પાકિસ્તાન સરકારે ત્યાંની જેલોમાં બંદીવાન 500 થી વધુ ભારતીય માછીમારો પૈકી 355 ને મુક્ત કરવા નિર્ણય લઇ તમામને તબક્કાવાર છોડવાની જાહેરાત કરી હતી જે અંર્તગત પ્રથમ તબક્કામાં મુકત કરાયેલા 100 માછીમારોનો વાઘા બોર્ડરેથી બે દિવસ પહેલા કબજો લઇ ફિશરીઝ અધિકારીઓની ટીમ તમામ માછીમારોને આજે બપોરે બે વાગ્યા વેરાવળ ફીશરીઝ કચેરીએ લઇ આવી હતી. જ્યાં’ વહેલી સવારથી માછીમારોના સ્વજનો પોતાના પરિવારજનો સાથે ધોમધખતા તડકામાં હાથમાં ફૂલ-હાર લઇ કાગડોળે રાહ’ જોતા હતા.’ ફીશરીઝ કચેરીના અધિકારીઓએ પ્રથમ માછીમારોને જરૂરી કાગળોની કાર્યવાહી બાદ તેમના સ્વજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી હતી’ તે ઘડીએ માછીમારોના પરિવારજનોમાં હરખની હેલી સાથે અશ્રુઓનો દરિયો વહેવા લાગ્યો હતો.
ગીર સોમનાથના તડ ગામના મુકત થયેલ માછીમાર ભાણજીભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ જ્યારે ભારતની જેલમાં પાકિસ્તાનના એક કેદીનું મોત થયાની ઘટના બની હોવાના સમાચાર પહોંચતા પાકિસ્તાન જેલમાં તનાવભરી સ્થિતિ સર્જાઇ હતી. બાદ ભારતીય માછીમારોને અલગ સ્વતંત્ર બેરેકમાં પાકિસ્તાનના કેદીઓથી અલગ રાખવામાં આવ્યાં હતાં. આજે મુકત થયેલા માછીમારોમાં ઉત્તરપ્રદેશના 13 માછીમારો પણ મુકત થયા હતા. જે પૈકીના અખીલેશ નામના માછીમારે જણાવ્યું હતું કે, જેમ ગુજરાત સરકાર સ્થાનિક રાજ્યના માછીમારો જ્યારે પાકિસ્તાન જેલમાં બંદીવાન હોય સમયગાળા દરમિયાન માસિક રૂ.4,500 ભથ્થુ પરિવારને ચૂકવે છે. તેવી રીતે ઉત્તરપ્રદેશ સરકારે પણ તેમના રાજ્યના માછીમારોને આવા ભથ્થાની મદદ કરવી જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
પાક.ની જેલોમાં ભારતીય માછીમારો પોતાના કમાયેલા પૈસાથી સ્વહસ્તે રસોઇ બનાવીને આરોગી શકે તેવી ખાસ છૂટ અપાઇ હતી. પુલવામા અને બાલાકોટના હુમલાની ઘટના બાદ પણ ત્યાંની જેલનું વાતાવરણ સામાન્ય’ હતુ.
પાકિસ્તાનના કરાંચીની દાંડી જેલમાં 500થી વધુ ભારતીય માછીમારો બંદીવાન હોય જે પૈકીના આજે મુકત થયેલા 100 માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 73, વાપી-વલસાડના 3, દ્વારકાના 8, ઉત્તરપ્રદેશના 13 મુક્ત થયા છે. જો કે, આવનારા દિવસોમાં હજુ બેથી ત્રણ તબક્કામાં 255 જેટલા માછીમારો મુકત થશે. આજે મુકત થયેલા માછીમારો પાક. જેલમાં છેલ્લા દોઢથી બે વર્ષથી સબડતા હોવાનું ફીશરીઝ અધિકારી ટી.ડી. પુરોહિતે જણાવ્યું હતું.
ઉનાનો માછીમાર આસામનો નીકળ્યો : બોગસ દસ્તાવેજ ઝડપાયાં.
પાકિસ્તાની કેદમાંથી મુક્ત થયેલાં સો પૈકીનો એક માછીમાર ઇન્ટ્રોગેશન દરમિયાન બોગસ નીકળ્યો હતો. મૂળ આસામના એવા ડેનીયલ બાસુમેક્ટ્રેસ નામના શખસના પાસપોર્ટમાં નામ ચંદુ મનુ લખાયેલું જાણવા મળ્યું હતું. આગવી ઢબે પૂછપરછ કરતાં તે રોનકશાન કાપરી (રહે.એન.કે.અંગારકુતાઇ, બકમાં જિલ્લા આસામ)નો હોવાનું જાણવા મળ્યું હતું. આ શખસને’ ઉનાના દિનેશ ઉર્ફે ચંદુ મનુ સોલંકી કે જે મૃત્યુ પામ્યો છે તેનું બોગસ ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ બનાવતા પોરબંદરની શીમમાં માછીમારીનું કામ મેળવ્યું હતું. માછીમારી કરી દોઢ વર્ષ પાક જેલ ભોગવી આવેલો આ શખસ આજે ઝડપાયો હતો. સાથે સમુદ્રી સુરક્ષામાં ચાલતી પોલ પણ પકડાઇ છે.