૂ.૮.૨૫,૦૦૦ લેખે ૬૨૨ બીટકોઈનની કુલ બજાર કિંમત રૂ.૫૧,૩૧,૫૦,૦૦૦ થવા જાય છે.